11 July, 2026 11:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
વિધાનસભાના મૉન્સૂન સેશનમાં ગઈ કાલે શિવસેનાના વિધાનસભ્ય કિશોર પાટીલે ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)ના કમિશનર તુકારામ મુંઢે દ્વારા નિયમોનો ભંગ કરનારાઓ સામે કરવામાં આવી રહેલી કાર્યવાહીને બિરદાવીને કહ્યું હતું કે ‘હવે જ્યાં સુધી તુકારામ મુંઢેસાહેબ રિટાયર ન થાય ત્યાં સુધી તેમની બદલી ન થાય એવી અમારી ઇચ્છા છે. ઍટ લીસ્ટ આવનારાં ૩ વર્ષ સુધી તેમની બદલી ન કરાય એવો તો જવાબ આપો જ.’
એ પછી ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન પ્રધાન નરહરિ ઝિરવળે કહ્યું હતું કે ‘તુકારામ મુંઢેની બદલીનો સવાલ જ આવતો નથી. કામકાજ સારી રીતે ચાલી રહ્યું છે અને સારી રીતે જ ચાલુ રહેશે.’
કિશોર પાટીલે રજૂઆત કરતાં કહ્યું હતું કે ‘FDAના કમિશનર તરીકે તુકારામ મુંઢે આવ્યા છે એ દિવસથી સાચું પૂછો તો સંપૂર્ણ મહારાષ્ટ્રના ગેરકાયદે કામ કરનારાઓની હાલત કફોડી થઈ ગઈ છે. તુકારામ મુંઢેસાહેબની પચીસ વર્ષની કારકિર્દીમાં ૨૭ વખત બદલી થઈ ચૂકી છે. મારી મંત્રી મહોદયને વિનંતી છે કે હવે પહેલી વાર તેમની કારકિર્દીમાં એક સરસ ડિપાર્ટમેન્ટ તેમને મળ્યો છે. આપણા મહારાષ્ટ્રનાં બાળકોથી લઈને માતા-ભગિનીઓનું જીવન જે બરબાદ થવાનું હતું એ હવે બચી ગયું છે. એથી હવે તુકારામ મુંઢેની ઓછામાં ઓછાં ૩ વર્ષ બદલી કરવી નહીં. અમારી તો ઇચ્છા છે કે તેઓ રિટાયર થાય ત્યાં સુધી આ ડિપાર્ટમેન્ટ તેમની પાસે જ રહે.’