✕

સ્પાઇસજેટના પ્રવાસીઓની હાલત કફોડી

29 November, 2026 10:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફ્લાઇટ કૅન્સલ થઈ જાય છે, છેલ્લી ઘડીએ સમય બદલાઈ જાય છે, ‌ટિ‌કિટના પૈસા રીફન્ડ નથી મળતા.

સ્પાઇસજેટના પ્રવાસીઓ પરેશાન

સ્પાઇસજેટની ફ્લાઇટ્સ કૅન્સલ થવી, ફ્લાઇટ્સનો સમય છેલ્લી ઘડીએ બદલાઈ જવો, ટિકિટના પૈસા રીફન્ડ ન થવા એવી ફરિયાદોમાં સતત વધારો થઈ રહ્યો છે. હવે મુશ્કેલી એ છે કે ફ્લાઇટ કૅન્સલ થયા પછી પ્રવાસીઓને એની માહિતી આપવા પણ તેમનો સ્ટાફ હાજર હોતો નથી. ન તો કસ્ટમર કૅરનો નંબર લાગે છે કે ન તો ઈ-મેઇલનો જવાબ મળી રહ્યો છે.

શુક્રવારે સાંજે મુંબઈ ઍરપોર્ટ પર આવો જ નજારો જોવા મળ્યો હતો. ફલાઇટ કૅન્સલ થયા બાદ પ્રવાસીઓ નેક્સ્ટ ફ્લાઇટ કે ઑલ્ટરનેટિવની તપાસ કરવા જ્યારે સ્પાઇસજેટના કાઉન્ટર પર પહોંચ્યા ત્યારે કાઉન્ટર બંધ કરી દેવાયું હતું અને ઍરલાઇનનો કોઈ પણ કર્મચારી ત્યાં જવાબ આપવા હાજર નહોતો.

એક પ્રવાસીએ ફરિયાદ કરતાં કહ્યું હતું કે તેમની ફ્લાઇટ ૩ વાર કૅન્સલ થઈ હતી. દર વખતે ઍરલાઇનનો મેસેજ આવતો હતો અને તેમને નવું બુકિંગ કરવા કહેવાતું હતું. એ પછી શુક્રવારે જ્યારે દિલ્હી જવા ઍરપોર્ટ પર પહોંચ્યા ત્યારે ફરી ફ્લાઇટ કૅન્સલ થવાની જાણકારી મળી હતી. એ પછી એ કાઉન્ટર પર પહોંચ્યા તો ત્યાં કોઈ કર્મચારી જ નહોતો અને કાઉન્ટર બંધ કરી દેવાયું હતું. 
મુંબઈના યતીન મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ઉદયપુરથી મુંબઈ માટે ૨૯ નવેમ્બરની સ્પાઇસજેટની ટિકિટ બુક કરી હતી. એ ફ્લાઇટ કૅન્સલ થઈ હોવાની જાણ ઍરલાઇને ૮ દિવસ પહેલાં કરી હતી. એ પછી ૨૮ નવેમ્બરની ટિકિટ બુક કરાવી હતી. જર્નીને એક જ દિવસ બાકી હતો ત્યારે ખબર પડી કે ફ્લાઇટ કૅન્સલ થઈ છે. આ બાબતે અમે કસ્ટમર કૅરમાં ફોન કર્યા પણ ત્યાં કોઈ ફોન જ ઉપાડતા નથી. ઍરલાઇનની વેબસાઇટ પણ કામ કરતી નથી. ઉદયપુર ઍરપોર્ટ પર ફોન કરી પૂછ્યું તો કહેવામાં આવ્યું કે છેલ્લા એક મહિનાથી સ્પાઇસજેટની એક પણ ફ્લાઇટ ઊડી જ નથી.’ છેક છેલ્લી ઘડીએ થતા ફેરફારને કારણે અને ઍરલાઇન દ્વારા કોઈ જ વ્યવસ્થિત માહિતી આપવામાં આવતી ન હોવાથી પ્રવાસીઓની હાલત કફોડી થઈ રહી છે.

mumbai spicejet udaipur mumbai airport airlines news delhi news mumbai news