રાજ્યમાં ફક્ત ૪૫ ડ્રગ-ઇન્સ્પેક્ટર, દર ૩૦ લાખ લોકો સામે માત્ર એક જ ડ્રગ-ઇન્સ્પેક્ટર

21 October, 2025 07:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

FDAનું કહેવું છે કે હવે રાજ્ય સરકારે ખાલી રહેલાં ડ્રગ-ઇન્સ્પેક્ટરોનાં પદ ભરવાની પ્રોસેસ ચાલુ કરી છે.

પ્રતીકાત્મક તસવીર

રાજ્યમાં અનેક ફાર્માસ્યુટિકલ કંપનીઓ આવેલી છે, પણ એ સામે હાલ માત્ર ૪૫ ડ્રગ-ઇન્સ્પેક્ટર જ તેમની મેડિસિન, ડ્રગ્સ અને કૉસ્મેટિક્સની ચકાસણી કરે છે. હાલ રાજ્યની વસ્તી ૧૩ કરોડ છે એ જોતાં દર ૩૦ લાખ લોકો સામે માત્ર એક ડ્રગ-ઇન્સ્પેક્ટર છે. ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA) અંતર્ગત કુલ ૨૦૦ ડ્રગ-ઇન્સ્પેક્ટરનાં પદ છે, પણ વર્ષોથી તેમાનાં ૧૫૫ પદ ખાલી પડ્યાં છે. ફકત ૪૫ ડ્રગ-ઇન્સ્પેક્ટર જ આખા રાજ્યમાં ડ્રગનું ઇન્સ્પેક્શન કરે છે જેના કારણે તેમના પર કામનું સખત દબાણ પણ રહે છે. હાલમાં કફ સિરપના પ્રકરણ બાદ તેમના પર ચેકિંગનું દબાણ વધુ આવી રહ્યું છે. 

FDAના જ એક ઑફિસરે કહ્યું હતું કે ‘ડ્રગ-ઇન્સ્પેક્ટરની સંખ્યા ઓછી તો છે જ, પણ એ ઉપરાંત તેમને જોઈતી માળખાગત સુવિધાઓનો પણ અભાવ છે. એની અસર તેમના કામ પર પડે છે. અનેક ઇન્સ્પેક્ટરો પાસે ચેકિંગ-કિટ, નમૂના લેવાનાં સાધનો કે પછી નિયમિત ફીલ્ડ-ચેકિંગ પર જવા માટે વાહનો નથી. એથી ઘણી જગ્યાએ તો એ ચેકિંગ પણ માત્ર ઔપચારિક અને બહુ જ માર્યાદિત થતું હોય છે.’

FDAનું કહેવું છે કે હવે રાજ્ય સરકારે ખાલી રહેલાં ડ્રગ-ઇન્સ્પેક્ટરોનાં પદ ભરવાની પ્રોસેસ ચાલુ કરી છે. સિલેક્શન-પ્રોસેસ મહારાષ્ટ્ર લોક સેવા આયોગ દ્વારા કરવામાં આવશે. 

mumbai news mumbai food and drug administration mumbai police maharashtra news maharashtra