✕

લોકો ૨૦૨૭ની ૩૧ માર્ચ સુધીમાં કરી શકશે અંધેરીથી બાંદરા મેટ્રોમાં પ્રવાસ

16 November, 2026 08:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૮ નવેમ્બર સુધીમાં છેલ્લા ત્રણ ગર્ડર બેસાડવાનું કામ પૂરું થઈ જશે

પ્રતીકાત્મક તસવીર

અંધેરી અને બાંદરા વચ્ચેની મેટ્રો લાઇનમાં છેલ્લા ત્રણ ગર્ડર બેસાડવાનું કામ ૧૮ નવેમ્બર સુધીમાં પૂરું થઈ જશે એવી શક્યતા હોવાથી આવતા વર્ષે ૩૧ માર્ચ સુધીમાં આ લાઇન લોકોના ઉપયોગ માટે ખુલ્લી મૂકી દેવામાં આવે એવું માનવામાં આવી રહ્યું છે. મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA) દ્વારા જુહુ સર્કલ નજીકના ESIC મેટ્રો સ્ટેશન પર છેલ્લા ત્રણ ગર્ડર બેસાડવાનું કામ ૧૮ નવેમ્બર સુધી પૂરું કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

સંપૂર્ણ બાંધકામ પતાવ્યા બાદ ૨૦૨૭ની ૩૧ માર્ચ સુધીમાં અંધેરી વેસ્ટ-સારસ્વતનગરનો મેટ્રોનો ૭.૫૩ કિલોમીટર સુધીનો રૂટ શરૂ થઈ જશે એવી અપેક્ષા છે.

ઉલ્લેખનીય છે કે હાલ મેટ્રો-2Aનો દહિસરથી અંધેરીના DN નગર સુધીનો ૧૮.૬ કિલોમીટરનો રૂટ તથા મેટ્રો-2Bનો મંડાળેથી ચેમ્બુર સુધીનો લગભગ ૬ કિલોમીટરનો રૂટ શરૂ છે. દહિસરથી અંધેરી સુધીના રૂટમાં કુલ ૧૭ સ્ટેશનો છે, જ્યારે મંડાળે-ચેમ્બુર મેટ્રો ૬ સ્ટેશનો કવર કરે છે. હવે અંધેરી (વેસ્ટ)થી સારસ્વતનગરનો ૭.૫૩ કિલોમીટરનો રૂટ તથા સારસ્વતનગરથી ચેમ્બુર સુધીનો ૧૮.૮૩ કિલોમીટરનો રૂટ શરૂ થવાનો બાકી છે. જોકે સારસ્વત નગરથી ચેમ્બુર સુધીનો રૂટ ૨૦૨૮ પહેલાં શરૂ થાય એવાં કોઈ એંધાણ નથી. 

mumbai news mumbai andheri bandra mumbai metro