મુંબઈથી દુબઈ જતી સ્પાઇસજેટની ફ્લાઇટ ૧૦ કલાક મોડી પડી, મુસાફરો રઝળી પડ્યા

14 July, 2025 10:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાણી કે ભોજનની પણ વ્યવસ્થા ન મળી એને પગલે લોકોએ ‘સ્પાઇસજેટ ચોર હૈ’ના નારા લગાવ્યા

સ્પાઇસજેટની ફ્લાઇટ ૧૦ કલાક મોડી પડી, મુસાફરો રઝળી પડ્યા

મુંબઈથી દુબઈ જતી સ્પાઇસજેટની ફ્લાઇટ ૧૦ કલાક મોડી પડી હતી. ઍરલાઇન્સ તરફથી પાણી કે ભોજનની કોઈ વ્યવસ્થા ન મળવાથી હેરાન થયેલા મુસાફરોએ ઍરપોર્ટ પર ‘સ્પાઇસજેટ ચોર હૈ’ના નારા લગાવીને પ્રદર્શન કર્યું હતું. મધરાતે ૧.૫૦ વાગ્યે મુંબઈથી દુબઈ માટે રવાના થનારી ફ્લાઇટ ટેક્નિકલ કારણોસર મોડી પડી હોવાનું મુસાફરોને જણાવવામાં આવ્યું હતું, આનાથી વધુ કોઈ સ્પષ્ટતા ઍરલાઇન્સ તરફથી મળી ન હોવાથી પણ મુસાફરોએ નારાજગી વ્યક્ત કરી હતી.

સ્પાઇસજેટે શરૂઆતમાં ટેક્નિકલ કારણોસર ફ્લાઇટ મોડી ઊપડશે એમ જણાવ્યું હતું, પરંતુ કલાકો વીતી ગયા બાદ ઍરલાઇન્સ તરફથી કોઈ અપડેટ નહોતી મળી. મુસાફરો આખી રાત ટર્મિનલ પર બેસી રહ્યા હતા. તેમને મદદ કરવા માટે સ્પાઇસજેટનો પૂરતો ગ્રાઉન્ડ સ્ટાફ પણ હાજર નહોતો. મુસાફરોને પાણી કે ફૂડ આપવાની પ્રાથમિક વ્યવસ્થા ઍરલાઇન્સે કરી નહોતી એવી ફરિયાદ મુસાફરોએ કરી હતી.

ફ્લાઇટ મોડી પડવાનું કારણ પણ ઍરલાઇન્સ સ્પષ્ટ ન કરી શકી હોવાથી રોષે ભરાયેલા મુસાફરોએ ઍરપોર્ટ ટર્મિનલ પર જ સ્પાઇસજેટ વિરુદ્ધ પ્રદર્શન શરૂ કરી દીધું હતું. જેમાં ‘સ્પાઇસજેટ ચોર હૈ’ જેવા નારા પણ લગાવવામાં આવ્યા હતા.

mumbai dubai mumbai news mumbai airport airlines news spicejet news