યુવતીએ છ સ્ટ્રીટ ડૉગ્સનું ભરણપોષણ કરવા લીધો દેહ-વ્યવસાયનો સહારો

18 February, 2025 06:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થાણેના હાઈ રાઇઝ બિ‌લ્ડિંગમાં રેઇડ પાડીને પોલીસે મહિલા અને દલાલની કરી ધરપકડઃ કોઈ કામ ન મળતું હોવાથી આ ગોરખધંધામાં એન્ટ્રી મારી હોવાનો યુવતીનો દાવો

દલાલ દત્તારામ સાવંત

થાણે ઍન્ટિ વુમન ટ્રાફિકિંગ (AWT)ની ટીમે ગુરુવારે સાંજે વર્તકનગર વિસ્તારના એક હાઇરાઇઝ ટાવરમાં છાપો મારી દેહ-વ્યવસાય ચલાવતા દત્તારામ સાવંત અને ૨૪ વર્ષની યુવતીને પકડ્યાં હતાં. જોકે યુવતીને પાછળથી સુધારગૃહમાં મોકલી આપવામાં આવી હતી. આ મામલે AWTની ટીમે દલાલ દત્તારામ સામે વર્તકનગર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. છ સ્ટ્રીટ-ડૉગીનું ભરણપોષણ કરવા માટે યુવતીને પૈસાની જરૂર હતી જેના માટે તે દેહ-વ્યવસાય કરતી હોવાનો ચોંકાવનારો ખુલાસો પોલીસની પ્રાથમિક તપાસમાં થયો છે. તેણે પોલીસને જણાવ્યું હતું કે બીજું કોઈ કામ ન મળતું હોવાથી તેણે નાછૂટકે ડૉગીનું ભરણપોષણ કરવા આ કામ કરવાનું નક્કી કર્યું હતું.

થાણે AWTનાં સિનિયર ઇન્સ્પેક્ટર ચેતના ચૌધરીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુરુવારે અમારાં ગુપ્ત સૂત્રોથી માહિતી મળી હતી કે વર્તકનગરની એક સોસાયટીમાં દેહ-વ્યવસાય ચલાવવામાં આવી રહ્યો છે. એના આધારે અમારી ટીમે ઝીણવટભરી તપાસ કરી બોગસ ગ્રાહકની મદદથી છાપો માર્યો હતો અને ત્યાંથી દત્તારામ સાવંતની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીએ અમારા બોગસ ગ્રાહક પાસેથી ૫૦૦૦ રૂપિયા લીધા હતા. આ છાપામાં ૨૪ વર્ષની યુવતીનો છુટકારો કરવામાં આવ્યો હતો. તેની પાસેથી અમને માહિતી મળી હતી કે ૫૦૦૦ રૂપિયામાંથી આરોપી તેને માત્ર ૧૫૦૦ રૂપિયા આપતો હતો અને આ પૈસા પણ તે યુવતી સ્ટ્રીટ-ડૉગીના ઇલાજ અને ખવડાવવા માટે કરતી હતી એની પણ અમે તપાસ કરી છે. યુવતીના ડૉગીની અમે પ્રાણીમિત્રોને જાણ કરીને યુવતીને સુધારગૃહમાં મોકલી દીધી છે.’

thane thane crime crime news mumbai crime news mumbai police news mumbai mumbai news