17 July, 2026 08:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રવીણ ગોયલ અને તેમની મસાલા અને ડ્રાય ફ્રૂટ્સની દુકાન.
બહુચર્ચિત કેતન અગ્રવાલ હત્યા કેસની આરોપી સિયા ગોયલના પિતા પ્રવીણ ગોયલની માલિકીની મસાલા અને ડ્રાય ફ્રૂટ્સની દુકાન પર ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA) દ્વારા રેઇડ પાડવામાં આવી હતી અને એમાંથી ચાર ફૂડ-આઇટમ્સનાં સૅમ્પલ લેવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ આ દુકાન બંધ કરી દેવાતાં એને સીલ કરી દેવાઈ હોવાના અહેવાલ હતા. જોકે દુકાન સીલ નથી થઈ એવી સ્પષ્ટતા પ્રવીણ ગોયલે કરી છે. સાથે જ પોતાના કુટુંબને ખૂબ જ હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો હોવાનો બળાપો પણ તેમણે કાઢ્યો હતો. સિયા દોષી હોય તો તેને સજા અપાય, પણ પરિવારને હેરાનગતિ થઈ રહી હોવાનું અને દીકરીના કારણે પોતાને સજા થઈ રહી હોય એવું લાગતું હોવાનું તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
પ્રવીણ ગોયલે કહ્યું હતું કે ‘મંગળવારે સવારે સાડાઅગિયાર વાગ્યે FDAના અધિકારીઓ મારી દુકાને આવ્યા હતા. તેમણે અમુક સૅમ્પલ લીધાં હતાં અને તપાસ દરમ્યાન દુકાનના લાઇસન્સમાં કોઈ સમસ્યા જણાઈ હતી, જેના કારણે આઠથી ૧૦ દિવસ દુકાન બંધ રાખવાની સૂચના FDA દ્વારા અપાઈ હતી. મેં નવા લાઇસન્સ માટે અપ્લાય કરી દીધું છે અને ટૂંક સમયમાં લાઇસન્સ મળી જતાં દુકાન ફરી શરૂ થઈ જશે.’
પ્રવીણ ગોયલે જણાવ્યું હતું કે મારી દીકરીની બાબતે હું કહીશ કે જો તે દોષી સાબિત થાય તો તેને કડકમાં કડક સજા મળવી જોઈએ, એમ જણાવતાં પ્રવીણ ગોયલે કહ્યું હતું કે ‘હું કાયદા અને ન્યાયવ્યવસ્થાની સાથે છું, ન્યાયના પક્ષમાં છું. હું તપાસમાં સંપૂર્ણ સહકાર આપીશ, પરંતુ એવું લાગી રહ્યું છે કે તેના સ્થાને મને સજા આપવામાં આવી રહી છે. મારો આખો પરિવાર દુ:ખ ભોગવી રહ્યો છે. હું ઘણા સમયથી સ્ટ્રેસમાં છું.’
ચેતન અને સિયાનાં લગ્નના કોઈ પુરાવા નથી: પોલીસ
કેતન અગ્રવાલની હત્યાના આરોપી ચેતન ચૌધરી અને સિયા ગોયલે રાજસ્થાનના ખાટુ શ્યામ બાબાના મંદિરમાં ચૂપચાપ લગ્ન કરી લીધાં હતાં એવી વાત બહાર આવ્યા પછી પુણે ગ્રામીણ પોલીસ એની તપાસ કરી રહી છે. જોકે અત્યાર સુધી તેમને બન્નેએ ત્યાં લગ્ન કર્યાં હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. પુણે ગ્રામીણ પોલીસના અધિકારી ખાટુ શ્યામ મંદિરની મુલાકાતે ગયા હતા અને ત્યાંથી CCTV કૅમેરાનાં ફુટેજ માંગ્યા હતાં. જોકે તેમની પાસે ફુટેજના રેકૉર્ડિંગ્સ મળ્યાં નહોતાં.