08 March, 2026 07:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ છે એ ઉત્સાહીઓ
અમદાવાદમાં આવેલા દુનિયાના સૌથી વિશાળ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બેસીને આજની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાને સપોર્ટ કરતા અગણિત ક્રિકેટક્રેઝી લોકોમાં અનેક મુંબઈકરો પણ હશે. માટુંગામાં રહેતાં ક્રિકેટક્રેઝી દેરાણી-જેઠાણી તેમની ફૅમિલી સાથે ફાઇનલ મૅચ જોવા અમદાવાદ પહોંચી ગયાં છે તો મીરા રોડની કૉલેજના ફ્રેન્ડ્સ પણ પહેલી વાર ફાઇનલ મૅચની મજા માણવા ગઈ કાલે બોરીવલીથી અમદાવાદ જવા રવાના થયા હતા. બીજી તરફ કાંદિવલીમાં રહેતી પિતા-પુત્રની જોડી સાથે બેસીને પહેલી વાર ફાઇનલ જોવા આજે સવારે મુંબઈથી અમદાવાદ જવા નીકળશે
પુત્ર આર્યમન શેઠ અને પિતા સચિન શેઠ.
કાંદિવલીમાં રહેતા સચિન શેઠ અને તેમનો પુત્ર આર્યમન પહેલી વાર સ્ટેડિયમમાં સાથે બેસીને T20 વર્લ્ડ કપની ફાઇનલ મૅચ જોવા અમદાવાદ આવી રહ્યા છે. સચિન શેઠે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા દીકરા સાથે ફાઇનલ મૅચ જોવાની ઘણા સમયથી ઇચ્છા હતી, કેમ કે લાસ્ટ ટાઇમ ૨૦૨૩માં વર્લ્ડ કપની ફાઇનલ જોવા અમારે સાથે જવું હતું પરંતુ ટિકિટ મળી નહોતી. જોકે સદ્નસીબે આ ફાઇનલ મૅચની ટિકિટ મળી ગઈ છે એટલે પહેલી વાર હું અને મારો દીકરો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાથે બેસીને ફાઇનલ મૅચ જોવાનો લહાવો માણીશું. અમારી સાથે યંગ મેન્સ ક્રિકેટ ક્લબના સભ્યો જિગર બૌવા, પીયૂષ શાહ, મનન વોરા, જય મારુ, રિતેશ લાલન, પ્રતીક ધરોડ, હિમાંશુ ગાલા, જિગર પાસડ, પ્રણય છાડવા અને અમિત શાહ પણ ફાઇનલ મૅચ જોવા અમદાવાદ આવી રહ્યા છે. અમે બધા માટુંગા જિમખાનામાં સાથે ક્રિકેટ રમીએ છીએ.’
દેરાણી-જેઠાણીના પરિવારના સભ્યો પીયૂષ શાહ, પૂર્વી શાહ, મંજુલાબહેન, દર્શના શાહ અને નિરેન શાહ.
માટુંગામાં રહેતાં અને મામા-ફોઈના સંબંધમાં દેરાણી-જેઠાણી થતાં પૂર્વી શાહ અને દર્શના શાહ તેમની ફૅમિલી સાથે ફાઇનલ મૅચ જોવા ગુજરાત પહોંચી ગયાં છે. પૂર્વી શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મને ક્રિકેટનો પહેલેથી શોખ છે. મારા ઘરમાં પણ બધાને ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ છે. હું ટેનિસ બૉલથી ક્રિકેટ રમું છું. ફાઇનલ મૅચ જોવા જવાનું પ્લાનિંગ મારા પતિ પીયૂષનું હતું. તેઓ ક્રિકેટ રમે છે એટલે તેમને તો ફાઇનલ મૅચ જોવામાં જબરદસ્ત ઇન્ટરેસ્ટ છે. તેમણે પહેલેથી જ ફાઇનલ મૅચનું બુકિંગ કરાવી દીધું હતું. મેં પણ તેમને પહેલાંથી જ કહી દીધું હતું કે મારે પણ ફાઇનલ મૅચ જોવી છે, હું અમદાવાદ આવીશ. તેઓ એકલા-એકલા થોડા ફાઇનલ મૅચ જોવાની મજા માણે. અમારી સાથે મારાં સાસુ મંજુલાબહેન તથા પીયૂષનાં ભાઈ-ભાભી નિરેન અને દર્શના શાહ પણ આવવાનાં છે. દર્શનાબહેન મારાં જેઠાણી છે. મારાં જેઠાણીને પણ ક્રિકેટનો બહુ શોખ છે. તેઓ શ્રીલંકામાં રમાયેલી મૅચ જોવા પણ ગયાં હતાં. અમદાવાદમાં રહેતાં મારાં નણંદ યાત્રી પણ મૅચ જોવા આવશે. અમારા માટે મૅચની સાથે-સાથે વન-ડે પિકનિક જેવું થઈ જશે.’ માટુંગામાં રહેતાં દર્શના શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે હમણાં શ્રીલંકા ફરવા ગયાં હતાં ત્યારે ત્યાં શ્રીલંકા અને ન્યુ ઝીલેન્ડની મૅચ સ્ટેડિયમમાં બેસીને જોઈ હતી. હું પહેલાં ક્રિકેટ રમતી હતી. હું લાયન્સ ક્લબ અને લેડીઝ ક્લબમાંથી ટેનિસ બૉલથી ક્રિકેટ રમતી હતી. હું તો ક્રિકેટની મોટી ફૅન છું અને પહેલી વાર ઇન્ડિયામાં ફાઇનલ મૅચ જોવા સ્ટેડિયમમાં જઉં છું. મારા મિસ્ટર નિરેન શાહ કરતાં મને ક્રિકેટમાં વધુ રસ છે એટલે તેઓ મારા માટે અમદાવાદ આવે છે, કેમ કે રવિવારે વિમેન્સ ડે છે અને ફાઇનલ મૅચ પણ છે’
કૉલેજિયન ફ્રેન્ડ્સ દ્વારકેશ ડાગરા, અદિતિ અડવાણી, અર્ચિત જૈન, આર્યન પાઠક અને ઓમ ભાનુશાલી.
મીરા રોડમાં આવેલી એન. એલ. દાલમિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ સ્ટડીઝ ઍન્ડ રિસર્ચના પહેલા વર્ષમાં અભ્યાસ કરતા ફ્રેન્ડ્સ પહેલી વાર ફાઇનલ મૅચ જોવાનું પ્લાનિંગ કરીને ગઈ કાલે બપોરે બોરીવલીથી ટ્રેનમાં બેસીને અમદાવાદ આવ્યા હતા. કાંદિવલીમાં રહેતા આર્યન પાઠકે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મીરા રોડમાં રહેતા ઓમ ભાનુશાલી અને દ્વારકેશ ડાગરા, બોરીવલીમાં રહેતો અર્ચિત જૈન, અંધેરીમાં રહેતી અદિતિ અડવાણી, કાંદિવલીમાં રહેતો દર્શિલ તુરખિયા અને મેં સાથે મળીને પહેલી વાર T20 વર્લ્ડ કપની ફાઇનલ મૅચ જોવા જવાનું પ્લાનિંગ કર્યું હતું. અમને ટિકિટ પણ મળી ગઈ હતી એટલે રાહત થઈ હતી. અમે બધા એક જ કૉલેજમાં અભ્યાસ કરીએ છીએ. આ મૅચ જોવા માટે અમે બધા બહુ જ ઉત્સાહિત છીએ.’