મહારાષ્ટ્રમાં આવતી કાલે નીતિન ગડકરી અને સુધીર મુનગંટીવારના ભાવિનો ફેંસલો

18 April, 2024 08:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પહેલા તબક્કામાં રાજ્યની નક્સલવાદગ્રસ્ત પાંચ બેઠકો પર ખરાખરીનો જંગ

નીતિન ગડકરી અને સુધીર મુનગંટીવાર

મહારાષ્ટ્રમાં લોકસભાની ૪૮ બેઠકોમાંથી ૧૯ એપ્રિલના પહેલા તબક્કામાં વિદર્ભ વિસ્તારની ૧૦ પૈકી પાંચ બેઠકો પર આવતી કાલે મતદાન થશે. આ પાંચ બેઠકો પૂર્વ વિદર્ભ વિસ્તારની છે અને આ વિસ્તાર નક્સલવાદગ્રસ્ત છે. આ પાંચ પૈકી ચાર બેઠકો પર ભારતીય જનતા પાર્ટી (BJP) લડી રહી છે અને એક બેઠક પર એકનાથ શિંદેની શિવસેનાના ઉમેદવાર છે. સામા છેડે તમામ બેઠકો પર કૉન્ગ્રેસના ઉમેદવાર છે.

નાગપુર

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નું મુખ્યાલય આ શહેરમાં છે અને આ બેઠક પરથી કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરી ત્રીજી વાર મેદાનમાં છે. દેશમાં હાઇવે, એક્સપ્રેસવે અને વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટને લીધે ગડકરીને સૌ કોઈ ઓળખે છે તો સામે કૉન્ગ્રેસે નાગપુર-વેસ્ટના વિધાનસભ્ય વિકાસ ઠાકરેને ઉતાર્યા છે. BJP માટે આ સલામત બેઠક છે પણ વિકાસ ઠાકરેનું કહેવું છે કે ચૂંટણીની વાત આવે ત્યારે કોઈ સલામત બેઠક હોતી નથી, આ બેઠક જીતવા હું મારી તમામ તાકાત કામે લગાવીશ.

મુખ્ય મુકાબલો

નીતિન ગડકરી: BJP
વિકાસ ઠાકરે: કૉન્ગ્રેસ
કુલ ઉમેદવાર: ૨૬

ગડચિરોલી-ચિમુર

અનુસૂચિત જનજાતિ માટે અનામત આ બેઠક પર પણ BJPના અશોક નેતે ત્રીજી વાર મેદાનમાં ઊતરીને હૅટ-ટ્રિક કરવા માગે છે. આદિવાસી લોકોની વસ્તી ધરાવતો આ વિસ્તાર નક્સલવાદથી પ્રભાવિત છે. કૉન્ગ્રેસે આ બેઠક પર નવા ચહેરાને મેદાનમાં ઉતાર્યા છે. ડૉ. નામદેવ કિરસાન સરકારી કર્મચારી હતા અને તેમણે વૉલન્ટરી રિટાયરમેન્ટ લઈને આ બેઠક પર ઝુકાવ્યું છે. નવાઈની વાત એ છે કે ૨૦૧૯માં નેતેની સામે ઊભા રહેલા નામદેવ ઉસેન્ડીને ટિકિટ નહીં ફાળવાતાં તેઓ BJPમાં આવી ગયા છે અને અશોક નેતેને સપોર્ટ કરી રહ્યા છે.

મુખ્ય મુકાબલો

અશોક નેતે: BJP
ડૉ.નામદેવ કિરસાન: કૉન્ગ્રેસ
કુલ ઉમેદવાર: ૧૦

ભંડારા-ગોંદિયા

આ બેઠક પરથી નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ની ટિકિટ પરથી અનેક વાર જીત મેળવનારા પ્રફુલ પટેલ હવે BJPના સહયોગી છે. BJPએ એના વર્તમાન સંસદસભ્ય સુનીલ મેંઢેને ટિકિટ આપી છે ત્યારે કૉન્ગ્રેસે પ્રશાંત પડોલેને ઉમેદવાર જાહેર કર્યા છે. કૉન્ગ્રેસના પ્રદેશ પ્રમુખ નાના પટોલેનો આ વિસ્તાર છે અને તેમને જ ટિકિટ અપાઈ હોત પણ તેમણે ચૂંટણી લડવાની ના પાડી દેતાં તેમના નજીકના સગા પડોલેને ઊભા રાખવામાં આવ્યા છે. નવાઈની વાત એ છે કે પચીસ વર્ષ બાદ કૉન્ગ્રેસ આ બેઠક પરથી ચૂંટણી લડી રહી છે.

મુખ્ય મુકાબલો

સુનીલ મેંઢે: BJP
પ્રશાંત પડોલે: કૉન્ગ્રેસ
કુલ ઉમેદવાર: ૧૮

ચંદ્રપુર

કૉન્ગ્રેસના ગઢ સમાન ગણાતી આ બેઠક પર આ વખતે BJPના ઉમેદવાર સુધીર મુનગંટીવાર છે જે મહારાષ્ટ્ર સરકારમાં વન ખાતાના પ્રધાન છે. ૨૦૧૯માં આ બેઠક પરથી ચૂંટાયેલા કૉન્ગ્રેસના સુરેશ ધાનોરકરનું મૃત્યુ થયા બાદ એના પર પેટાચૂંટણી થઈ નહોતી. કૉન્ગ્રેસે આ બેઠક પરથી તેમનાં પત્ની પ્રતિભા ધાનોરકરને ટિકિટ આપી છે. પ્રતિભા આ મતદારસંઘ હેઠળ આવતી વરોરા બેઠકનાં વિધાનસભ્ય છે.

મુખ્ય મુકાબલો

સુધીર મુનગંટીવાર: BJP
પ્રતિભા ધાનોરકર: કૉન્ગ્રેસ
કુલ ઉમેદવાર: ૧૫

રામટેક

અનુસૂચિત જાતિ માટેની આરક્ષિત આ બેઠક પર એકનાથ શિંદેની શિવસેનાના ઉમેદવાર રાજુ પારવે છે, જેઓ કૉન્ગ્રેસ છોડીને શિંદે ગ્રુપમાં જોડાયા છે. સામા પક્ષે કૉન્ગ્રેસે શ્યામકુમાર બર્વેને ટિકિટ આપી છે. વંચિત બહુજન આઘાડીના ટેકાથી કિશોર ગજભીયે પણ મેદાનમાં છે. ૨૦૧૯માં કિશોર ગજભીયે આ બેઠક પર કૉન્ગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડ્યા હતા, પણ તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો. તેઓ ભૂતપૂર્વ પ્રશાસકીય અધિકારી છે.

મુખ્ય મુકાબલો

રાજુ પારવે: શિવસેના
શ્યામકુમાર બર્વે: કૉન્ગ્રેસ
કુલ ઉમેદવાર: ૨૮

nitin gadkari sudhir mungantiwar bharatiya janata party Lok Sabha Election 2024 mumbai mumbai news maharashtra maharashtra news