મુંબઈ કૂચ તો થશે જ : મનોજ જરાંગેએ જાહેર કર્યો નિર્ધાર

11 September, 2026 12:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૩ વર્ષ સુધી એકનાથ શિંદેનું બહુ સન્માન કર્યું; હવે તે સમાજની નહીં પણ પાર્ટીની ભાષા બોલે છે એમ કહીને તેમના પરના પ્રહારોને વાજબી ઠેરવ્યા

મનોજ જરાંગે

ભૂખહડતાળના તેરમા દિવસે ગુરુવારે મરાઠા અનામત માટેના ચળવળકાર મનોજ જરાંગેએ પોતાની મુંબઈ કૂચની યોજના યથાવત્ રહેશે એવો નિર્ધાર વ્યક્ત કર્યો હતો તથા એની તારીખ પછીથી જાહેર કરવામાં આવશે એમ જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પર પોતે કરેલા શાબ્દિક પ્રહારોને પણ યોગ્ય ઠેરવ્યા હતા અને એનું કારણ પણ સ્પષ્ટ કર્યું હતું.
પોતાના આગામી યોજના વિશે વાત કરતાં મનોજ જરાંગેએ મીડિયાને કહ્યું હતું કે ‘હું ચોક્કસ મુંબઈ જવાનો છું. ૧૨ સપ્ટેમ્બરે અમે અંતરવાલી સરાટીમાં એકઠા થઈએ ત્યાર બાદ મુંબઈ કૂચ ક્યારે અને કઈ રીતે કરવી એ નક્કી કરવામાં આવશે. પહેલાં અમે જોઈશું કે કુણબી સર્ટિફિકેટ આપવા માટેના કૅમ્પ કઈ રીતે યોજવામાં આવે છે અને ત્યારે કેવી પરિસ્થિતિ છે એ જોઈને આગળની યોજના બનાવવામાં આવશે.’

ઉલ્લેખનીય છે કે ૧૨ સપ્ટેમ્બરે મનોજ જરાંગેએ પુણે, નાશિક, શિર્ડી સહિત આખા મહારાષ્ટ્રના મરાઠા સમાજને જાલનામાં અંતરવાલી સરાટીમાં આવવાનું આહ્‌વાન કર્યું છે.

બુધવારે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને એક જ ફટકામાં પતાવી દેવા જેવું વિવાદાસ્પદ નિવેદન આપનારા મનોજ જરાંગેએ કહ્યું હતું કે ‘છેલ્લાં ૩ વર્ષથી હું એકનાથ શિંદે વિશે ખૂબ જ સન્માનપૂર્વક વાત કરતો હતો. જોકે હવે તે પાર્ટીના પક્ષમાં બોલી રહ્યા છે, સમાજના પક્ષમાં નહીં. હું મારો અવાજ હંમેશાં સમાજ માટે ઉઠાવીશ, કોઈ રાજકીય પક્ષ માટે નહીં.’ 

મનોજ જરાંગેએ મરાઠા ક્વોટા સબ-કમિટીના ચૅરમૅન તથા રાજ્યના પ્રધાન રાધાકૃષ્ણ વિખે પાટીલ પર સમાજને મીઠી વાતો કરીને અને ફક્ત આશ્વાસનો આપીને છેતર્યો હોવાનો આરોપ પણ મૂક્યો હતો. 

કાયદાના પાલન સિવાય નહીં મળે કુણબી પ્રમાણપત્ર : જાલનાનાં કલેક્ટર

જાલનાનાં કલેક્ટર અશિમા મિત્તલે જણાવ્યું હતું કે ‘કુણબી જાતિ પ્રમાણપત્ર મેળવવા માટે કાયદાના નિયમોનું પાલન કરવું, વંશાવલી પુરવાર કરવી તથા જરૂરી દસ્તાવેજો અને પુરાવા આપવા જરૂરી છે. અશિમા મિત્તલે જરાંગેના સ્વાસ્થ્ય વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘તેમની મેડિકલ ટ્રીટમેન્ટ ચાલી રહી છે અને ૨૪ કલાક સરકારી મેડિકલ ટીમ ત્યાં તહેનાત હોય છે. બુધવારે તેમને ૮ સલાઇન ચડાવવામાં આવ્યા હતા.’ 
અશિમા મિત્તલે પણ મનોજ જરાંગેને ભૂખહડતાળ પાછી ખેંચવાની વિનંતી કરી હતી. આંદોલનના ૧૩ દિવસ થઈ ગયા છે અને હજી વધુ લોકો આંદોલન માટે ગામમાં આવવાની શક્યતા છે જેને કારણે મનોજ જરાંગે ઉપવાસમાં બેઠા છે એ જગ્યાએ આવેલી ગર્લ્સ સ્કૂલની વિદ્યાર્થીઓને અડચણ થાય છે એવું કારણ પણ તેમણે આપ્યું હતું.

mumbai news mumbai maharashtra news maharashtra manoj jarange patil maharashtra government