22 August, 2026 07:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એકબીજા સાથે મારામારી કરતી બે મહિલા ક્રીએટર્સ.
સોશ્યલ મીડિયા પર પહેલાં એકસાથે કન્ટેન્ટ બનાવીને રીલ્સ મૂકતી અને પછી છૂટી પડીને સ્વતંત્ર રીતે કન્ટેન્ટ બનાવતી બે મહિલા વચ્ચે નાલાસોપારા-ઈસ્ટમાં સોશ્યલ મીડિયા પર ચાલતી દુશ્મનીને પગલે છુટ્ટા હાથની મારામારી થઈ હતી. નવજીવન સ્કૂલ નજીક બનેલી આ ઘટનાને પગલે સોશ્યલ મીડિયા પર ચાલતી વ્યુઝ, લાઇક્સ અને ફૉલોઅર્સને કારણે થતી હુંસાતુંસી અને એને કારણે લોકો વચ્ચે ઊભી થતી દુશ્મનીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે.
બન્ને મહિલાઓ રસ્તાની વચ્ચોવચ મારામારી કરી રહી હતી. જોકે થોડા જ વખત પહેલાં બન્ને એકબીજા સાથે તથા તેમનાં ગ્રુપ સાથે મળીને રીલ્સ બનાવીને સોશ્યલ મીડિયા પર મૂકતી હતી. કોઈ મુદ્દે મતભેદ થયા બાદ બન્ને છૂટી પડીને સ્વતંત્ર રીતે સોશ્યલ મીડિયા પર કન્ટેન્ટ મૂકતી હતી. ફક્ત વ્યુઝ, લાઇક્સ અને ફૉલોઅર્સ માટે કઈ રીતે લોકો વચ્ચેના સંબંધો વણસી રહ્યા છે એનું આ ઉદાહરણ છે એવી ટિપ્પણી લોકો સોશ્યલ મીડિયા પર આ ઘટનાને જોયા બાદ કહી રહ્યા છે.