14 July, 2025 10:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇકોસ્ટાર રીસાઇક્લિંગ કંપનીમાં રાખવામાં આવેલા ચીજો.
થાણે ક્રાઇમ બ્રાન્ચ યુનિટ એકની ટીમે મુંબ્રા-પુણે રોડ પર આવેલા આરિફ કમ્પાઉન્ડમાં શુક્રવારે સાંજે છાપો મારીને ભારતની પ્રખ્યાત ઈ-કૉમર્સ કંપની ફ્લિપકાર્ટ દ્વારા રીસાઇક્લિંગ માટે આપવામાં આવેલા એક્સપાયરી ડેટવાળા ખાદ્ય પદાર્થોને રીપૅકિંગ કરીને વેચતા મોહમ્મદ ચૌધરી અને મોહમ્મદ શેખની ધરપકડ કરી હતી. આરોપીઓ છેલ્લાં પાંચ વર્ષથી ફેંકવામાં આવેલી લોટ,
સાકર, તેલ, ઘી, શેમ્પુ, સાબુ, સૉસ, જૅમ સહિતની પ્રોડક્ટ્સનાં મૂળ પૅકિંગ ખોલીને અને રીપૅકિંગ કરીને મુંબઈ તેમ જ થાણેના અલગ-અલગ વિસ્તારમાં વેચતા હોવાની ચોંકાવનારી માહિતી પ્રકાશમાં આવી છે. આ મામલે પોલીસે અન્ય ત્રણ ટીમ બનાવીને આરોપીઓ કોને-કોને માલ આપતા હતા એની તપાસ હાથ ધરી છે.
થાણે ક્રાઇમ બ્રાન્ચ યુનિટ એકના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સચિન ગાયકવાડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુપ્ત સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર મુંબ્રા-પુણે રોડ પર આવેલા ૫૪,૦૦૦ ચોરસ ફીટના આરિફ કમ્પાઉન્ડ ગોડાઉનમાં છાપો માર્યો હતો જેમાં કચરામાં રાખેલા ખાદ્ય પદાર્થોનાં રીપૅકિંગ કરવામાં આવી રહ્યાં હતાં. વધુ માહિતી લેતાં અમને જાણ થઈ હતી કે ફ્લિપકાર્ટ કંપની દ્વારા એક્સપાયરી ડેટવાળી પ્રોડક્ટ્સનો નાશ કરવાનું કામ ઇકોસ્ટાર રીસાઇક્લિંગ કંપનીને સોંપવામાં આવ્યું છે જેના માટે ઇકોસ્ટાર રીસાઇક્લિંગ અને ઈ-વેસ્ટ રીસાઇક્લિંગ કંપની દ્વારા વેરહાઉસ ભાડે રાખવામાં આવ્યું હતું. જોકે તેઓ આ સામગ્રીનો નાશ કરવાને બદલે એક્સપાયરી ડેટવાળી પ્રોડક્ટ્સ અન્ય કંપનીના નામે બજારમાં વેચી રહ્યા હતા. છાપો મારતાં અમને એવું જોવા મળ્યું કે ફ્લિપકાર્ટ કંપની દ્વારા નાશ કરવા માટે મોકલવામાં આવેલાં કઠોળ, વિવિધ કંપનીઓનાં લોટ, ખાંડ, ચોખા, ડ્રાયફ્રૂટ, સૅનિટરી પૅડ્સ, વૉશિંગ પાઉડર, સાબુનો નાશ કરવાને બદલે મૂળ કંપનીનું પૅકેજિંગ બદલવામાં આવ્યું હતું. આ કંપનીમાંથી અમે ૩૦ લાખ રૂપિયાની કિંમતનો ૧૨ ટન માલ જપ્ત કર્યો છે.’