સૈફની ઘટનાનું પુનરાવર્તન મુંબઈની બીજી સોસાયટીમાં પણ થઈ શકે છે

22 January, 2025 11:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એનું કારણ છે મુંબઈમાં લાઇસન્સ વગર કાર્યરત ૧૨૦૦ સિક્યૉરિટી એજન્સીઓના બે લાખ કર્મચારીઓઃ આમાંની સંખ્યાબંધ એજન્સીઓ પાસે તેમના કર્મચારીઓની માહિતી જ નથી

સૈફ અલી ખાન, કરીના કપૂર

સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસીને હુમલો કરનારા બંગલાદેશથી ભારતમાં ગેરકાયદે પ્રવેશ કરનારા શરીફુલ ફકીરને મુંબઈની એક હાઉસકીપિંગ કંપનીએ કોઈ પણ પ્રકારના ડૉક્યુમેન્ટ્સ તપાસ્યા વિના કામ પર રાખ્યો હોવાનું પોલીસની તપાસમાં જણાયું છે. આ કેસ પરથી જણાઈ આવે છે કે મુંબઈ સહિત આસપાસના વિસ્તારમાં સિક્યૉરિટી ગાર્ડ પૂરા પાડતી કેટલીક કંપનીઓમાં બહારથી આવનારા લોકો ઓછા પગારે કામ કરવા તૈયાર હોય છે એટલે આ કંપનીઓ તેમની કોઈ પણ જાતની તપાસ કર્યા વિના કામ પર રાખે છે, જે જોખમી બની શકે છે. મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માં સિક્યૉરિટી ગાર્ડ પૂરા પાડતી લાઇસન્સ ધરાવતી ૧૫૦૦ કંપનીઓ છે, જેની સાથે ૬ લાખ સિક્યૉરિટી ગાર્ડ સંકળાયેલા છે. જોકે આની સાથે લાઇસન્સ લીધા વિના કામકાજ કરતી ૧૨૦૦ સિક્યૉરિટી એજન્સી પણ છે જેના બે લાખ ગાર્ડ હાઉસિંગ સોસાયટી કે પ્રાઇવેટ ઑફિસમાં તહેનાત કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે.

સૈફના ઘરમાં હુમલો કરવાના કેસની તપાસમાં જણાઈ આવ્યું છે કે આરોપી શરીફુલ ફકીરને વરલીની એક પબમાં એક હાઉસકીપિંગ એજન્સીએ સાફસફાઈનું કામ કરવા માટે મોકલ્યો હતો. જોકે શરીફુલ ફકીરે આ પબમાં ચોરી કરતાં તેને કાઢી મૂકવામાં આવ્યો હતો. આ વાતની જાણ હોવા છતાં હાઉસકીપિંગ એજન્સીએ શરીફુલને બીજી જગ્યાએ કામ પર લગાવ્યો હતો. આ ખૂબ જ જોખમી છે. સિક્યૉરિટી એજન્સી જ નહીં, હાઉસકીપિંગ તેમ જ સ્ટાફ પૂરી પાડતી કોઈ પણ એજન્સીઓએ પોલીસ વેરિફિકેશન કરાવવું ફરજિયાત હોવા છતાં એનું પાલન કરવામાં નથી આવતું.
મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચના એક અધિકારીના જણાવ્યા મુજબ મુંબઈ અને આસપાસમાં કામ મળી રહે છે એટલે મોટી સંખ્યામાં ઉત્તર અને દક્ષિણ ભારતનાં રાજ્યોના મધ્યમ કે નીચલા વર્ગના  અશિક્ષિત લોકો અહીં આવે છે. તેઓ વૉચમૅન, બૉડીગાર્ડ, પેન્ટ્રી સ્ટાફ, ડ્રાઇવર, હાઉસ-હેલ્પ, ડિલિવરી એજન્ટ, સેલ્સમૅન તરીકે કામકાજ કરે છે. આમાંના મોટા ભાગના લોકોની માહિતી તેઓ જ્યાં કામ કરે છે તેમની પાસે નથી હોતી. એને લીધે ઘણી વખત મુશ્કેલી સર્જાય છે. આ ગંભીર બાબત છે એટલે એના પર ધ્યાન આપવું જરૂરી છે.

mumbai news mumbai saif ali khan Crime News mumbai crime news mumbai police