દુબઈથી હાથ લાગ્યો ડ્રગ્સની જબરદસ્ત સિન્ડિકેટનો સૂત્રધાર

24 October, 2025 08:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વૈભવી લાઇફ-સ્ટાઇલ જીવતા તથા કાર્સ અને લક્ઝરી વૉચિસના શોખીન મોહમ્મદ સલીમ મોહમ્મદ સુહૈલ શેખ ઉર્ફે લૅવિશ માટે ઇન્ટરપોલે રેડ કૉર્નર નોટિસ બહાર પાડી એને પગલે દુબઈની તપાસ-એજન્સીએ તેને ઝડપી લીધો, ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ જઈને તેને તાબામાં લીધો

લૅવિશ (બુરખામાં) સાથે તેને દુબઈથી લઈ આવનારી ક્રાઇમ બ્રાન્ચની ટીમ.

મુંબઈ પોલીસે ફેબ્રુઆરી ૨૦૨૪માં સાંતાક્રુઝ-ચેમ્બુર ​લિન્ક રોડ પરથી ૬૪૧ ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ સાથે પરવીનબાનો ગુલામ શેખની ધરપકડ કરી હતી અને એક પછી એક ધરપકડ કરતાં બહુ જ મોટી ઇન્ટરનૅશનલ સિન્ડિકેટનો પર્દાફાશ થયો હતો. આ જ તપાસમાં આગળ જતાં સાંગલીમાં MD ડ્રગની ફૅક્ટરી પર છાપો મારીને ત્યાંથી ૨૫૨ કરોડ રૂપિયાનું MD ડ્રગ જપ્ત કરવામાં આવ્યું હતું. એ કેસમાં એ ફૅક્ટરી સહિત અનેક જગ્યાએ ડ્રગ્સ બનાવતા અને આખા દેશમાં ડ્રગ્સની સપ્લાય કરતા મોહમ્મદ સલીમ મોહમ્મદ સુહૈલ શેખને દુબઈ પોલીસે ઝડપી લીધા બાદ ભારતીય એજન્સીઓ તેમનો સંપર્ક કરીને બુધવારે તેને ભારત લઈ આવી હતી. આમ આ સિન્ડિકેટનું મોટું માથું ઝડપાયું છે. આ કેસમાં અત્યાર સુધીમાં ૧૪ જણની ધરપકડ કરવામાં આવી હતી જે હવે ૧૫ પર પહોંચી છે.

મોહમ્મદ સલીમ મોહમ્મદ સુહૈલ શેખ વૈભવી લાઇફ-સ્ટાઇલ ઉપરાંત મોંઘાં કપડાં, મોંઘી કાર્સ અને લક્ઝરી વૉચિસનો શોખીન હોવાથી ઇન્ટરનૅશનલ ડ્રગ​ સિન્ડિકેટમાં લૅવિશના નામે ઓળખાતો હતો.

લૅવિશ વિશે વધુ માહિતી આપતાં ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (ડિટેક્શન વન)ના વિશાલ ઠાકુરે કહ્યું હતું કે ‘લૅવિશ ઇન્ટરનૅશનલ ડ્રગ સિન્ડિકેટનો મેમ્બર હતો અને વિદેશથી ઑપરેટ કરતો હતો. મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ અને તેલંગણ સહિત દેશભરમાં ડ્રગ્સ બનાવતી ફૅક્ટરીઓ ઊભી કરવામાં અને ત્યાર બાદ એનું વેચાણ કરવામાં તેની મુખ્ય ભૂમિકા રહેતી. સાંગલીમાં જે ફૅક્ટરી પર દરોડો પાડીને કાર્યવાહી કરવામાં આવી એમાં ૨૫૨ કરોડ રૂપિયાનું MD ડ્રગ પકડાયું એ કેસમાં લૅવિશ મુખ્ય આરોપી હતો. દુબઈમાં બેઠાં-બેઠાં એ ડ્રગ બનાવવા માટે જોઈતું રૉ મટીરિયલ મેળવવું, એમાંથી ડ્રગ બનાવવું અને પછી ફૅક્ટરીઓમાં ડ્રગ બનાવી એની સપ્લાય કરીને ડિસ્ટ્રિબ્યુટ કરવાની ચેઇન સંભાળવી એમ આખા ઑપરેશનને તે અંજામ આપતો હતો. લૅવિશ સલીમ ડોલાની ઇન્ટરનૅશનલ ડ્રગ સિન્ડિકેટનો મહત્ત્વનો સભ્ય હતો. ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં આ પહેલાં સલીમ ડોલાના દીકરા તાહિર અને સલીમા ડોલાના ભત્રીજા મુસ્તફા સલીમ કુબ્બાવાલાની ઑલરેડી ધરપકડ કરી હતી. લૅવિશ સામે ઇન્ટરપોલે રેડ કૉર્નર નોટિસ બહાર પાડી હતી. એના આધારે દુબઈ પોલીસે તેની ધરપકડ કરી હતી. ત્યાર બાદ ક્રાઇમ બ્રાન્ચ યુનિટ ૭ના ઘાટકોપરના ઑફિસરે દુબઈ જઈને તેનો તાબો લીધો હતો અને બુધવારે તેને ભારત લઈ આવ્યા હતા. તેને કોર્ટમાં હાજર કરતાં કોર્ટે ૩૦ ઑક્ટોબર સુધીની પોલીસ-કસ્ટડી આપી હતી. સલીમ ડોલાની સામે પણ રેડ કૉર્નર નોટિસ કાઢવામાં આવી છે.’

mumbai news mumbai mumbai police maharashtra news maharashtra Crime News mumbai crime news dubai mumbai crime branch