શ્વાનોને તમારા ઘરે કેમ નથી ખવડાવતા?

17 July, 2025 07:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રસ્તા પર કૂતરાઓને ખવડાવતી વખતે હેરાનગતિ થાય છે એવી ફરિયાદ કરનારાને સુપ્રીમ કોર્ટે ખખડાવ્યા

પ્રતીકાત્મક તસવીર

રસ્તે રઝળતા શ્વાનોને ખવડાવવા વિશે સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરનારા એક અરજદારને સુપ્રીમ કોર્ટે ગઈ કાલે ફટકાર લગાવી હતી અને નિર્દેશ કર્યો હતો કે તમે આવા શ્વાનોને તમારા ઘરમાં કેમ ખવડાવતા નથી?

નોએડામાં રસ્તા પરના શ્વાનોને ખવડાવવા માટે થતી હેરાનગતિ વિશેની અરજીની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે અરજદારને પૂછ્યું હતું કે તમે એમને તમારા પોતાના ઘરમાં કેમ નથી ખવડાવતા? તમને કોઈ રોકી રહ્યું નથી.

જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે અરજદારને કહ્યું હતું કે ‘આ પ્રાણીઓ માટે બધી જગ્યા છે, માણસો માટે કોઈ જગ્યા નથી. ફક્ત એટલા માટે કે કેટલાક લોકો પ્રાણીઓને ખવડાવવા માગે છે, શું રસ્તાઓ પર માણસો માટે જગ્યા ઓછી કરવી જોઈએ?’

અરજદારના વકીલે દલીલ કરી હતી કે નિયમ મુજબ શ્વાનોને ખોરાક આપવાનું સ્થળ નક્કી કરવાનું સરકારનું કામ છે, પરંતુ નોએડામાં આવું થઈ રહ્યું નથી.

આના જવાબમાં કોર્ટે રખડતા શ્વાનોને ખવડાવવા માટે ઘરે આશ્રયસ્થાન ખોલવાનું સૂચન કર્યું હતું. કોર્ટે રખડતા શ્વાનો સંબંધિત સલામતીની ચિંતાઓ પણ ઉઠાવીને કહ્યું હતું કે ‘સવારના સમયે ફરવા જનારા અને ટૂ-વ્હીલર સવારો પાછળ ઘણી વાર રખડતા શ્વાનો દોડતા હોય છે અને એના કારણે આ લોકોનો જીવ જોખમમાં હોય છે. કોર્ટે અરજદારને કહ્યું કે સવારે સાઇકલ ચલાવવાનો પ્રયાસ કરો અને જુઓ શું થાય છે. રખડતા શ્વાનો લોકોને કરડી શકે છે. રસ્તે રઝળતા શ્વાનોની સલામતી મહત્ત્વપૂર્ણ છે, પરંતુ સામાન્ય લોકોની સલામતી સાથે સમાધાન ન થવું જોઈએ.’

કોર્ટે એ પણ સ્વીકાર્યું હતું કે તાજેતરના સમયમાં શ્વાનોના હુમલામાં વધારો થયો છે, ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે અને રાહદારીઓને મોટી અસુવિધાનો સામનો કરવો પડ્યો છે. આ કારણોસર કોર્ટે વહીવટી તંત્રને એવાં પગલાં લેવા કહ્યું કે જે માનવ અને પ્રાણીઓ બન્નેની સલામતી સુનિશ્ચિત કરે.

mumbai supreme court animal news mumbai news