✕

NCP (SP) થોડા વખતમાં NDA સાથે જોડાઈ જશે એવી અટકળો સુપ્રિયા સુળેએ ફગાવીને કહ્યું...

27 November, 2026 09:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

NCP (SP) થોડા વખતમાં NDA સાથે જોડાઈ જશે એવી અટકળો સુપ્રિયા સુળેએ ફગાવીને કહ્યું... અમને દેશ માટે કામ કરવા ચૂંટ્યા છે, ગૉસિપમાં સમય બગાડવા નહીં.

સુપ્રિયા સુલે

નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (SP)નાં નેતા સુપ્રિયા સુળેએ ગુરુવારે એવી અટકળોને ફગાવી દીધી હતી કે તેમનો પક્ષ નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ (NDA)માં જોડાઈ રહ્યો છે અને શરદ પવાર દીકરી માટે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનનું પદ માગી રહ્યા છે. તેમણે કહ્યું કે બારામતીની જનતાએ તેમને રાજ્ય અને દેશ માટે કામ કરવા ચૂંટ્યા છે, ન કે અફવાઓ કે ગૉસિપમાં સમય બગાડવા માટે. પોતાના પક્ષને લઈને ચાલી રહેલી રાજકીય અટકળો વિશેના પ્રશ્નોના જવાબમાં સુપ્રિયા સુળેએ કહ્યું કે તેઓ એક સમર્પિત રાજકારણી છે.

સુપ્રિયા સુળેએ પત્રકારોને પણ અપીલ કરી કે તેઓ પાયાવિહોણા અહેવાલો અને ગપસપને બદલે નીતિગત મુદ્દાઓ, જવાબદારી અને ગવર્નન્સ પર ધ્યાન કેન્દ્રિત કરે. તેમણે કહ્યું હતું કે ‘હું એક સમર્પિત રાજકારણી અને પૉલિસીમેકર છું. હું ગપસપમાં મારો સમય બગાડતી નથી. બારામતી લોકસભા મતવિસ્તારના લોકોએ મને દિલ્હી એટલા માટે નથી મોકલી કે હું ત્યાં જઈને ગપસપ કરું. તેમણે મને ત્યાં રાજ્ય અને દેશની સેવા કરવા અને કામ કરવા માટે મોકલી છે.’

મુખ્ય પ્રધાનના પદ વિશેના એક પ્રશ્ન પર તેમણે કહ્યું કે તેમના પિતરાઈ ભાઈ અજિત પવારે છેલ્લાં ૪૦ વર્ષોમાં સતત એવું જ કહ્યું છે કે રાજ્ય વિધાનસભામાં જેની પાસે જરૂરી સંખ્યાબળ હોય તે મુખ્ય પ્રધાન બની શકે છે. તેમણે મીડિયાને અનુરોધ કર્યો કે આવા સવાલોને બદલે તેમના કામ વિશે પ્રશ્નો પૂછે. નવી પેઢી ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસેથી જવાબદારીની અપેક્ષા રાખે છે અને તેઓ પોતે પોતાના કામને લગતા પ્રશ્નોના જવાબ આપવા માટે તૈયાર છે.

supriya sule sharad pawar nationalist congress party national democratic alliance maharashtra political crisis indian politics political news ajit pawar Lok Sabha news mumbai mumbai news