28 October, 2025 07:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુપ્રીમ કોર્ટની ફાઇલ તસવીર
મરાઠા ક્રાન્તિ મોરચાના નેતા મનોજ જરાંગેના આંદોલન પછી રાજ્ય સરકારે હૈદરાબાદ ગૅઝેટના આધારે મરાઠા-કુણબીને કુણબી સર્ટિફિકેટ આપી અનામતનો લાભ આપી શકાય એ મુજબનો નિર્ણય લઈને એ માટેનું ગવર્નમેન્ટ રેઝોલ્યુશન (GR) બહાર પાડ્યું હતું. એથી અધર બૅકવર્ડ ક્લાસ (OBC) સમાજે એનો વિરોધ કર્યો હતો અને એ GRને કારણે તેમને અન્યાય થશે એમ ગણાવીને રાજ્ય સરકારના એ GRને રદ કરવાની માગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી. સુપ્રીમ કોર્ટે એ અરજી પર નિર્ણય આપવાનું ટાળ્યું હતું અને અરજદારને કહ્યું હતું કે તમે આ સંદર્ભે હાઈ કોર્ટમાં રજૂઆત કરો.
OBC સમાજ વતી મંગેશ સસાણેએ સુપ્રીમ કોર્ટમાં આ અરજી કરી હતી. જોકે એ અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાની ના પાડતાં સુપ્રીમ કોર્ટની જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે તેમને બૉમ્બે હાઈ કોર્ટમાં આ બાબતે રજૂઆત કરવાની સલાહ આપી હતી.
આ પ્રકરણની નિયમિત સુનાવણી બૉમ્બે હાઈ કોર્ટમાં ૧૮ નવેમ્બરે થવાની છે. સુપ્રીમ કોર્ટમાં અરજી કરનાર મંગેશ સસાણે હવે બૉમ્બે હાઈ કોર્ટમાં આ માટે અરજી કરશે. એથી હૈદરાબાદ ગૅઝેટના આધારે મરાઠા અનામત આપવાના મામલે કોર્ટ શું નિર્ણય લે છે એના પર રાજ્યના મરાઠાઓની અને સાથે-સાથે OBC સમાજની નજર ટકેલી છે.
મરાઠા અનામતની કાયદાકીય લડાઈ
રાજ્ય સરકારે ૨૦૨૫ની બીજી સપ્ટેમ્બરે હૈદરાબાદ ગૅઝેટના આધારે કુણબી સર્ટિફિકેટ આપવાનો નિર્ણય લીધો.
અધર બૅકવર્ડ ક્લાસે એને રોકવા, રદ કરવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી.
ગઈ કાલે અરજદાર વતી સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠ ઍડ્વોકેટ ઇન્દિરા જયસિંહે રજૂઆત કરી.
સુપ્રીમ કોર્ટે અરજદારને બૉમ્બે હાઈ કોર્ટમાં સવિસ્તર રજૂઆત કરવા જણાવ્યું, જ્યાં ૧૮ નવેમ્બરે આ સંદર્ભે સુનાવણી થવાની છે.
સુપ્રીમ કોર્ટના કહેવાથી આ અરજી પાછી ખેંચાઈ છે. એથી એક પ્રકારે એ અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી એમ કહી શકાય.
આમ OBCની અનામત સંદર્ભે હૈદરાબાદ ગૅઝેટ પર સ્ટે આપવાની માગણી અથવા GR પર સ્ટે આપવાની માગણી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.