26 April, 2025 08:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં ૨૬ લોકોના જીવ જવાને પગલે દેશભરમાં દુઃખનું વાતાવરણ છે ત્યારે કાંદિવલી-ઈસ્ટમાં આવેલા શ્રી શાંતિનાથ ઝાલાવાડ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘે આવતી કાલે આયોજિત ૫૨૫ વર્ષીતપના આરાધકોની શોભાયાત્રા અને જમણવારનો કાર્યક્રમ રદ કરવાનો નિર્ણય લીધો છે.
આ વિશે સંઘે ગઈ કાલે પત્ર જાહેર કર્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે પ્રશાંતમૂર્તિ ગચ્છાધિપતિ શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજસાહેબનાં આશીર્વચન અને ચિરંતન ચિંતક આચાર્ય ભગવંત શ્રી મુક્તિવલ્લભસૂરીશ્વરજી મહારાજસાહેબની પ્રેરણાથી શ્રી શાંતિનાથ ઝાલાવાડ શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘમાં વીતરાગવલ્લભજી મહારાજસાહેબની નિશ્રામાં સંઘે શોભાયાત્રા અને જમણવારનો કાર્યક્રમ રદ કરવાનો નિર્ણય લીધો છે.
રાષ્ટ્ર પર આવી પડેલી આ આપત્તિ સમયે જૈનોએ પણ આ દુઃખમાં રાષ્ટ્રના પડખે ઊભા રહેવાનો નિર્ણય લીધો છે. અઢી કિલોમીટર લાંબી વિશિષ્ટ જે રથયાત્રા હતી જેમાં બગીઓ, વિન્ટેજ કાર, ૧૭ જેટલા ઋષભ રથ, ૧૧ બૅન્ડ અને કુલ ૧૦૦ જેટલી જુદી-જુદી રચનાઓ રાખવામાં આવી હતી. આ તમામ કાર્યક્રમ રદ કરવામાં આવ્યા છે અને જૈનો રાષ્ટ્રના આ દુઃખમાં ખભેખભા મિલાવીને સાથે ઊભા છે. શોભાયાત્રા પછી આયોજિત કરવામાં આવેલો જમણવાર પણ રદ કરવામાં આવ્યો છે.