પુણે રેપ-મર્ડર કેસ: દેવેન્દ્ર ફડણવીસને ફોન પર આકરા સવાલ કર્યા વીફરેલા ગ્રામજનોએ

03 May, 2026 09:46 AM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

આરોપી પર આ પહેલાં પણ વિનયભંગ અને POCSO હેઠળ ગુના નોંધાયા હતા, જેલમાંથી ૨૦૧૯માં બહાર આવ્યો હતો : નરસાપુરમાં સ્વયંભૂ બંધ પળાયો

નરાધમ આરોપી અને બીજી તસવીરમાં આરોપીને સોંપી દેવાની માગણી કરી રહેલા ગ્રામવાસીની વાત સુનેત્રા પવારે દેવેન્દ્ર ફડણવીસ સાથે ડાયરેક્ટ સ્પીકર-ફોન પર કરાવી હતી.

પુણે જિલ્લાના ભોર તાલુકાના નસરાપુરમાં સાડાત્રણ વર્ષની બાળકીના રેપ-મર્ડરથી લોકોમાં જબરદસ્ત આક્રોશ, ૬૫ વર્ષના આરોપીને અમને સોંપી દો એવી ગ્રામજનોની માગણી :  આરોપી પર આ પહેલાં પણ વિનયભંગ અને POCSO હેઠળ ગુના નોંધાયા હતા, જેલમાંથી ૨૦૧૯માં બહાર આવ્યો હતો : નરસાપુરમાં સ્વયંભૂ બંધ પળાયો

ગામમાં પહોંચેલાં સુનેત્રા પવારે સ્પીકર ઑન કરીને ડાયરેક્ટ મુખ્ય પ્રધાન સાથે વાત કરાવી લોકોની : ચીફ મિનિસ્ટરે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાનું આશ્વાસન આપ્યું ત્યારે લોકોએ સવાલ કર્યો કે આરોપી આવા કેસમાં પહેલાં પણ પકડાયો હતો ત્યારે કેમ છોડી મુકાયો? ત્યારે તમારી કોર્ટ ક્યાં ગઈ હતી? આવો નરાધમ બહાર આવીને છૂટો ફરે અને બાળકી પર બળાત્કાર કરીને તેની હત્યા કરી નાખે આખરે એ કઈ રીતે ચલાવી લેવાય

પુણે જિલ્લાના ભોર તાલુકાના નસરાપુરમાં સાડાત્રણ વર્ષની એક બાળકી પર બળાત્કાર કરીને તેની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાથી સમગ્ર પુણે જિલ્લો હચમચી ગયો છે અને ગ્રામજનોમાં ભારે રોષ છે. બાળકી શુક્રવારે બપોરે ૩ વાગ્યે રામ મંદિર વિસ્તારમાંથી ગુમ થઈ ગઈ હતી. તે ઘરે પાછી ન ફરતાં તેના પરિવારજનો અને ગ્રામજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમ્યાન જ્યારે ગામના CCTV કૅમેરાનાં ફુટેજ તપાસવામાં આવ્યાં ત્યારે આરોપી બાળકીને ઢોરના ગમાણ તરફ લઈ જતો જોવા મળ્યો હતો એનાથી શંકા વધી હતી. ગ્રામજનોએ સતર્ક થઈને આરોપીને બાણેશ્વર ફાટા વિસ્તારમાંથી પકડી પાડ્યો હતો. શરૂઆતમાં તેણે ઉડાઉ જવાબ આપ્યા હતા, પરંતુ પોલીસે સઘન પૂછપરછ કરતાં તેણે ગુનો કબૂલી લીધો હતો અને બાળકીની લાશ ક્યાં છુપાવી હતી એ સ્થળ દેખાડ્યું હતું. આરોપીએ આપેલી માહિતી મુજબ પોલીસ અને ગ્રામજનોએ ગમાણમાં ગાયના છાણના ઢગલા નીચે છુપાવેલો બાળકીનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેને ૬ મે સુધીની પોલીસ-કસ્ટડી આપી છે. મળતી માહિતી મુજબ વેકેશનમાં દાદીને ત્યાં રહેવા આવેલી બાળકીને વાછરડું બતાવવાના બહાને ૬૫ વર્ષનો આરોપી ગમાણમાં લઈ ગયો હતો અને તેના પર અત્યાચાર કર્યો હતો. એ પછી આરોપીએ બાળકીની હત્યા કરીને તેના મૃતદેહને ગાયના છાણ નીચે દાટી દીધો હતો. 

સુનેત્રા પવારે ગુસ્સે ભરાયેલા ગ્રામવાસીઓની વાત ડાયરેક્ટ દેવેન્દ્ર ફડણવીસ સાથે સ્પીકર-ફોન પર કરાવી

આ ઘટના જાણવા મળતાં નસરાપુરમાં ભારે તંગદિલી ફેલાઈ ગઈ હતી. ગુસ્સે ભરાયેલા લોકોએ આરોપીને સોંપી દેવાની માગણી કરીને પોલીસ-સ્ટેશનને ઘેરી લીધું હતું. તેમનું કહેવું હતું કે જ્યાં સુધી આરોપીની સોંપણી નહીં થાય ત્યાં સુધી બાળકીના અંતિમ સંસ્કાર નહીં કરવામાં આવે. આ ઘટનાના વિરોધમાં ગુસ્સે ભરાયેલા લોકોએ બૅન્ગલોર-મુંબઈ હાઇવે પર રસ્તા રોકો કરી વિરોધ-પ્રદર્શન કર્યું હતું. ગઈ કાલે નસરાપુરમાં કડક બંધ પાળવામાં આવ્યો હતો. મામલો તંગ બની જતાં રાજ્યનાં નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવાર ગઈ કાલે નરસાપુર ગયાં હતાં. તેમણે સ્થાનિક લોકોની વાત ડાયરેક્ટ સ્પીકર-ફોન પર મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે કરાવી હતી. લોકોએ માગણી કરી હતી કે નરાધમ આરોપીને અમને સોંપી દેવામાં આવે અને બાળકીનાં મમ્મી-પપ્પા સામે જ આરોપીને મારી નાખવામાં આવે. જોકે દેવેન્દ્ર ફડણવીસે તેમને કહ્યું હતું કે ‘તમારો ગુસ્સો હું સમજી શકું છું, હું તમારી સાથે જ છું પણ કાયદાકીય રીતે કોર્ટમાં કેસ ચલાવવો પડે. અમે ફાસ્ટ ટ્રૅક કોર્ટમાં કેસ ચલાવીશું અને તેને ફાંસીની સજા માટે રજૂઆત કરીશું.’ 

એક તબક્કે રહેવાસીઓ અને સ્થાનિક લોકોનું કહેવું હતું કે ગૃહપ્રધાન અમિત શાહ સુધી આ કેસની વિગતો પહોંચાડવામાં આવે અને આરોપીને વહેલી તકે સજા આપવાની રજૂઆત થાય. એ પછી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે અમે ફાસ્ટ ટ્રૅક કોર્ટમાં કેસ વહેલો ચલાવવાની રજૂઆત કરીશું ત્યારે રહેવાસીઓએ પ્રશ્ન પૂછ્યો હતો કે જ્યારે આરોપી આવા કેસમાં પહેલાં પકડાયો હતો ત્યારે તેને કેમ છોડી મૂકવામાં આવ્યો? ત્યારે તમારી કોર્ટ ક્યાં ગઈ હતી? આવો નરાધમ જેલમાંથી બહાર આવીને છૂટો ફરે અને બાળકી પર બળાત્કાર કરીને તેની હત્યા કરી નાખે એ કઈ રાતે ચલાવી લેવાય? દેવેન્દ્ર ફડણવીસે તેમને આશ્વાસન આપતાં કહ્યું હતું કે અમે ૧૫ દિવસમાં જ આ કેસ ફાસ્ટ ટ્રૅક કોર્ટમાં ચલાવવાની રજૂઆત કરીશું અને વહેલી તકે ફાંસીની સજા આપવા માટે રજૂઆત કરીશું.

ભોર કેસ પર પુણે પોલીસે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી 

પુણે રૂરલના સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ સંદીપ સિંહ ગિલે મીડિયાને કહ્યું હતું કે ‘નસરાપુરમાં ગઈ કાલે એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી. સાડાત્રણ વર્ષની બાળકી પર બળાત્કાર થયો છે. આ ઘટના સાંજે ૪ વાગ્યે બની હતી. ત્યાર બાદ સાંજે ૫.૧૫ વાગ્યે પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. અમે તાત્કાલિક તેની શોધખોળ શરૂ કરી અને દોઢ કલાકમાં આરોપીની ધરપકડ કરી હતી, પરંતુ કમનસીબે ત્યાં સુધીમાં બળાત્કાર કરીને બાળકીની હત્યા થઈ ચૂકી હતી. આરોપીની ધરપકડ કર્યા પછી અમારી પૂછપરછ ચાલુ છે. આરોપી સામે પહેલાંથી જ ગુના નોંધાયા છે. ૧૯૯૮માં તેણે છેડતીનો ગુનો કર્યો હતો. ત્યાર બાદ ૨૦૧૫માં તેની સામે પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO) ઍક્ટ અને છેડતીનો કેસ નોંધાયો હતો અને ૨૦૧૯માં તેને છોડી મૂકવામાં આવ્યો હતો. આરોપીની માનસિકતા આવી છે. ૬૫ વર્ષનો આરોપી આ વિસ્તારમાં મજૂરીકામ કરતો હતો.’

પુણે-બૅન્ગલોર રોડ પર કલાકો સુધી રસ્તારોકો આંદોલન, ૩ કલાક સુધી રસ્તો રોકાયા બાદ પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો, હળવો લાઠીચાર્જ કર્યો, કેટલાક આંદોલનકારીઓને તાબામાં લેવાયા

દેવેન્દ્ર ફડણવીસ પોતે આવીને કઠોર સજાની ખાતરી આપે એવી માગણી

નસરાપુરની બાળકી પર બળાત્કાર અને હત્યાની અરેરાટીભરી ઘટનાના આરોપીને લોકોને જ સોંપી દેવામાં આવે એવી માગણી સાથે ગઈ કાલે પુણે-બૅન્ગલોર હાઇવે પર પુણેના વડગાવ બ્રિજ પાસે કલાકો સુધી રસ્તારોકો આંદોલન કરીને બન્ને તરફનો ટ્રાફિક જૅમ કરી દેવામાં આવ્યો હતો. પ્રદર્શનકારીઓ દ્વારા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ ત્યાં જાતે આવે અને તે નરાધમ આરોપીને કઠોર શિક્ષા આપશે એવી ખાતરી આપે એવી માગણી કરવામાં આવી હતી. ઉશ્કેરાયેલા લોકોએ જોરદાર નારાબાજી કરી હતી. પરિસ્થિતિ તંગ બની જતાં મોટી સંખ્યામાં પોલીસ તહેનાત કરવામાં આવી હતી. મોટરિસ્ટોને અન્ય ઑલ્ટરનેટિવ રૂટ લેવાની ભલામણ ટ્રાફિક-પોલીસ દ્વારા કરવામાં આવી હતી. 

ગઈ કાલે સાંજે વિરોધ-પ્રદર્શન ચાલુ થયું હતું. બન્ને તરફનો ટ્રાફિક રોકી દેવામાં આવ્યો હતો એટલે એકની પાછળ એક વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી. ભારે પોલીસ-બંદોબસ્ત હતો અને આંદોલનકારીઓને વિનંતી કરવામાં આવી હોવા છતાં તેઓ મચક નહોતા આપી રહ્યા એટલે વધારાની પોલીસ-ટુકડીઓ બોલાવવામાં આવી હતી. ત્યાર બાદ આંદોલકારીઓને પકડી-પકડીને પોલીસવૅનમાં લઈ જવામાં આવતાં લોકો ઉશ્કેરાયા હતા અને પોલીસ સાથે ઝપાઝપી કરતાં પોલીસે હળવો લાઠીચાર્જ કરવા પડ્યો હતો. રાતે ૧૦ વાગ્યા બાદ પોલીસે ઍક્શન લઈને લોકોને વિખેર્યા બાદ ધીમે-ધીમે બન્ને તરફનો ટ્રાફિક ચાલુ થઈ શક્યો હતો. 

આરોપીને ફાંસી અપાવવાની માગણી કરીશું ઃ દેવેન્દ્ર ફડણવીસ

ભોરની આ ઘટના બાબતે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘પુણે જિલ્લાની આ ઘટના અત્યંત નિંદનીય છે. સાડાત્રણ વર્ષની બાળકી પર ૬૫ વર્ષના નરાધમે અત્યાચાર કરીને તેની હત્યા કરી છે. આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીના પહેલાંના પણ આવા જૂના કેસ છે. આ ઘટનાને કારણે સમાજમાં બહુ રોષ ફેલાયો છે. દરેક જણને બાળકી અને તેના પરિવાર બદલ અરેરાટીની લાગણી થઈ રહી છે. આરોપીની ધરપકડ થઈ છે પણ હું તમને ખાતરી આપું છું કે ફાસ્ટ ટ્રૅક કોર્ટમાં અમે આ પ્રકરણ લઈ જઈશું. અમે કોર્ટને વિનંતી કરીને વિશેષ સરકારી વકીલ આપીને નરાધમને ફાંસી થવી જોઈએ એવી માગણી કરીશું.’     

ચાકણમાં યુવાને મજૂરની દીકરીને રહેંસી નાખી 

ભોરના નસરાપુરનો જાતીય હુમલો અને હત્યાનો મામલો તાજો છે ત્યારે ચાકણના મહાળુંગે- સાઉથ પોલીસ-સ્ટેશનની હદમાં એક ચોંકાવનારી ઘટના બની છે જ્યાં ત્રણ વર્ષની બાળકી પર જાતીય હુમલો થયો અને તેનું ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. મહાળુંગે પોલીસે આ કૃત્ય કરવા બદલ મૂળ બિહારના ૧૬ વર્ષના છોકરાની ધરપકડ કરી છે. બાળકીનો પરિવાર મૂળ મધ્ય પ્રદેશનો છે અને મજૂરીકામ માટે ચાકણમાં રહેતો હતો. પોલીસ વધુ તપાસ કરી રહી છે.

mumbai news mumbai pune news pune sexual crime Protection of Children from Sexual Offences Act POCSO sunetra pawar devendra fadnavis maharashtra government maharashtra news maharashtra Crime News crime branch