07 July, 2025 12:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કાસારવડવલીમાં એક કન્સ્ટ્રક્શન-સાઇટ સામેના રોડ પરથી એક યુવતીની ડેડ-બૉડી મળી આવી હતી. તેના ગળાની આસપાસ ઓઢણી બાંધેલી હોવાનું પોલીસે નોંધ્યું હતું. ૧૫થી ૧૭ વર્ષની જણાતી આ યુવતીની કોઈકે હત્યા કરી હોવાની શંકા પોલીસે જણાવી હતી.
શનિવારે બપોરે ઘટનાસ્થળની આસપાસ રહેતા અમુક લોકોનું ધ્યાન યુવતીની ડેડ-બૉડી પર પડતાં તેમણે પોલીસ-ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આપેલી માહિતી મુજબ આશરે ૪ ફુટ હાઇટ ધરાવતી ૧૫થી ૧૭ વર્ષની યુવતીએ લીલા રંગનો પંજાબી ડ્રેસ પહેર્યો હતો. હાથમાં બંગડીઓ હતી. તેના ગળા ફરતે ઓઢણી બાંધેલી હતી જેથી આ કેસ આત્મહત્યાનો નથી, પણ કોઈકે યુવતીની હત્યા કરી હોવાની પોલીસને શંકા છે.
થાણે ક્રાઇમ બ્રાન્ચના સબ-ઇન્સ્પેક્ટર તુષાર માનેએ જણાવ્યું હતું કે ‘યુવતીની ડેડ-બૉડીના ફોટો લઈને ઓળખ માટે સંલગ્ન એજન્સીઓને મોકલવામાં આવ્યા છે. લોકોને અપીલ કરવામાં આવી છે કે આવી કોઈ યુવતી વિશે માહિતી મળે તો તાત્કાલિક થાણે પોલીસનો સંપર્ક કરવામાં આવે. બૉડીને પોસ્ટમૉર્ટમ માટે મોકલવામાં આવી છે. ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ હત્યા અને પુરાવા સાથે છેડછાડ કરવાના ગુના વિશે કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.’