31 January, 2026 10:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
તાજેતરમાં ૨૯ મહાનગરપાલિકાઓની ચૂંટણી પત્યા બાદ ૩ ફેબ્રુઆરીએ મહાનગરપાલિકાના મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી યોજાવાની છે. જોકે કેટલીક જગ્યાએ મેયર અને ડેપ્યુટી મેયર માટે એક-એક ફૉર્મ જ ભરાતાં તેઓ બિનવિરોધ ચૂંટાઈ આવ્યા છે. જોકે એની સત્તાવાર જાહેરાત ૩ ફેબ્રુઆરી પછી થશે.
મુંબઈ પછી સૌથી મહત્ત્વની ગણાતી થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)માં શિવસેનાનાં શર્મિલા પિંપળકર મેયર અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના કૃષ્ણા પાટીલે ડેપ્યુટી મેયર માટેનું નૉમિનેશન ગઈ કાલે નોંધાવ્યું હતું. જોકે બીજા કોઈ નગરસેવકે ફૉર્મ ભર્યું ન હોવાથી બન્ને બિનવિરોધ ચૂંટાઈ આવશે. જોકે એની સત્તાવાર જાહેરાત ૩ ફેબ્રુઆરીએ થશે.
TMC હેડક્વૉર્ટરમાં યોજાયેલી બેઠકમાં એકનાથ શિંદે, પ્રતાપ સરનાઈક, નરેશ મ્હસ્કે અને અન્ય નેતાઓ હાજર હતા. એવું કહેવાય છે કે BJPએ અઢી વર્ષ પછી મેયરપદ તેમને મળે એવી રજૂઆત કરી હતી, પણ એકનાથ શિંદેએ એ માટે ધરાર ના પાડી દીધી છે. TMCમાં શિવસેનાને ૭૫ બેઠક મળી છે અને BJPને ૨૮ બેઠક મળી છે. શિવસેનાને ક્લિયર મૅજોરિટી મળી છે. એકનાથ શિંદેએ બહુ સ્પષ્ટ કહ્યું છે કે હું એક વર્ષ માટે પણ BJPને મેયરપદ નહીં આપું. જોકે એની સામે BJPને તેમણે ડેપ્યુટી મેયરનું પદ સોંપ્યું છે.
એ જ રીતે કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશન (KDMC)માં પણ શિવસેનાનાં હર્ષાલી થવિલ-ચૌધરીએ મેયરપદ માટે ફૉર્મ ભર્યું છે અને ડેપ્યુટી મેયર માટે BJPના રાહુલ દામલેએ ફૉર્મ ભર્યું છે. અન્ય કોઈએ ફૉર્મ ભર્યું ન હોવાથી તેઓ પણ બિનવિરોધ ચૂંટાઈ આવ્યાં છે.