21 August, 2026 10:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હાયર એન્ડ ટેક્નિકલ એજ્યુકેશન મિનિસ્ટર ચંદ્રકાન્ત પાટીલ
મહારાષ્ટ્રમાં ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ મેળવતી વિદ્યાર્થિનીઓને આર્થિક રીતે સશક્ત બનાવવા અને તેમનો આત્મવિશ્વાસ વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા એક વિશેષ યોજના શરૂ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. હાયર એન્ડ ટેક્નિકલ એજ્યુકેશન મિનિસ્ટર ચંદ્રકાન્ત પાટીલે બુધવારે માહિતી આપતાં જણાવ્યું હતું કે યુનિવર્સિટીઓ, કૉલેજો, ઉદ્યોગો અને શિક્ષણ વિભાગના સંયુક્ત પ્રયાસોથી વિદ્યાર્થિનીઓને દર મહિને ૨૦૦૦ રૂપિયાનું પૉકેટ-મની આપવાની યોજના વિચારાધીન છે.’
શિક્ષણ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે ‘આ નાણાકીય સહાય ભૂતકાળમાં યુનિવર્સિટીઓ દ્વારા ચલાવવામાં આવતી ‘અર્ન એન્ડ લર્ન’ યોજનાના તર્જ પર આપવામાં આવશે. આ યોજના માટેનો મુખ્ય નાણાકીય સ્ત્રોત સરકારી તિજોરીને બદલે ઉદ્યોગો, ખાનગી ટ્રસ્ટો અને દાનવીરો દ્વારા મળતાં કૉર્પોરેટ સૉશ્યલ રિસ્પૉન્સિબિલિટી (CSR) ફન્ડમાંથી મેળવવામાં આવશે. આયોજન મુજબ કૉલેજો સ્થાનિક ઉદ્યોગો સાથે કરાર કરશે જેમાં વિદ્યાર્થિનીઓને કૉલેજના સમય પછી અમુક કલાકોનું કામ સોંપવામાં આવશે અને એના બદલામાં CSR ફન્ડમાંથી તેમને આ પૉકેટ-મની ચૂકવવામાં આવશે. આ પહેલને કારણે વર્ગખંડોમાં ગર્લ્સ-ટુ-બૉય્ઝ જેન્ડર રેશિયો સુધારવામાં મોટી મદદ મળશે એમ અધિકારીઓએ ઉમેર્યું હતું.
જો આ પ્રસ્તાવિત યોજના સંપૂર્ણપણે અમલી બનશે તો સમગ્ર રાજ્યની યુનિવર્સિટીઓ અને કૉલેજોમાં અભ્યાસ કરતી આશરે ૧૨ લાખ જેટલી વિદ્યાર્થિનીઓને એનો સીધો લાભ મળશે.