12 May, 2025 08:54 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
બાંદરા-ઈસ્ટમાં ૩૭૦ હેક્ટરમાં ફેલાયેલા બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC) મુંબઈનું બિઝનેસ અને આર્થિક સેન્ટર બની ગયું છે. BKCમાં મોટા પ્રમાણમાં ઑફિસો બની રહી છે અને અહીં દરરોજ લાખોની સંખ્યામાં લોકો બસ, કાર અને ઑટોમાં અવરજવર કરે છે એને કારણે ટ્રાફિક-જૅમની સમસ્યા પણ થઈ રહી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)એ ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા માટેના પ્રયાસ હાથ ધર્યા છે.
MMRDAની એક ટીમે BKC માટે વિસ્તૃત ટ્રાફિક-વ્યવસ્થાપન કરવા માટેની યોજના બનાવી છે. એમાં અત્યારના રસ્તાઓને પહોળા કરવા, અમુક રસ્તાને વન-વે કરવા, સાઇકલ-ટ્રૅકને રસ્તામાં રૂપાંતર કરવો વગેરે મુખ્ય છે. આ યોજનાને મંજૂરી આપી દેવામાં આવી છે અને એ તાત્કાલિક ધોરણે અમલમાં મૂકવામાં આવશે.
અંધેરીના ગોખલે બ્રિજનો બીજી તરફનો રસ્તો ખુલ્લો મુકાયો
અંધેરી ઈસ્ટ અને વેસ્ટને જોડતા અંધેરી રેલવે-સ્ટેશન નજીક આવેલા ગોપાલકૃષ્ણ ગોખલે બ્રિજનું બાકી રહેલું કામ પૂરું થયું છે એટલે ગઈ કાલે અંધેરી ઈસ્ટથી વેસ્ટ તરફ જવાનો રસ્તો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સંસદસભ્ય રવીન્દ્ર વાયકર, સ્થાનિક વિધાનસભ્યો મુરજી પટેલ અને અમિત સાટમની સાથે રાજ્યના કૅબિનેટ પ્રધાન આશિષ શેલારે રિબન કાપીને રસ્તાનું લોકાર્પણ કર્યું હતું. તસવીર ઃ આશિષ રાજે