રસ્તા પરની આ ડૉગીના કાતિલને પકડાવવા લડી રહી છે આ ઍનિમલ-લવર

07 July, 2025 07:13 AM IST  |  Mumbai | Rohit Parikh

માટુંગામાં એક બેફામ કૅબ-ડ્રાઇવર બરફી નામની સ્ટ્રીટ-ડૉગીને કચડીને જતો રહ્યો એને પગલે પ્રાણીપ્રેમીઓમાં આઘાત અને આક્રોશની લાગણી

ધ્વનિ પંડ્યા બરફી સાથે.

માટુંગામાં એક બેફામ કૅબ-ડ્રાઇવર બરફી નામની સ્ટ્રીટ-ડૉગીને કચડીને જતો રહ્યો એને પગલે પ્રાણીપ્રેમીઓમાં આઘાત અને આક્રોશની લાગણી: પોતાની નજરો સામે આ ઘટના જોનાર ધ્વનિ પંડ્યાએ CCTV કૅમેરાનાં ફુટેજ આપીને લેખિત ફરિયાદ નોંધાવી હોવા છતાં પોલીસ આ મામલે નીરસ

માટુંગામાં એક ડૉગીને બેરહેમીથી કચડીને એને મોતને ઘાટ ઉતારવાની ઘટનાએ સ્થાનિક પ્રાણીપ્રેમીઓના દિલને હચમચાવી નાખ્યું છે. આ આખી ઘટના ક્લોઝ્‍ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં કેદ થઈ હોવા છતાં માટુંગા પોલીસ કૅબ-ડ્રાઇવર પર કાયદાકીય કાર્યવાહી કરવાને બદલે હાથ જોડીને બેઠી હોવાથી સ્થાનિક રહેવાસીઓમાં નારાજગી પ્રવર્તી છે.

આ ઘટનાની માહિતી આપતાં માટુંગા-ઈસ્ટમાં રહેતી ઍનિમલ-લવર ધ્વનિ પંડ્યાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ એક હિટ ઍન્ડ રનનો કેસ છે જે ૨૪ જૂને બપોરે પોણાત્રણ વાગ્યે અમારા વિસ્તારમાં બન્યો હતો. અમારા વિસ્તારમાં ઊછરેલી પિયા અને એની પુત્રી બરફી અમારા સૌના દિલમાં વસેલી છે. એ દિવસે મેં બન્નેને બપોરે જમાડી હતી. એ પછી બન્ને અમારા વિસ્તારના કમલ કુંજ બિલ્ડિંગની બહાર રમતી હતી એ વખતે ફુલ સ્પીડમાં પસાર થઈ રહેલી એક કૅબે પહેલાં આગળનું ટાયર અને પછી પાછળનું ટાયર ચડાવી દઈને અમારી લાડકી માસૂમ બરફીને કચડી નાખી હતી, જેને કારણે તે ઑન ધ સ્પૉટ મૃત્યુ પામી હતી.’

એ આખો બનાવ મારી આંખ સામે બન્યો હતો એમ જણાવતાં ધ્વનિ પંડ્યાએ ચોધાર આંસુએ રડતાં કહ્યું હતું કે ‘અમારી બરફી ચીસ પાડીને કણસતી રહી અને હું એને બચાવવામાં અસમર્થ રહી. એ મારી નજર સામે જ મૃત્યુ પામી અને ડ્રાઇવર એક મૂંગા પ્રાણીની હત્યા કરીને ભાગી ગયો. મારી માફક અનેક લોકોએ આ બનાવ જોયો, પણ કોઈ વ્યક્તિ કારને રોકી ન શક્યું કે ડ્રાઇવરને પકડી ન શક્યું.’

જુઓ બરફીને એક કૅબ કઈ રીતે કચડીને જતી રહી.

અમે બરફીને તરત પરેલની મહાનગરપાલિકાની પ્રાણીઓની હૉસ્પિટલમાં લઈ ગયા હતા એમ જણાવતાં ધ્વનિ પંડ્યાએ કહ્યું હતું કે ‘અમે બીજા દિવસે અમારી બરફીના અંતિમ સંસ્કાર કર્યા હતા. ત્યાર પછી કમલ કુંજ બિલ્ડિંગ પાસેથી CCTV કૅમેરાનાં ફુટેજ લઈને હું માટુંગા પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગઈ હતી. જોકે ચાર કલાક રાહ જોવડાવ્યા પછી પોલીસે ફુટેજના પુરાવા હોવા છતાં પુરાવાના અભાવે મારી ફરિયાદ નોંધી નહોતી કે નથી આજ સુધી ડ્રાઇવર સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી. CCTV કૅમેરાનાં ફુટેજ સ્પષ્ટપણે દર્શાવે છે કે ડૉગીને કચડી નાખવામાં આવી છે. અમને મહાનગરપાલિકા તરફથી કોઈ ડેથ-સર્ટિફિકેટ પણ મળ્યું નથી, કારણ કે તેઓ ફક્ત એવાં પશુઓ માટે જ ડેથ-સર્ટિફિકેટ આપે છે જે પશુઓ હૉસ્પિટલમાં દાખલ હોય.’

પોલીસે ડૉગી બરફીના મૃત્યુ માટે જવાબદાર કૅબ-ડ્રાઇવર સામે ગુનો નોંધવાનો ઇનકાર કરતાં મેં માટુંગા પોલીસ-સ્ટેશનમાં ડ્રાઇવર સામે ગુનો દાખલ કરવા માટે લેખિત ફરિયાદ કરી હતી એમ જણાવતાં ધ્વનિએ કહ્યું હતું કે ‘મારી ફરિયાદના બારેક દિવસ પછી પણ પોલીસ હાથ જોડીને બેસી રહી છે. જ્યાં ઘટના બની એ રોડ પર ૮ CCTV કૅમેરા છે અને ઉપરોક્ત પુરાવા સાથે એને શોધવાનું સરળ છે, પરંતુ પોલીસ-અધિકારીઓ સાવ નીરસ છે. ડ્રાઇવરે એક વાર નહીં, બે વાર નિર્દયપૂર્વક બરફીને કચડી છે. શક્ય છે કે તે નશામાં હોય અથવા તેને કાયદા પ્રત્યે કોઈ માન ન હોય. બરફી દૂરથી જોઈ શકાતી હતી છતાં તેને કચડી નાખવામાં આવી હતી. સ્પષ્ટ કેસ હોવા છતાં પોલીસ શાંતચિત્તે કહે છે કે અમે પૂછપરછ કરીશું અને તમને જાણ કરીશું, પરંતુ હું હજી પણ મૃત્યુ પામેલી બરફી માટે ન્યાયની રાહ જોઈ રહી છું. પોલીસ કહે છે કે અમે મહાનગરપાલિકાને આ વિસ્તારમાંથી શ્વાનોને હટાવવા માટે વિનંતી કરીશું જેથી હિટ ઍન્ડ રન જેવી ઘટના અટકાવી શકાય‍, પણ પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતાના કેસ નોંધવાની જવાબદારી અમારી નથી.’

પોલીસ શું કહે છે?

માટુંગા પોલીસ-સ્ટેશનના એક પોલીસ-અધિકારીએ બરફીના અકસ્માતના કેસની કાર્યવાહી સંબંધે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અગાઉ મુંબઈ હાઈ કોર્ટે પ્રાણીના અકસ્માતમાં પોલીસ-કાર્યવાહીને ગેરકાયદે ગણાવીને ૨૦,૦૦૦ રૂપિયાનો દંડ કર્યો હતો જેથી અમે આ કેસમાં હજી સુધી કોઈ કાયદાકીય કાર્યવાહી કરી નથી.’

matunga road accident news mumbai mumbai high court mumbai police mumbai news