મહારાષ્ટ્ર સરકારે જૈનો માટે આર્થિક વિકાસ મહામંડળની મંજૂરી આપી

05 October, 2024 07:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જરૂરિયાતમંદ જૈન પરિવારોને આર્થિક મદદની સાથે બિઝનેસ કરવા માટે પણ સહયોગ મળશે

એકનાથ શિંદેની ફાઇલ તસવીર

મહારાષ્ટ્ર સરકારે ગઈ કાલે કૅબિનેટની બેઠકમાં મહારાષ્ટ્રના જૈન સમાજ માટે આર્થિક વિકાસ મહામંડળ બનાવવાની માગણીને માન્ય રાખીને મંજૂર કરી હતી. ઑલ ઇન્ડિયા જૈન માઇનૉરિટી ફેડરેશન (AIJMF) દ્વારા આ માટે લાંબા સમયથી પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા જેને ગઈ કાલે સફળતા મળી હતી. સરકારના આ નિર્ણયથી મહારાષ્ટ્રમાં રહેતા જૈન પરિવારોની ઉન્નતિનો દરવાજો ખૂલ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

AIJMFના રાષ્ટ્રીય અધ્યક્ષ અને મહારાષ્ટ્ર ચેમ્બર ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ લલિત ગાંધીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રમાં રહેતા જૈનોને પણ બીજી જ્ઞાતિઓની જેમ લાભ મળે એ માટે રાજ્યમાં સ્વતંત્ર આર્થિક વિકાસ મહામંડળની સ્થાપના કરવાની માગણી અમે ઘણા સમયથી કરતા હતા. આ માટે રાજ્યના દરેક પક્ષના વિધાનસભ્યોની સહમતી પણ મેળવવામાં આવી હતી. રાજ્યના ૧૬૦ વિધાનસભ્ય અને ૨૮ સંસદસભ્યોએ આ બાબતે ભલામણ-પત્ર અમને સોંપ્યા હતા. રાજ્ય સરકારે આખરે અમારી માગણી મંજૂર કરીને સ્વતંત્ર આર્થિક વિકાસ મહામંડળની સ્થાપના કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી જૈન સમાજનો સર્વાંગી વિકાસ થશે. જૈન સમાજમાં ૩૦ ટકા પરિવાર આર્થિક રીતે સક્ષમ નથી તેમને આ મહામંડળથી સૌથી વધુ ફાયદો થશે. અમે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, સંસદસભ્ય ધૈર્યશીલ પાટીલ, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, ઉદ્યોગપ્રધાન ઉદય સામંત, કૌશલ્ય વિકાસપ્રધાન મંગલ પ્રભાત લોઢા સહિતના તમામનો આભાર માનીએ છીએ.’

mumbai news mumbai jain community eknath shinde devendra fadnavis maharashtra news