મરીન ડ્રાઇવના સાગર સામે મુંબઈગરાનો મહાસાગર

05 July, 2024 01:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ડિયા... ઇન્ડિયા...ના નારા સાથે ત્રણ લાખ લોકો ​વિક્ટરી પરેડ જોવા પહોંચ્યા : વરસતા વરસાદમાં રેઇનકોટ પહેરીને અને છત્રી લઈને પણ ઊભા રહ્યા : ઢોલ-નગારાંના અવાજ સાથે ઉજવણીનો જબરદસ્ત માહોલ જોવા મળ્યો

મુંબઈ પોલીસની પોસ્ટ

વેસ્ટ ઇન્ડીઝના બાર્બેડોઝમાં T20 વર્લ્ડ કપ ટીમ ઇન્ડિયાએ શનિવારે જીત્યો હતો, પણ એ ટીમ ગઈ કાલે ભારત પાછી ફરી હતી. ગઈ કાલે તેમના સન્માનમાં મુંબઈમાં વિક્ટરી પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓપન ડેક બસમાં નરીમાન પૉઇન્ટના નૅશનલ સેન્ટર ફૉર પર્ફોર્મિંગ આર્ટ્સ (NCPA)થી વાનખેડે સ્ટેડિયમ સુધીની આ પરેડ જોવા અંદાજે ત્રણ લાખ મુંબઈગરા મરીન ડ્રાઇવ પહોંચી ગયા હતા. લોકોનો ઉત્સાહ સમાતો નહોતો. અખૂટ ઉત્સાહ, ભરપૂર એનર્જી અને આનંદના માહોલમાં મુંબઈનો જનસાગર હિલોળા લઈ રહ્યો હતો. બપોરથી​ જ એક અંદાજ પ્રમાણે ત્રણ લાખ મુંબઈગરા મરીન ડ્રાઇવ પહોંચ્યા હતા. વચ્ચે-વચ્ચે વરસાદનાં ઝાપટાં પડતાં હતાં. લોકો વરસતા વરસાદમાં રેઇનકોટ પહેરીને અને છત્રી લઈને પણ ઊભા રહ્યા હતા. અનેક લોકો તો વરસાદને માણી રહ્યા હતા. ઢોલ-નગારાં અને પિપૂડીના કાન ફાડી નાખે એવા અવાજ સાથે ઉજવણીનો જબરદસ્ત માહોલ જોવા મળ્યો હતો.

મુંબઈગરાએ સંવેદનશીલતા બતાવી : ઍમ્બ્યુલન્સ ૧૭ સેકન્ડમાં ભીડ વચ્ચેથી સડસડાટ નીકળી ગઈ

વિક્ટરી પરેડના રૂટ પર પગ મૂકવાની જગ્યા નહોતી અને હૈયે હૈયું દળાય એટલી ભીડ હતી. એ વખતે એક ઍમ્બ્યુલન્સ દરદીને લઈને ત્યાંથી નીકળી હતી. ​વિજયના ઉન્માદમાં ઘેલા થયેલા મુંબઈગરાએ આવા વખતે પણ તેની સંવેદનશીલતાનો પરિચય કરાવ્યો હતો. જેમ-જેમ ઍમ્બ્યુલન્સ સાયરન વગાડતી આગળ જતી હતી એમ તરત જ લોકો સાઇડ આપી દેતા હતા. ઍમ્બ્યુલન્સ ત્યાંથી માત્ર ૧૭ સેકન્ડમાં જ સડસડાટ નીકળી ગઈ હતી. મુંબઈના પોલીસ-કમિશનરે મુંબઈગરાના આ ​સ્પિ​રિટને વધાવી લીધો હતો અને એ બદલ તરત જ સોશ્યલ મી​ડિયામાં મુંબઈ પોલીસના હૅન્ડલ પર ઍમ્બ્યુલન્સ સાથેનો ફોટો પોસ્ટ કરીને થૅન્ક યુ કહ્યું હતું.

મુખ્ય પ્રધાને પોલીસ-કમિશનરને ફોન કરીને ભીડ પર કાબૂ મેળવવા જણાવ્યું

T20 વર્લ્ડ કપ જીત્યા એની વિક્ટરી પરેડમાં હજારોની સંખ્યામાં લોકો આવ્યા હોવાથી ભીડ બહુ જ વધી ગઈ હતી. ઘણી જગ્યાએ ભીડને કાબૂમાં લેવા પોલીસે લોકોને ધક્કા મારવા પડ્યા હતા. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ એથી મુંબઈના પોલીસ-કમિશનર વિવેક ફણસળકરને ફોન કરીને ભીડને કાબૂમાં લેવાની સૂચના આપી હતી. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે હું ​વિજયી થઈને આવી રહેલી ટીમ ઇન્ડિયાનું સ્વાગત કરું છું, એની સાથે આ ​ગિરદીને કારણે ટ્રાફિક ખોરવાય નહીં તેમ જ ક્રિકેટપ્રેમીઓને પણ અગવડ ન પડે એ માટે મુંબઈ પોલીસ અને સંબં​ધિત એજન્સીઓએ ધ્યાન આપવું. એ માટે ઉપાય યોજવા તેમણે વિવેક ફણસળકરને ફોન કરીને જણાવ્યું હતું. બે દિવસ પહેલાં જ ઉત્તર પ્રદેશના હાથરસમાં સત્સંગમાં નાસભાગ મચતાં ૧૨૧ લોકોનાં મોત થયાં હોવાની ઘટના તાજી જ હોવાથી એવી કોઈ દુર્ઘટના ન બને એ માટે પોલીસને ખાસ ધ્યાન રાખવા કહેવામાં આવ્યું હતું.

જ્યાં હુરિયો બોલાવાયો હતો એ જ સ્ટેડિયમમાં હાર્દિકનો જયજયકાર

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમે રોહિત શર્માને બદલે હાર્દિક પંડ્યાને કૅપ્ટન બનાવ્યો હતો. કૅપ્ટન બન્યા બાદ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં હાર્દિક પંડ્યા રમવા આવતો હતો ત્યારે લોકોએ તેનો હુરિયો બોલાવ્યો હતો. T20 વર્લ્ડ કપ જીતવામાં હાર્દિક પંડ્યાની મહત્ત્વની ભૂમિકા રહી હતી. ગઈ કાલે મુંબઈમાં વિજયોત્સવ આયોજિત કરવામાં આવ્યો ત્યારે મુંબઈકરો વાનખેડે સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. તેમણે હાર્દિક પંડ્યાનો જયજયકાર કર્યો હતો. તેઓ હાર્દિક... હાર્દિકનો સૂત્રોચ્ચાર કરતા હોવાનો વિડિયો વાઇરલ થયો હતો.

mumbai news mumbai indian cricket team marine drive wankhede mumbai police