સીટ-બેલ્ટ ન પહેરવા બદલ મળેલાં ચલાન પરથી એક વર્ષ પછી પોલીસે મૅન્ગલોરથી પકડી પાડ્યો ઠગને

19 October, 2025 08:11 AM IST  |  Mumbai | Samiullah Khan

સાંતાક્રુઝની હોટેલનો ઑપરેશન્સ મૅનેજર ૧.૨૩ કરોડ રૂપિયા લઈને નાસી ગયો હતો, પણ...

દિનાથ શેટ્ટી

સાંતાક્રુઝ પોલીસ ઝીણવટભરી તપાસ કરીને અને ધીરજ રાખીને એક વર્ષ પહેલાં ૧.૨૩ કરોડ રૂપિયાની છેતરપિંડી કરીને નાસી ગયેલા હોટેલના ઑપરેશન્સ મૅનેજર દિનાથ શેટ્ટીને છેક મૅન્ગલોરથી પકડી લાવી છે. 

મુંબઈમાં રેસ્ટોરાંની ચેઇન ધરાવતા કંપનીના ડિરેક્ટરે તેમના જ ઑપરેશન્સ મૅનેજર સામે સાંતાક્રુઝ પોલીસ-સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ કરી હતી. એમાં ઑપરેશન્સ મૅનેજરે ૧.૨૩ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું જણાવ્યું હતું. ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે ૨૦૧૭માં દિનાથ શેટ્ટી તેમની બોરીવલીની નવી રેસ્ટોરાંમાં કૅશિયર તરીકે જોડાયો હતો. જોકે ટૂંક સમયમાં જ તેણે અકાઉન્ટિંગ સ્કિલ અને આવડતથી માલિકનો વિશ્વાસ પ્રાપ્ત કરી લીધો હતો. ત્યાર બાદ પ્રગતિ કરતાં તેને સાંતાક્રુઝ, બોરીવલી, લોઅર પરેલ, મુલુંડ અને મીરા રોડની રેસ્ટોરાંની જવાબદારી સોંપવામાં આવી હતી. તે ડેઇલી કૅશ, બૅન્ક-ડિપોઝિટ, ભાડાનું પેમેન્ટ, વેન્ડર્સને કરવામાં આવતું પેમેન્ટ અને સ્ટાફનો પગાર હૅન્ડલ કરતો હતો. 

સમય જતાં તે કંપનીના હિસાબમાંથી ધીમે-ધીમે પૈસા સેરવવા માંડ્યો હતો. ૨૦૨૪ની શરૂઆતમાં હિસાબમાં ગરબડ જોવા મળી હતી. સ્ટાફનો પગાર ડિલે થવા માંડ્યો હતો અને કૅશ પણ ઓછી આવી રહી હતી. એથી જ્યારે તેને એ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે ભાડું, વેન્ડર્સને આપવામાં આવતું પેમેન્ટ અને ઍડ્વાન્સમાં ભરવામાં આવતો ટૅક્સ ચૂકવ્યો હોવાનું કહીને વાત વાળવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ માટે તેની પાસે ડૉક્યુમેન્ટ્સ કે રસીદો માગવામાં આવી ત્યારે તેણે ગલ્લાંતલ્લાં કરવા માંડ્યાં હતાં એટલું જ નહીં, મૅનેજમેન્ટ અને માલિકો સાથે મીટિંગ કરવાનું પણ બંધ કરી દીધું હતું અને તેમના ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું અને પછી ગાયબ થઈ ગયો હતો.  

ઑડિટ રિપોર્ટમાં જણાઈ આવ્યું હતું કે તેણે ૧.૨૩ કરોડ રૂપિયા સેરવી લીધા હતા જે તેણે પોતાના પર્સનલ અકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા અને થર્ડ પાર્ટી ટ્રાન્ઝૅક્શન્સ પણ કર્યાં હતાં. 
સાંતાક્રુઝ પોલીસ-સ્ટેશનના એક ઑફિસરે આ વિશે વધુ માહિતી આપતાં કહ્યું હતું કે ‘પૈસા સેરવી લીધા બાદ દિનાથ શેટ્ટીએ તેના સહકર્મીઓને ઉદ્દેશીને ઇન્સ્ટાગ્રામ પર લાગણીસભર પોસ્ટ લખીને કહ્યું હતું કે તે બહુ જ ડિપ્રેશનમાં છે અને આત્મહત્યાનો વિચાર કરી રહ્યો છે. એથી તેનો કૉન્ટૅક્ટ કરવાનો સહકર્મચારીઓ અને માલિકોએ પ્રયાસ કર્યો હતો, પણ તેનો મોબાઇલ સ્વિચ્ડ-ઑફ આવતો હતો. તેણે પોતાનું સોશ્યલ મીડિયા અકાઉન્ટ પણ ડિલીટ કરી દીધું હતું અને ગાયબ થઈ ગયો હતો.’

એ પછી આ કેસની તપાસ કરી રહેલા સાંતાક્રુઝ પોલીસ-સ્ટેશનના ઇન્સ્પેક્ટર શરદ જાધવે દિનાથ શેટ્ટીની વિગતો એકઠી કરવાનું શરૂ કર્યું હતું. તેના CIBIL રેકૉર્ડ્સ અને બૅન્ક-લોનની ડીટેલ્સ ચેક કરતાં તેણે ઘણીબધી લોન લીધી હોવાનું જણાઈ આવ્યું​ હતું. એમાં કારલોનનો પણ સમાવેશ હતો. એ પછી કારનો રજિસ્ટ્રેશન-નંબર મેળવવામાં આવ્યો. વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે એ રજિસ્ટ્રેશન-નંબરની કાર સામે સીટ-બેલ્ટ ન પહેરવા બદલ ઘણાંબધાં ઈ-ચલાન ઇશ્યુ થયાં હતાં અને એ બધાં જ મૅન્ગલોરથી ઇશ્યુ કરવામાં આવ્યાં હતાં. એથી તે મૅન્ગલોરમાં હોવાનું જણાઈ આવ્યું હતું. એથી અહીંની પોલીસની ટીમ મૅન્ગલોર ગઈ હતી અને બે દિવસ સુધી સ્થાનિક પોલીસ સાથે મળીને તેની શોધ ચલાવીને આખરે દિનાથ શેટ્ટીને ઝડપી લેવાયો હતો. તેને ૧૫ ઑક્ટોબરે મુંબઈ લાવીને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો.

mumbai news mumbai santacruz mumbai police maharashtra news maharashtra Crime News mumbai crime news