ગણેશોત્સવ મંડળોને એકસાથે પાંચ વર્ષની મંજૂરી આપવાનો સરકારે લીધો નિર્ણય

28 August, 2026 08:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા માટે સહ્યાદ્રિ અતિથિગૃહ ખાતે વિશેષ બેઠક યોજાઈ

સહ્યાદ્રિ અતિથિગૃહ ખાતે યોજાયેલી બેઠકમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

સાર્વજનિક ગણેશોત્સવ 2026 ઉત્સાહ, શિસ્ત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં નિર્વિઘ્ને સંપન્ન થાય એ હેતુથી ગઈ કાલે મુંબઈના સહ્યાદ્રિ અતિથિગૃહ ખાતે એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મુંબઈના પોલીસ-કમિશનર, BMCના અધિકારીઓ અને ગણેશોત્સવ મંડળો વચ્ચે સમન્વય સાધીને કામ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ગણેશમૂર્તિઓના આગમન અને વિસર્જનને સુરક્ષિત તથા શિસ્તબદ્ધ બનાવવા માટે પોલીસ, BMC અને સંબંધિત તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેમાં મંડળોનાં સૂચનોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ઉત્સવને વધુ સુગમ બનાવવા માટે આ વર્ષે ગણેશ મંડળોને એકસાથે પાંચ વર્ષની પરવાનગી આપવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હોવાનું પણ આ પ્રસંગે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું.

રોડ-નેટવર્ક અને ભક્તોની સુરક્ષાને પ્રાથમિકતા
બેઠક દરમ્યાન રોડ નેટવર્ક અને ભક્તોની સુરક્ષા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. મુંબઈના આશરે ૧૮૫૦ કિલોમીટર લાંબા રસ્તાઓનું કૉન્ક્રીટીકરણ થઈ ચૂક્યું છે ત્યારે ગણેશજીના આગમન અને વિસર્જનના માર્ગો પર એક પણ ખાડો ન રહે અેની ખાસ કાળજી લેવા BMCના અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત સોશ્યલ મીડિયા દ્વારા અફવાઓ ન ફેલાય અે માટે મંડળના પદાધિકારીઓ અને કાર્યકરોને સતર્ક રહેવા જણાવાયું છે. મોટી મૂર્તિઓની વાહનવ્યવહાર દરમ્યાન સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મૂર્તિનું માળખું, નટ-બોલ્ટ અને વેલ્ડિંગની યોગ્ય તપાસ કરવા તથા આગમન-વિસર્જન વખતે બાળકો અને શ્રદ્ધાળુઓને મૂર્તિથી સુરક્ષિત અંતરે રાખવા અપીલ કરવામાં આવી છે.

mumbai news mumbai ganesh chaturthi brihanmumbai municipal corporation maharashtra government maharashtra news maharashtra eknath shinde