06 August, 2026 09:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે રિયા અહિર. મુંબઈ પોલીસની વૅન રોકીને રિયા અહિર ઊભી રહી એ વખતની તસવીર.
જંતર મંતર પરના વિદ્યાર્થી-આંદોલનના સમર્થનમાં દાદરમાં શિવાજી પાર્કમાં પ્રદર્શન થયું ત્યારે પોલીસ-વૅન સામે ઊભી રહીને અટક કરાયેલા આંદોલનકારીઓને છોડાવીને પ્રસિદ્ધ થનારી રિયા અહિર બુધવારે નવી દિલ્હીમાં કૉન્ગ્રેસના નેતા તથા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને મળી હતી. રાહુલ ગાંધીને મળીને રિયાએ તેની સોશ્યલ મીડિયામાં જે રીતે હેરાનગતિ થઈ રહી છે એ વિશે ફરિયાદ કરી હતી.
આ ઉપરાંત તેણે મીડિયાને વિનંતી કરી હતી કે મને મુંબઈ પોલીસની વૅન સામે ઊભી રહીને વાઇરલ થયેલી છોકરી તરીકે ઓળખવાને બદલે ૨૦ બાળકોને પોલીસ દ્વારા ગેરકાયદે અટક કરતાં છોડાવનારી છોકરી તરીકે ઓળખાવો. તેણે કહ્યું હતું કે ‘કૃપા કરીને તમે તમારો દૃષ્ટિકોણ બદલાવો. મેં જે પણ કર્યું અેના કારણે મને હેરાન કરવામાં આવી રહી છે. હું અેને ટ્રોલિંગ નહીં કહું, કારણ કે આ ટ્રોલિંગ નથી, આ ક્રાઇમ છે.’
રિયાએ રાહુલ ગાંધી સાથે જ મીડિયા સાથે વાત કરતી વખતે કહ્યું હતું કે ‘હવે લોકો જ નહીં, પરંતુ પાર્ટીવર્કરો પણ મારા વિશે ખરાબ વાતો પોસ્ટ કરી રહ્યા છે. તે કહે છે કે ૧૪૦ રૂપિયામાં હું મારું શરીર વેચું છું. તમે જ વિચારો, કેટલા ખરાબ વિચારો હશે તેમના. આ લોકો બેટીઓને પઢવા નથી દેતા કે નથી બચવા દેતા. ૨૭ તારીખે મેં ફરિયાદ નોંધાવી હતી અને આજે પાંચ તારીખ થઈ છે છતાં મારા હાથમાં ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR)ની કૉપી નથી.