27 June, 2026 08:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મિથિલ વિસરિયા
થાણેની વૃંદાવન સોસાયટીમાં રહેતા ૩૦ વર્ષના મિથિલ વિસરિયા (મામણિયા)એ ૨૩ જૂને રાત્રે રત્નાગિરિના ચિપલૂણ ખાતે આવેલી વાશિષ્ઠી નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. આ મામલે ચિપલૂણ પોલીસે ઍક્સિડેન્ટલ ડેથનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. મિથિલે નદીમાં કૂદીને આત્મહત્યા કરી હોવાની પ્રાથમિક માહિતી મળતાં જ સ્થાનિક પોલીસે તાત્કાલિક શોધખોળ શરૂ કરી હતી. સતત બે દિવસ સુધી ચાલેલી સઘન તપાસ બાદ ગુરુવારે સવારે નદીમાંથી મિથિલનો મૃતદેહ મળી આવ્યો હતો. બે દિવસ સુધી પાણીમાં રહેવાને કારણે ડેડ-બૉડી ખૂબ જ ફૂલી ગઈ હતી એટલે એને મુંબઈ લાવવી અશક્ય બનતાં પરિવારને ચિપલૂણમાં જ એના અંતિમ સંસ્કાર કરવાની ફરજ પડી હતી. હાલમાં ચિપલૂણ પોલીસ મિથિલના મોબાઇલની કૉલ ડીટેલ્સ તપાસીને અને સગાંસંબંધીઓની પૂછપરછ કરીને આ આપઘાત પાછળનું અસલી કારણ શોધવાનો પ્રયાસ કરી રહી છે.
આત્મહત્યા કરતાં પહેલાં મિથિલે ૨૩ જૂને રાત્રે મને ફોન કર્યો હતો જેમાં ફોન પર ભાવુક થઈને તેણે કહ્યું હતું કે મમ્મી, હમણાં તારે જેટલું વઢવું હોય એટલું વઢી લે, હવે પછી તને કોઈ દિવસ વઢવાનો મોકો નહીં આપું એમ જણાવતાં મિથિલનાં મમ્મી રંજનાબહેને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એકાએક દીકરાના આવા શબ્દો સાંભળીને હું ગભરાઈ ગઈ હતી અને પૂછ્યું હતું કે તું આવું કેમ બોલે છે? ત્યારે મિથિલે વાત ટાળતાં કહ્યું હતું કે કંઈ નહીં, બસ એમ જ કહું છું, હું મારા સસરાના ઘરે પહોંચીને તને ફરી ફોન કરું છું. આ મારી સાથેનો છેલ્લો સંવાદ સાબિત થયો છે.’
મિથિલની મમ્મી રંજનાબહેને ભારે હૈયે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મિથિલે ૧૨ વર્ષ પહેલાં લવ-મૅરેજ કર્યાં હતાં. તે પોતાની પત્ની સાથે રાજીખુશીથી રહેતો હતો તેમ જ ડિલિવરી-બૉય તરીકે કામ કરતો હતો. તેના સસરા ચિપલૂણમાં રહે છે અને તેમની તબિયત ખરાબ હોવાથી તેમને સારવાર માટે મુંબઈ લાવવા તે ૨૩ જૂને બપોરે જ મુંબઈથી ચિપલૂણ ગયો હતો. સુખી સંસાર હોવા છતાં તેણે આવું આત્યંતિક પગલું કેમ ભર્યું એ અંગે અમે સાવ અજાણ છીએ.’
ચિપલૂણ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર ફુલચંદ મેંગડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૩ જૂને રાત્રે જ નદી પરના પુલ પરથી મિથિલનો મોબાઇલ ફોન મળી આવ્યો હતો, જેનાથી તેણે ત્યાંથી જ કૂદકો માર્યો હોવાનું સ્પષ્ટ થયું હતું. આ કેસમાં કોઈ સુસાઇડ-નોટ મળી નથી એટલે આત્મહત્યાનું ચોક્કસ કારણ શોધવા તપાસ ચાલુ છે.’