14 October, 2025 02:50 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
હાલમાં જાણે મુંબઈમાં એક પછી એક આગ લાગવાની ભયાવહ ઘટનાઓનો સિલસિલો જ ચાલી રહ્યો છે. તાજેતરમાં થાણેમાંથી આગ લાગવાની ઘટના (Thane Fire) બની છે. થાણેમાં સોમવારે મોડી રાત્રે ભયાવહ આગ ફાટી નીકળી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. થાણે (પશ્ચિમ)ના દાદા પાટિલ વાડીમાં અભિજીત સોસાયટીના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ એક ખૂબ જ જાણીતા ભોજનાલય `વોક એન્ડ ગ્રિલ એક્સપ્રેસ`માં આગ ફાટી નીકળી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ગઈકાલે મોડી રાત્રે આશરે 12:05 કલાકે આગ લાગવાની ઘટના (Thane Fire) બની હતી. આ આગની ઘટના વિષે સ્થાનિક લોકપ્રતિનિધિ શ્રી સંજય વાઘુલેએ માહિતી આપી હતી. અધિકારીઓના જણાવ્યાનુસાર રુપેશ માલાબારીની માલિકીની દુકાનની અંદર માઇક્રોવેવ ઓવનમાંથી આગના તણખા ઝર્યા હતા. બસ, એમાંથી પછી આ આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. જોતજોતામાં આ આગ વધુ ફેલાતી ગઈ હતી. જેના કારણે આખા પરિસરમાં ભયનો માહોલ સર્જાયો હતો અને હોબાળો મચી જવા પામ્યો હતો.
આગ (Thane Fire)ની જાણ થતાં જ અધિકારીઓ તરત ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર વિભાગના અધિકારીઓ તરત જ ઘટનાસ્થળ પર દોડી ગયા હતા અને આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર થાણે ફાયર બ્રિગેડ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ તરફથી પણ અહીં એક ફાયર વેન અને એક પિકઅપ વેન મોકલવામાં આવી હતી. ફાયર બ્રિગેડના સતત પ્રયાસો થકી લગભગ ૧૨.૨૦ કલાકે આ આગ પૂરી રીતે ઓલવી દેવામાં આવી હતી.
આ આગની ઘટના (Thane Fire) વિષે વાત કરતી વેળાએ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટના દરમિયાન કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ મળ્યા નથી. ફાયર બ્રિગેડ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના કર્મચારીઓની ખૂબ જ ઝડપી કામગીરીથી દુકાનની છત પર લાગેલી આ આગ સાત માળની રહેણાંક ઇમારતમાં ફેલાઈ જતા અટકી ગઈ હતી. જેનાથી ઘણું જ મોટું જ નુકસાન થતા થતા અટકી ગયું છે. સુમારસ ફાયર ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે માઇક્રોવેવ ઓવનમાંથી ફાટી નીકળેલી આ આગને નિયત્રણમાં લઇ લેવામાં સફળતા મળી હતી.
આ સાથે જ તમને જણાવી દઈએ કે સોમવારે મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં નવ માળના એક બિઝનેસ પાર્ક હાઉસિંગ ઓફિસમાં ભયાવહ આગ લાગી હતી. આ ઘટનામાં ઓછામાં ઓછા છ લોકો ઘાયલ થયા હતા. જ્યારે અન્ય ૨૮૦ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. શ્રેયસ ટૉકીઝ નજીક એલબીએસ રોડ પર સ્થિત ગોલ્ડક્રેસ્ટ બિલ્ડિંગમાં બપોરે ૨.૩૫ વાગ્યે આ આગ લાગવાની ઘટના બની હતી. સાંજે લગભગ સાત વાગ્યે ચાર કલાકથી વધુના સમયની જહેમત બાદ આ આગને કાબૂમાં લેવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર આગમાંથી નીકળેલો ધુમાડો સૌ પ્રથમ ગ્રાઉન્ડ ફ્લોર પર ફેલાયો હતો અને ત્યારબાદ ઇલેક્ટ્રિક ડક્ટમાં પણ ફેલાયો હતો. આ ઘટનામાં ફાયર બ્રિગેડના જવાનો અને અન્ય એજન્સીઓએ ઇમારતની છત પર ફસાયેલા ૨૮૦ લોકોને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા. આ સાથે જ તમને જણાવી દઈએ કે બચવા માટે ઇમારતની બારીઓમાંથી કૂદકો લગાવવામાં છ લોકો ઘાયલ થયા હતા.