✕

બૉલીવુડમાં માત્ર એક ટાઇગર છે અને એ છે સલમાન સર

25 October, 2026 02:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૨૨માં ટાઇગર શ્રોફે કરેલી સલમાન ખાનની આવી પ્રશંસાને લીધે તેના પર થયો અટૅક, પકડાયેલા આરોપીઓએ પૂછપરછમાં કરી કબૂલાત

ટાઇગર શ્રોફ , સલમાન ખાન

ટાઇગર શ્રોફ પર થયેલા ફાયરિંગના કેસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. મુંબઈ પોલીસની તપાસ દરમ્યાન પકડાયેલા સગીર આરોપીએ પૂછપરછમાં જણાવ્યું કે ૨૦૨૨માં ફિલ્મ ‘હીરોપંતી 2’ના પ્રમોશન દરમ્યાન ટાઇગર શ્રોફે સલમાન ખાનની પ્રશંસા કરતાં કહ્યું હતું કે ઇન્ડસ્ટ્રીમાં માત્ર એક જ ટાઇગર છે અને તે સલમાનસર છે, બાકી હું તો માત્ર બિલાડી છું. લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગના વૉન્ટેડ સાથીદાર અનિલ પંડિતના કહેવાથી આ નિવેદનનો બદલો લેવા માટે ગૅન્ગ દ્વારા ટાઇગર શ્રોફને ટાર્ગેટ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. રાજસ્થાનના કોટાથી પકડાયેલા ૩ આરોપીઓ અને સગીરની પૂછપરછના આધારે મુંબઈ પોલીસ આ દિશામાં વધુ તપાસ કરી રહી છે.

સુરતમાં બે પિસ્ટલ અને ૧૦ કારતૂસ મળ્યાં, અગિયારમા આરોપીની ઇન્દોરથી ધરપકડ
ટાઇગર શ્રોફ પર થયેલા હુમલાના કેસમાં મુંબઈની ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મેળવતાં તપાસ વધુ તેજ બનાવી છે. પોલીસટીમે ગુજરાતના સુરતમાંથી બે પિસ્ટલ અને ૧૦ જીવંત કારતૂસ જપ્ત કર્યાં છે, જેનો ઉપયોગ ટાઇગરની કાર પર ગોળીબાર કરવા માટે થયો હોવાની પ્રબળ શંકા છે. આ ઉપરાંત શુક્રવારે ગુપ્ત સ્થળો પર કરાયેલી દરોડાની કાર્યવાહી અને હુમલાખોરોની સપ્લાય-ચેઇનની કડીઓ જોડતાં ક્રાઇમ બ્રાન્ચ ઇન્દોર સુધી પહોંચી હતી, જ્યાંથી એક શંકાસ્પદ યુવાનની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આ ધરપકડ સાથે આ કેસમાં આરોપીઓની સંખ્યા ૧૧ થઈ ગઈ છે.

ન્યુઝ-કવરેજ દ્વારા હૅન્ડલર્સે શૂટર્સને આપ્યાં હતાં રિયલ-ટાઇમ અપડેટ્સ
બૉલીવુડના અભિનેતા ટાઇગર શ્રોફ પર ૧૮ ઑક્ટોબરે થયેલા ફાયરિંગના કેસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર ઘટના પછી નાસી છૂટેલા ત્રણેય શૂટર્સને તેમના હૅન્ડલર્સ ન્યુઝ-ચૅનલોના પ્રસારણ દ્વારા પોલીસ-તપાસનાં 
રિયલ-ટાઇમ અપડેટ્સ મોકલી રહ્યા હતા. આ માહિતીના આધારે શૂટર્સ તેમના ભાગી છૂટવાના રસ્તાઓ વારંવાર બદલી રહ્યા હતા. મીડિયા-રિપોર્ટ્‌સમાં હુમલાખોરોના ચહેરા અને બાઇક મળવાના અહેવાલો પ્રસારિત થતાં જ હેન્ડલર્સે તેમને તાત્કાલિક સ્થળ છોડી દેવાની સૂચના આપી હતી, જેથી તેઓ પોલીસની પકડથી બચી શકે.

mumbai mumbai news lawrence bishnoi tiger shroff Salman Khan mumbai police