26 November, 2025 10:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રિયંકા ચતુર્વેદી
શિવસેના (UBT)નાં સંસદસભ્ય પ્રિયંકા ચતુર્વેદીએ શેકેલા ચણા અને અન્ય ખાદ્ય પદાર્થોમાં કાર્સિનોજેનિક રંગ ઓરામાઇનના કથિત ગેરકાયદે ઉપયોગ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરીને કેન્દ્રીય આરોગ્યપ્રધાન જે. પી. નડ્ડાને પત્ર લખીને તાત્કાલિક હસ્તક્ષેપની માગણી કરી છે.
કેન્દ્રીય ખાદ્ય પ્રક્રિયા પ્રધાનને સંબોધિત પત્રમાં પ્રિયંકા ચતુર્વેદીએ જણાવ્યું હતું કે ‘તાજેતરના અહેવાલો દર્શાવે છે કે કાપડ અને ચામડામાં સામાન્ય રીતે વપરાતા ઔદ્યોગિક રંગને ખાદ્ય ઉત્પાદનોમાં ગેરકાયદે રીતે ઉમેરવામાં આવી રહ્યો છે, જે ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઍક્ટનું ઉલ્લંઘન છે. આ ફક્ત ખાદ્ય સુરક્ષા ધોરણોનું ઉલ્લંઘન નથી, એ લાખો ભારતીય નાગરિકોના સ્વાસ્થ્ય, સલામતી અને વિશ્વાસ માટે ખતરો છે અને નિયમનકારી સંસ્થા ફૂડ સેફટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI) દ્વારા દેખરેખની નિષ્ફળતા છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (WHO)ની ઇન્ટરનૅશનલ એજન્સી ફૉર રિસર્ચ ઑન કૅન્સર દ્વારા ઓરામાઇનને સંભવિત કાર્સિનોજેન તરીકે માન્યતા આપવામાં આવી છે જે લિવર, કિડની અને મૂત્રાશયના કૅન્સર સાથે જોડાયેલું છે. આ સ્પષ્ટ જોખમો અને પ્રતિબંધો હોવા છતાં આ ભેળસેળ અનિયંત્રિત ચાલુ રહી છે. નિયમોનું અપૂરતું પાલન થઈ રહ્યું છે અને આવી ભૂલો માટે કોઈની સ્પષ્ટ જવાબદારી પણ નથી. આના પગલે એક સંપૂર્ણ ગેરકાયદે અને ખતરનાક પ્રથાને ચાલુ રહેવાની મંજૂરી અપાઈ છે.’
પ્રિયંકા ચતુર્વેદીએ વધુમાં જણાવ્યું હતું કે ‘ખોરાકમાં કાર્સિનોજેનિક રંગોનો ઉપયોગ જાહેર સલામતીનો ભંગ છે. આ ખામીઓને ઓળખવા માટે FSSAI પ્રોટોકૉલનું આંતરિક ઑડિટ કરવાની જરૂર છે. જાહેર આરોગ્યનું રક્ષણ કરવા અને ખાદ્ય સુરક્ષા પદ્ધતિઓમાં ગ્રાહકોનો વિશ્વાસ પુનઃ સ્થાપિત કરવા માટે મંત્રાલયે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની જરૂર છે.’