13 September, 2025 02:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જન આક્રોશ મોરચો
નાશિકમાં શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના કાર્યકરો દ્વારા સંયુક્ત રીતે જન આક્રોશ મોરચાનું ગઈ કાલે આયોજન કરવામાં આવ્યું હતું. રાજકીય સમીક્ષકોના મતે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેની વધી રહેલી મુલાકાતો જોતાં આ સંયુક્ત મોરચાનું આયોજન પણ મહત્ત્વનું ગણાઈ રહ્યું છે.
શિવસેના (UBT)ના એક સ્થાનિક નેતાએ કહ્યું હતું કે ‘નાશિકમાંથી ચાર પ્રધાનો છે. કેટલાક પ્રધાનો રમી રમે છે તો કેટલાક પ્રધાનો વળી પાલક પ્રધાનના મુદ્દે એકબીજા સાથે ઝઘડે છે. છેલ્લા છ મહિનામાં નાશિકમાં ૫૪ ખૂન થયાં છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખાડે ગઈ છે. નાશિકમાં પીવાના પાણીની પણ સમસ્યા છે. વળી હનીટ્રૅપ જેવાં પ્રકરણો પણ થઈ રહ્યાં છે, ડ્રગ્સનાં પ્રકરણો નીકળી રહ્યાં છે જેને કારણે નાશિકની બદનામી થઈ રહી છે. એમ છતાં આ પ્રધાનો એને ગંભીરતાથી નથી લેતા એટલે આ જન આક્રોશ મોરચાનું આયોજન કરવામાં આવ્યું હતું.’
MNSના નેતા અવિનાશ અભ્યંકરે કહ્યું હતું કે ‘આ જન આક્રોશ સંયુક્ત મોરચો હતો. હજારોની સંખ્યામાં લોકો એમાં સામેલ થયા હતા. આ કોઈ શોભાયાત્રા નહોતી કે પછી વિધાનસભામાં દેખાડવામાં આવતાં ગાજર નહોતાં. આ લોકોનો ગુસ્સો હતો જે રસ્તા પર ઊતર્યો હતો. આમ પક્ષની ઉપર જઈને સામાન્ય જનતા એમાં રસ્તા પર ઊતરી હતી. અમે અહીં સત્તા પર હતા ત્યારે જે-જે યોજનાઓ ચાલુ કરી હતી એ બધી જ યોજનાઓ હવે બંધ થઈ ગઈ છે એની કોઈને શરમ નથી આવતી. હનીટ્રૅપ જેવું મોટું સ્કૅમ થયું એ ક્યાં છુપાવી દીધું? કેમ છુપાવી દીધું? આજે નાશિકના લોકોની અનેક સમસ્યાઓ છે. લગભગ ૨૪-૨૫ મુદ્દાઓ છે. જોકે આટલી નિર્લજ્જ સરકાર આજ સુધી જોઈ નથી. અહીં ખૂણે-ખૂણે ડ્રગ્સ વેચાય છે. સંતોની ભૂમિ કહેવાતા નાશિકમાં આ બધું શું ચાલી રહ્યું છે? આ આંદોલન તો માત્ર શરૂઆત છે. જો સરકારે યોગ્ય રીતે ધ્યાન ન આપ્યું તો આનું સ્વરૂપ બહુ જ ઉગ્ર થશે એ આ ઊંઘવાનો ડોળ કરી રહેલી સરકારે ધ્યાનમાં રાખવું.’
સંજય રાઉતે શું કહ્યું?
શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે ‘નાશિકના પ્રશ્નો બહુ ગંભીર છે એટલે નાશિકના લોકો રસ્તા પર ઊતર્યા હતા. મોરચો શાંતિપૂર્વક ચાલી રહ્યો હતો. નેપાલમાં પણ ભ્રષ્ટાચાર વિરુદ્ધ અને ભયમુક્ત નેપાલ માટે આંદોલન ચાલી રહ્યું છે. નેપાલ મૂળ હિન્દુ રાષ્ટ્ર છે. હવે અત્યારે ભલે એ માઓવાદી કહેવાય, પણ મૂળમાં એ હિન્દુ રાષ્ટ્ર છે. જાનકી એટલે કે સીતાની એ ભૂમિ છે. એથી આપણે એ હિન્દુ રાષ્ટ્ર પાસેથી પ્રેરણા લેવી જોઈએ એવું મને લાગી રહ્યું છે.’ આ મોરચામાં સામેલ થયેલા MNSના નેતા બાળા નાંદગાવકરે કહ્યું હતું કે ‘રસ્તા પર આ જે મહેરામણ ઊતર્યો છે એ જોતાં તમને ખ્યાલ આવશે કે નાશિક શહેરના લોકો કેટલા હેરાન થઈ રહ્યા છે. સરકારની પૉલિસીઓને કારણે લોકો કેટલા પરેશાન થઈ રહ્યા છે, કેટલા કંટાળી ગયા છે. એથી આ સંયુક્ત જન મોરચાનું લોકોના આક્રોશ મોરચામાં રૂપાંતર થઈ ગયું છે.’