૩૫ વર્ષ જૂના બિલ્ડિંગને સવારે જ સ્ટ્રક્ચરલ ઑડિટની નોટિસ આપવામાં આવી હતી

22 May, 2025 10:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કલ્યાણની સપ્તશ્રૃંગી સોસાયટીના ૪૦૧ નંબરના ફ્લૅટમાં ગેરકાયદે ફ્લોરિંગનું કામ કરનાર ફ્લૅટમાલિકની પોલીસે ધરપકડ કરી

કોલસેવાડી પોલીસે ફ્લૅટમાલિક કૃષ્ણ ચૌરસિયાની ધરપકડ કરી હતી.

કલ્યાણ-ઈસ્ટના ચીકણીપાડા વિસ્તારમાં આવેલી સપ્તશ્રૃંગી સોસાયટીમાં મંગળવારે બપોરે ચોથા માળે ફ્લોરિંગના કામ દરમ્યાન એકાએક સ્લૅબ પડી જવાથી ભયાનક અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં છ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને છ લોકો ગંભીર જખમી થયા હતા. આ મામલે પ્રાથમિક તપાસ કરવામાં આવતાં આશરે ૩૫ વર્ષ જૂના બિલ્ડિંગમાં પરવાનગી વગર ૪૦૧ નંબરના ફ્લૅટમાં ફ્લોરિંગનું કામ કરવામાં આવી રહ્યું હતું અને એ જ કારણે આ ઘટના બની હોવાનું પ્રકાશમાં આવતાં મંગળવાર મોડી રાતે કોલસેવાડી પોલીસે ૪૦૧ નંબરના ફ્લૅટના ૪૦ વર્ષના માલિક કૃષ્ણ લાલચંદ ચૌરસિયાની ધરપકડ કરી હતી. આ કેસમાં પોલીસે ગઈ કાલે ઘટનાસ્થળનું પંચનામું કરીને ફૉરેન્સિક ટીમની મદદથી વધુ તપાસ શરૂ કરી છે. 

કોલસેવાડી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર ગણેશ ન્હાયાડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશન (KDMC)ના ‘જે’ વૉર્ડના વૉર્ડ ઑફિસર સચિન તામખેડેએ આપેલી ફરિયાદ અનુસાર અમે કૃષ્ણ ચૌરસિયા સામે ફરિયાદ નોંધીને તેની ધરપકડ કરી છે. આ મામલે અમે ઘટનાસ્થળનું પંચનામું કરીને ફૉરેન્સિક તપાસ કરાવી છે જેનો રિપોર્ટ ટૂંક સમયમાં અમારી પાસે આવશે. ત્યાર બાદ આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ધરપકડ કરેલા આરોપીએ કેમ પરવાનગી લીધી નહોતી એની પણ અમે તપાસ કરીશું. જે કૉન્ટ્રૅક્ટરને કામ આપવામાં આવ્યું હતું તેને ફ્લોરિંગના કામનો કેટલો અનુભવ હતો એની પણ અમે માહિતી કાઢીશું.’ 

KDMCના ‘જે’ વૉર્ડના વૉર્ડ ઑફિસર સચિન તામખેડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોમવારે બપોરે મેં સપ્તશ્રૃંગી સોસાયટીને સ્ટ્રક્ચરલ ઑડિટ રિપોર્ટ સબમિટ કરવા માટે નોટિસ ઇશ્યુ કરી હતી. આ નોટિસ મંગળવારે સવારે અમારા અધિકારીઓ સપ્તશ્રૃંગી સોસાયટીમાં આપવા માટે ગયા હતા. જોકે એ સમયે કમિટી મેમ્બરો હાજર ન હોવાથી સોસાયટીની ભીંત પર નોટિસ ચોંટાડવામાં આવી હતી. પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું હતું કે ફ્લોરિંગના કામ સમયે બ્રેકરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેને કારણે ચોથા માળનો સ્લૅબ નીચે પડ્યો હતો અને એ સ્લૅબના વજનથી ત્રીજા માળ અને બીજા માળના સ્લૅબ પડ્યા હતા. આ કેસમાં અમે પણ આંતરિક તપાસ હાથ ધરી છે.’

નાલાસોપારામાં બિલ્ડિંગનો સ્લૅબ પડ્યો, બે લોકોને બચાવી લેવાયા

નાલાસોપારા-ઈસ્ટના અચોલે વિસ્તારમાં મંગળવાર રાતે ૧૦ વાગ્યાની આસપાસ સાંઈ સિમરન બિલ્ડિંગના ૪૦૪ નંબરના ફ્લૅટનો સ્લૅબ અચાનક તૂટી પડતાં ૧૪ વર્ષનો કિશોર અને ૪૭ વર્ષની મહિલા કાટમાળમાં ફસાઈ ગયાં હતાં. એની માહિતી મળતાં ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા બન્નેને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યાં હતાં. ફાયર-બ્રિગેડે આ અંગે માહિતી આપી હતી કે આ ઇમારત ૧૩થી ૧૪ વર્ષ જૂની છે. આ અપાર્ટમેન્ટમાં બાવીસ ફ્લૅટ છે. આ ઘટનાથી ઇમારતમાં હોબાળો મચી ગયો હતો. કલ્યાણની તાજી ઘટના જોતાં આ ઘટનાથી ઇમારતમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ ઘટના બાદ વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા બિલ્ડિંગના બાવીસ ફ્લૅટ ખાલી કરાવવામાં આવ્યા છે. રહેવાસીઓને જિલ્લા પરિષદની સ્કૂલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઘટના બાદ શહેરમાં જર્જરિત ઇમારતોનો મુદ્દો ફરી એક વાર ઊભો થયો છે.

mumbai news mumbai kalyan nalasopara mumbai police