03 September, 2026 08:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મનોજ જરાંગે
મરાઠા અનામત અને કુણબી જાતિ પ્રમાણપત્રની માગણી સાથે મનોજ જરાંગે પાટીલના આમરણ ઉપવાસ પાંચમા દિવસે પ્રવેશતાં મહારાષ્ટ્ર સરકારે વલણ સ્પષ્ટ કરી મધ્યસ્થીના પ્રયાસો તેજ કર્યા હતા. કૅબિનેટ પ્રધાનો રાધાકૃષ્ણ વિખે પાટીલ અને ઉદય સામંતે સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે જાલના જિલ્લા કલેક્ટરે રૂબરૂ મળીને કુણબી પ્રમાણપત્રો વિશેનો સરકારી ડ્રાફ્ટ જરાંગેને સોંપ્યો છે.
હૈદરાબાદ ગૅઝેટના આધારે અત્યાર સુધીમાં ૩૫૦૦થી વધુ પ્રમાણપત્રો આપવામાં આવ્યાં છે અને પ્રક્રિયા પર દેખરેખ માટે દરેક જિલ્લામાં નોડલ ઑફિસર નીમવામાં આવશે. અનામત આંદોલન દરમ્યાન નોંધાયેલા ૯૦ ટકા કેસ પાછા ખેંચી લેવાયા છે અને મૃતકોના પરિવારોને આર્થિક સહાય તથા સરકારી નોકરીઓ આપવાની પ્રક્રિયા પ્રગતિમાં છે. સરકારે મનોજ જરાંગે પાટીલને ઉપવાસ ખતમ કરી સકારાત્મક સંવાદ હાથ ધરવા વિનંતી કરી છે.
આટલી સ્પષ્ટતા છતાં મનોજ જરાંગેએ ગઈ કાલે પાણી પીધું પણ હજી ઉપવાસ ચાલુ રાખ્યા છે. તેમણે કહ્યું હતું કે મરાઠાઓની બધી જ માગણીઓ સ્વીકાર્ય બને અને એ બાબતે ગવર્નમેન્ટ રેઝોલ્યુશન બહાર પડશે ત્યારે જ તેઓ આંદોલન પાછું ખેંચશે.