21 June, 2025 07:20 AM IST | Mumbai | Bakulesh Trivedi
ગૌરાંગ દામાણી
સાયન-માટુંગાના ગુજરાતી સમાજમાં માનભર્યું સ્થાન ધરાવતા, કિંગ્સ સર્કલના અવંતી અપાર્ટમેન્ટ્સમાં રહેતા સમાજસેવક અને ઍક્ટિવિસ્ટ ગૌરાંગ દામાણીનું ૫૩ વર્ષની વયે મંગળવારે સાંજે નિધન થયું હતું. વ્યવસાયે ઇલેક્ટ્રૉનિક એન્જિનિયર અને વર્ષો સુધી અમેરિકામાં રહીને ધંધો વિકસાવનાર ગૌરાંગ દામાણી અખૂટ દેશપ્રેમને લીધે બાળકોને અમેરિકામાં રાખીને પત્ની સાથે ઇન્ડિયા પાછા ફર્યા હતા અને વ્યવસાય સાથે સમાજસેવાનાં અનેક કામ સફળતાપૂર્વક હાથ ધર્યાં હતાં, અનેક લોકો માટે મદદગાર બન્યા હતા
મંગળવારે સાંજે તેઓ પોતાના ઘરના સ્ટડીરૂમમાં હતા. બહારથી આવેલાં તેમનાં પત્ની જયશ્રીબહેને તેમને પહેલાં તો ડિસ્ટર્બ ન કર્યા. એ પછી બે વખત કૉલ કરવા છતાં તેમણે કૉલ રિસીવ ન કર્યો ત્યારે સ્ટડીરૂમ ખોલીને જોતાં તેઓ ઢળી પડેલા દેખાયા હતા. તેમને તરત જ હૉસ્પિટલમાં લઈ જવાયા હતા, પણ ડૉક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. તેમનાં દીકરો-દીકરી અમેરિકામાં હતાં એટલે ગોરાંગભાઈના અંતિમ સંસ્કાર આજે થશે.
મહાભારત અને રામાયણનો અભ્યાસ કરીને ઓછા જાણીતા પ્રસંગોની વિગતો મેળવવા અનેક લોકોની અને ગુરુઓની મુલાકાત લઈને તથા જે જગ્યાએ પ્રસંગ બન્યો હોય એ સ્થળ પર જઈ પુરાવા ભેગા કરીને પુસ્તકો પ્રસિદ્ધ કર્યાં.
સાયનની સામાજિક સંસ્થા સન્ડે ફ્રેન્ડ્સમાં કાર્યરત ગૌરાંગભાઈ વિશે માહિતી આપતાં તેમના એક મિત્રએ કહ્યું હતું કે ‘અમે સન્ડે ફ્રેન્ડ્સમાં સિગ્નલ પર રખડતાં બાળકોને જમાડતા હતા, તેમને ભણાવતા હતા. સાયન હૉસ્પિટલમાં આવતા ગરીબ પેશન્ટો કે ટ્રીટમેન્ટ ન લઈ શકતા હોય તેમની ફાઇલ અમારી પાસે આવે એટલે તેમને કઈ રીતે પૂરી ટ્રીટમેન્ટ આપી શકાય એનો ઉકેલ લાવતા હતા. તે પેશન્ટ સારવાર પછી ડિસ્ચાર્જ લે ત્યારે તેની પાસે ફૉલો-અપની દવાના પૈસા ન હોય એટલે તેમને દવા પ્રોવાઇડ કરતા. સ્ટ્રીટચિલ્ડ્રનને ભણાવવા અને કામધંધે લગાડવામાં, આત્મનિર્ભર કરવામાં તેમનો મોટો હાથ રહેતો. એ પરિવારો હવે ભીખ નથી માગતા પણ સ્વમાનભેર જીવી રોજગાર કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. એ સિવાય આઇ-ડોનેશન, સ્કિન-ડોનેશન અને બ્લડ-ડોનેશનમાં પણ તેઓ આગળ પડતા હતા. તેમણે પોતાની બન્ને આંખ અને સ્કિન ડોનેટ કરી છે. થોડા દિવસ પહેલાં જ બ્લડ-ડોનેશન કૅમ્પમાં સવારના આઠથી સાંજના ૬ વાગ્યા સુધી ગૌરાંગભાઈ ખડેપગે સેવામાં લાગેલા હતા.’
ગૌરાંગભાઈ કઈ રીતે સિવિક સમસ્યાઓનો ઉકેલ લાવવા કામ કરતા એ વિશે જણાવતાં તે મિત્રએ કહ્યું હતું કે ‘કિંગ્સ સર્કલમાં પાણી ભરાવાની સમસ્યા હતી એટલે એ સમસ્યાનો ઉકેલ કઈ રીતે નીકળે એ માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના કમિશનર આઇ. એસ. ચહલ અને અન્ય અધિકારીઓ સાથે બેઠકો કરીને ટૅન્ક બનાવી એમાં પાણી સ્ટોર થાય અને ત્યાંથી પમ્પ વાટે નિકાલ કરવામાં આવે એ પ્લાન ગૌરાંગભાઈએ જ રજૂ કર્યો હતો. આ ઉપરાંત ટ્રાફિક પોલીસ સામે લડત ચલાવી અને વાહનોનું ખોટી રીતે થતું ટોઇંગ બંધ કરાવ્યું. કિંગ્સ સર્કલ સ્ટેશનના બ્યુટિફિકેશન પાછળ પણ ગૌરાંગભાઈ હતા. તેમણે પહેલાં તો સ્ટેશનની સાફસફાઈ કરાવડાવી અને પછી એના બ્યુટિફિકેશન માટે મહેનત કરી. તેમના એ પ્રયાસોની નોંધ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લીધી હતી અને એનો ઉલ્લેખ ‘મન કી બાત’માં કરીને તેમના એ કાર્યને વખાણ્યું હતું. અનેક સામાજિક કાર્યો તેમણે કર્યાં હતાં, પણ એ કામ કર્યું કે કોઈને મદદ કરી તો એ કોઈ દિવસ જતાવવાનું નહીં કે આપણે આ કામ કર્યું. એ વ્યક્તિ સક્ષમ થઈ ગઈ એટલે આપણી ફરજ પૂરી થઈ ગઈ એમ કહીને આગળ નીકળી જાય. કોઈ તેમની પ્રશંસા કરે કે અવૉર્ડ આપવાની વાત કરે તો એ તેમને નહોતું ગમતું. તેઓ પ્રસિદ્ધિથી દૂર ભાગતા. તેમની એક ખાસ આવડત એ હતી કે જો કોઈને સાચું કહેવાનું હોય તો તે ભલે ગમે એટલી મોટી વ્યક્તિ હોય તો પણ સરસ રીતે પ્રેઝન્ટ કરીને સાચું કહી દેતાં તેમને આવડતું : સર, તમારે આ પબ્લિકના હિતનું સારું કામ કરવું જ જોઈએ અને કરવું જ પડશે ત્યાં સુધી તે સામેવાળાને કહી દેતાં અચકાતા નહીં.’
અધ્યાત્મમાં પણ સાચું શોધવાની જિજ્ઞાસા પોષીને ૪ પુસ્તકો લખ્યાં
ઘરપરિવાર, રોજગાર અને સામાજિક કાર્યો કરતા ગૌરાંગ દામાણીએ અધ્યાત્મનો પણ અભ્યાસ કર્યો હતો. જે બાબતો ગ્રંથોમાં નહોતી એની તેમણે શોધ ચલાવી તથા અનેક ગુરુઓને તથા તપસ્વીઓને મળીને વિગતો એકઠી કરી. વળી મહાભારત અને રામાયણના એ પ્રસંગો જ્યાં બન્યા ત્યાં જાતે જઈને મુલાકાતો લીધી અને ઝીણી-ઝીણી વિગતો ભેગી કરી તથા એના આધારે ‘મહાભારત : અ વર્લ્ડ વૉર’, ‘ભગવદ્ગીતા મેડ સિમ્પલ’, ‘અનટોલ્ડ સ્ટોરીઝ ઑફ રામાયણ’ અને ‘એસેન્સ ઑફ ધ ફિફ્થ વેદ’ પુસ્તકો લખીને ન કહેવાયેલા અનેક પ્રસંગોનું પુરાવા સાથે નિરૂપણ કર્યું અને એ પુસ્તકો પ્રસિદ્ધ કર્યાં.