04 December, 2025 09:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીઓ અંતર્ગત મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્શન કમિશન દ્વારા હવે રાજ્યની મહત્ત્વની સુધરાઈઓની ચૂંટણીઓ થવાની છે ત્યારે આજે રાજ્યની ૨૯ સુધરાઈના કમિશનરોની બેઠક બોલાવવામાં આવી છે જેમાં ફાઇનલ મતદારયાદી અને જે મતદારોનાં નામ ડબલ આવે છે એ બાબતે ચર્ચા કરવામાં આવશે. આ સુધરાઈ કમિશનરોમાં મુંબઈ, થાણે, પુણે, નાશિક, નાગપુર, છત્રપતિ સંભાજીનગર, નવી મુંબઈ, વસઈ-વિરાર, કલ્યાણ-ડોમ્બિવલી, મીરા–ભાઈંદર, ભિવંડી-નિઝામપુર, પનવેલ, કોલ્હાપુર, ઉલ્હાસનગર, પિંપરી-ચિંચવડ, સોલાપુર, અમરાવતી અને અકોલાના કમિશનરનો સમાવેશ થશે. એ સાથે જ લાતુર, પરભણી, ચંદ્રપુર, માલેગાવ, પનવેલ, નાંદેડ, સાંગલી, જળગાવ, ધુળે, અહિલ્યાનગર અને નવી જ બનેલી ઇચલકરંજી અને જાલના સુધરાઈના કમિશનરને પણ આ બેઠકમાં બોલાવવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે આપેલા આદેશ અનુસાર સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીઓ ૨૦૨૬ની ૩૧ જાન્યુઆરી પહેલાં પતાવી લેવાની છે.
સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીના પહેલા તબક્કામાં ૬૭.૬૩ ટકા મતદાન
સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીના પહેલા તબક્કામાં મંગળવારે થયેલી નગરપરિષદ અને નગરપંચાયતોની ચૂંટણીમાં ૬૭.૬૩ ટકા મતદાન નોંધાયું હતું. મંગળવારે ઇલેક્શન કમિશને બપોરે ૩.૩૦ વાગ્યા સુધીના મતદાનના આંકડા જાહેર કર્યા હતા. જોકે એ પછી સાંજના ૫.૩૦ વાગ્યા સુધી મતદાન થયું હતું. એથી એના આંકડા સ્ટેટ ઇલેક્શન કમિશને ગઈ કાલે જાહેર કર્યા હતા. કમિશનના કહેવા મુજબ આખા દિવસમાં કુલ ૬૭.૬૩ ટકા મતદાન નોંધાયું હતું.
વિધાનસભાનું વિન્ટર સેશન આઠથી ૧૪ ડિસેમ્બર દરમ્યાન નાગપુરમાં
વિધાનભવનમાં ગઈ કાલે વિધાનસભા અને વિધાન પરિષદની બિઝનેસ ઍડ્વાઇઝરી કમિટીની બેઠકમાં નાગપુરમાં આઠથી ૧૪ ડિસેમ્બર દરમ્યાન વિધાનસભાનું વિન્ટર સેશન બોલાવવાનો નિર્ણય લેવાયો હતો. આ બેઠકમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને બન્ને નાયબ મુખ્ય પ્રધાનો એકનાથ શિંદે અને અજિત પવાર સહિત અન્ય પ્રધાનો હાજર રહ્યા હતા. આ વખતે એક બાજુ હજી રાજ્યમાં સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીઓ ચાલી રહી છે ત્યારે સાથે-સાથે વિન્ટર સેશન યોજાઈ રહ્યું છે. એથી વિન્ટર સેશનમાં વિરોધીઓ અનેક મુદ્દે સરકારને ઘેરશે એવી ગણતરી રાજકીય નિરીક્ષકો મૂકી રહ્યા છે.