07 September, 2026 10:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિશાખા રાઉત
મહારાષ્ટ્ર રાજ્યના અર્બન ડેવલપમેન્ટ (UD) ડિપાર્ટમેન્ટે શુક્રવારે મોડી રાત્રે શિવસેના (UBT)નાં વરિષ્ઠ નેતા અને મુંબઈનાં ભૂતપૂર્વ મેયર વિશાખા રાઉતને અયોગ્ય જાહેર કર્યાં હતાં અને તેમને આગામી ૬ વર્ષ સુધી કૉર્પોરેટર બનવા પર પ્રતિબંધ મૂક્યો હતો. સ્ક્રૂટિની કમિટી દ્વારા ગયા મહિને તેમનું કાસ્ટ સર્ટિફિકેટ રદ કરવામાં આવ્યા બાદ હવે UD ડિપાર્ટમેન્ટે આ પગલું લીધું છે.
આ અગાઉ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ રાજ્ય સરકારને ગૅઝેટ નોટિફિકેશન જાહેર કરીને વિશાખા રાઉતને અયોગ્ય ઠેરવવા વિનંતી કરી હતી. એને પડકારતી વિશાખા રાઉતની અરજી બુધવારે બૉમ્બે હાઈ કોર્ટે ફગાવી દીધી હતી.
દાદરના વૉર્ડ ૧૯૧નું પ્રતિનિધિત્વ કરતાં વિશાખા રાઉતે આ કાર્યવાહીને રાજકીય બદલાખોરી ગણાવી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે શિંદે જૂથમાં જોડાવાનો ઇનકાર કરીને શિવસેના (UBT)માં જ ટકી રહેવા બદલ તેમને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે.