સુપ્રીમ કોર્ટે દારૂબંધીની અસરકારકતા પર ઉઠાવ્યા સવાલ, ગણાવ્યાં પાંચ નુકસાન

20 September, 2026 09:41 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

દારૂના વેચાણ પર પ્રતિબંધના પરિણામે સરકારને એક્સાઇઝ ડ્યુટીના રૂપમાં નોંધપાત્ર આવકનું નુકસાન થાય છે

સુપ્રીમ કોર્ટ

દારૂબંધીની અસરકારકતા પર સવાલ ઉઠાવતાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે આ પ્રતિબંધ સાથે સંકળાયેલાં પાંચ મોટાં નુકસાન તરફ ધ્યાન દોર્યું હતું. આ સાથે કોર્ટે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગુજરાત અને બિહાર સહિત અન્ય રાજ્યોમાં ઝેરી દારૂના કારણે થયેલી દુર્ઘટનાઓમાં જીવ ગુમાવનારા ૬૦૦થી વધારે લોકોનો પણ ઉલ્લેખ કર્યો હતો. દારૂબંધીનાં પાંચ નુકસાનમાં રાજ્યની મહેસૂલી આવકમાં ખોટ, દારૂબંધીના અમલ પાછળ થતો જંગી ખર્ચ, પોલીસમાં વધતો ભ્રષ્ટાચાર, ગેરકાયદે દારૂનો ધંધો અને એને કારણે ડ્રગ્સના વધતા જતા જોખમનો સમાવેશ થાય છે.
જસ્ટિસ જે. બી. પારડીવાલા અને કે. વિનોદ ચંદ્રનની બેન્ચે મહારાષ્ટ્ર પૉઇઝન રૂલ્સના નિયમો 18A અને 18Bને ફગાવતાં ઉપરોક્ત કમેન્ટ્સ કરી હતી. આ નિયમો હેઠળ મિથેનૉલની ખરીદી પર પ્રતિબંધ હતો. બિનફાર્માસ્યુટિકલ ઉત્પાદકોને વેચતાં પહેલાં કડવા એજન્ટો અને રંગો ઉમેરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું હતું. આ નિયમો ૧૯૯૧માં મુંબઈમાં મિથેનૉલયુક્ત ઝેરી દારૂ પીવાથી ૯૩ લોકોનાં મોત બાદ બનાવવામાં આવ્યા હતા. ઇન્ડિયન કેમિકલ કાઉન્સિલ સહિત વિવિધ કેમિકલ મૅન્યુફૅક્ચરિંગ કંપનીઓની અરજી સ્વીકારીને બેન્ચે પ્રતિબંધ નીતિની અસરકારકતા વિશે વિગતવાર ચર્ચા કરી હતી.

દારૂબંધીના પાંચ ગેરફાયદા
 મોટા પાયે આવકનું નુકસાન : દારૂના વેચાણ પર પ્રતિબંધના પરિણામે સરકારને એક્સાઇઝ ડ્યુટીના રૂપમાં નોંધપાત્ર આવકનું નુકસાન થાય છે.
 ભારે અમલીકરણ ખર્ચ : કાયદાનો કડક અમલ, દેખરેખ જાળવવા અને રાજ્યભરમાં દારૂની દાણચોરી અટકાવવાથી સરકારી તિજોરી પર નોંધપાત્ર નાણાકીય બોજ પડે છે.
 પોલીસતંત્રમાં ભ્રષ્ટાચાર : દારૂબંધીની આડમાં ગેરકાયદે પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં આવે છે, જેને કારણે પોલીસ અને વહીવટમાં લાંચ અને ભ્રષ્ટાચાર ઝડપથી ફેલાય છે.
 ગેરકાયદે અને નકલી દારૂનો વેપાર : કાયદેસર દારૂનો અભાવ ગુનેગારો અને માફિયાઓને સક્રિય થવા માટે પ્રોત્સાહિત કરે છે જેને કારણે નકલી, ઝેરી અને ગેરકાયદે દારૂના ઉત્પાદન અને વેચાણ માટે કાળાંબજારનો વિકાસ થાય છે.
 ડ્રગ્સનો વધતો દુરુપયોગ : દારૂની ઉપલબ્ધતાનો અભાવ લોકોને અન્ય ખતરનાક વિકલ્પો તરફ વળવા મજબૂર કરે છે, જેને કારણે ડ્રગ્સનો ઉપયોગ ઝડપથી વધે છે અને સમાજમાં એની સાથે સંકળાયેલી ગંભીર સમસ્યાઓ ઊભી થાય છે.

mumbai news mumbai supreme court maharashtra government maharashtra news maharashtra