ઘરમાંથી ૬૫ ઇંચનું ટીવી ચોર બિન્દાસ લઈ ગયા તો પણ સોસાયટીમાં કોઈને ખબર ન પડી

15 October, 2021 12:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નાલાસોપારામાં ચોર ગુજરાતી વેપારીએ બીજી દુકાન લેવા માટે રાખેલા પૈસા અને દાગીના મળીને ૮ લાખ રૂપિયા લઈ ગયા

જે બિલ્ડિંગમાં ૮ લાખની ચોરી થઈ એ મીત એપાર્ટમેન્ટ

નાલાસોપારા-ઈસ્ટના સેન્ટ્રલ પાર્ક વિસ્તારમાં રહેતા ગુજરાતી વેપારીના ઘરમાંથી મંગળવારે બપોરે દાગીના અને રોકડ મળીને આઠ લાખ રૂપિયાની ચોરી થઈ હતી. એમાં ઘરમાં રાખેલું ૬૫ ઇંચનું ટીવી પણ ચોર બિન્દાસ લઈ ગયા હતા. ગુજરાતી વેપારીએ બીજી દુકાન ખોલવા માટે રાખેલા દોઢ લાખ રૂપિયા પર પણ ચોર હાથ સાફ કરી જવાથી હવે વેપારીએ બીજા પાસે પૈસા ઉધાર લેવા પડશે.

સેન્ટ્રલ પાર્ક વિસ્તારમાં આવેલા મીત અપાર્ટમેન્ટમાં રહેતા ભરત રાઠોડ પોતે નોકરી કરે છે અને તેમની પત્ની શીતલ મજેડિયા પાર્ક વિસ્તારમાં કેકની દુકાન ચલાવે છે. મંગળવારે સવારે ભરતભાઈ કામે ગયા પછી બપોરે એક વાગ્યે તેમની પત્ની શીતલ પણ કેકની દુકાન પર ગઈ હતી. સાંજના શીતલ ઘરે પાછી ફરી ત્યારે મેઇન ડોરની કડી તૂટેલી જોવા મળી હતી. અંદર જઈને જોતાં હૉલમાં રાખેલું ટીવી ગાયબ હતું. તરત તેણે કબાટનું લૉકર તપાસ્યું તો એમાં રાખેલી રોકડ અને સોનું પણ ચોરી થઈ ગયાં હતાં. એ પછી તેણે તુળીંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ચોરી અંગે વાત કરતાં ભરતભાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા બિલ્ડિગમાં જે કેક શૉપ છે એ બિલ્ડિંગ જર્જરિત થઈ જવાથી અમારે બીજા વિસ્તારમાં દુકાન શિફ્ટ કરવી પડે એમ હતી. એ માટે અમે કેટલાંક વર્ષથી જમા કરેલા દોઢ લાખ રૂપિયા રાખ્યા હતા જે ચોર ચોરી કરીને લઈ ગયા હતા. હવે અમારે દુકાન તો શિફ્ટ કરવી જ પડશે એટલે એ માટે બીજા પાસે પૈસા ઉધાર માગવા પડશે. એટલું જ નહીં, અમે છેલ્લાં કેટલાંક વર્ષોથી ધીરે-ધીરે કરીને જે દાગીના બનાવ્યા હતા એના પર પણ ચોર હાથ સાફ કરી ગયા હતા. આવા કપરા સમયમાં કોઈ પાસે પૈસા પણ કેવી રીતે માગવા એ અમારા માટે એક પ્રશ્ન છે.’

તુળીંજ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર કાંબળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે હાઉસબ્રેકિંગની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. સોસાયટીમાં લગાવેલા સીસીટીવી કૅમેરાનાં ફુટેજના આધારે અમે તપાસ કરી રહ્યા છીએ.’

mumbai news mumbai nalasopara Crime News mumbai crime news