16 February, 2026 11:59 AM IST | Pune | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે પુણેમાં કૉન્ગ્રેસ ભવનની બહાર હર્ષવર્ધન સપકાળના પોસ્ટરને જોડા ફટકારતા BJPના કાર્યકરો
છત્રપતિ શિવાજી મહારાજ વિશે વાંધાજનક ટિપ્પણી કરવા બદલ અને તેમની સરખામણી ટીપુ સુલતાન સાથે કરવા બદલ પુણે પોલીસે મહારાષ્ટ્ર કૉન્ગ્રેસના પ્રદેશપ્રમુખ હર્ષવર્ધન સપકાળ વિરુદ્ધ પાર્વતી પોલીસ-સ્ટેશનમાં કેસ નોંધ્યો છે. ભારતીય જનતા પાર્ટીના પુણેના પ્રમુખ ધીરજ ઘાટેની ફરિયાદ બાદ પોલીસે આ કાર્યવાહી કરી છે.
માલેગાવનાં ડેપ્યુટી મેયર નિહાલ અહમદની ઑફિસમાં ટીપુ સુલતાનની તસવીર લગાવવામાં આવ્યા બાદ શિવસૈનિકોને એની જાણ થતાં તેમણે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. એ વખતે હર્ષવર્ધન સપકાળે ટીપુ સુલતાનની સરખામણી છત્રપતિ શિવાજી મહારાજ સાથે કરી હતી. ધીરજ ઘાટેએ કહ્યું હતું કે ‘મને સમજાતું નથી કે જેનાથી અમારી ભાવનાઓને ઠેસ પહોંચે છે એવું નિવેદન આપીને હર્ષવર્ધન સપકાળ કયો મુદ્દો સાબિત કરવા માગે છે? આ જ કારણ છે કે અમે તેમની વિરુદ્ધ પાર્વતી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.’
માલેગાવ મ્યુનિસિપલ કૉર્પોરેશનનાં ડેપ્યુટી મેયર નિહાલ અહમદના કાર્યાલયમાં પ્રદર્શિત ટીપુ સુલતાનની તસવીરના વિવાદ પર પત્રકારો સાથે વાત કરતાં હર્ષવર્ધન સપકાળે કહ્યું હતું કે ‘છત્રપતિ શિવાજી મહારાજનું જે પ્રકારનું શૌર્ય હતું, તેમણે જે સ્વરાજ્યનો વિચાર આપ્યો એ જ રીતે તેમના પછી ઘણાં વર્ષો બાદ ટીપુ સુલતાન અંગ્રેજો સામે લડ્યા હતા. એ અર્થમાં ટીપુ સુલતાન શૌર્ય ગજવનારા યોદ્ધા થઈ ગયા, ભારતના ભૂમિપુત્ર થઈ ગયા. તેમણે ક્યારેય કોઈ પણ વિરોધી ઝેરી વિચારોને ગણકાર્યા નહીં. એથી શૌર્યનું લક્ષણ જોતાં આપણે ટીપુ સુલતાનને શિવાજી મહારાજની સમકક્ષ જોવા જોઈએ.’
જોકે ભારે વિવાદ અને વિરોધ થતાં માલેગાવનાં ડેપ્યુટી મેયર નિહાલ અહમદે ટીપુ સુલતાનની એ તસવીર તેમની ઑફિસમાંથી ઉતારી લીધી હતી.
કૉન્ગ્રેસના મહારાષ્ટ્રના પ્રમુખ હર્ષવર્ધન સપકાળ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની ટીપુ સુલતાન સાથે સરખામણી કરવાના નિવેદનનો રવિવારે વિરોધ કરી રહેલા પુણેના ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાર્યકરોની કૉન્ગ્રેસના કાર્યકરો સાથે ઝપાઝપી થઈ હતી. આંદોલન દરમ્યાન પથ્થરમારો થયો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જૉઇન્ટ પોલીસ-કમિશનર રંજનકુમાર શર્માએ પત્રકારોને જણાવ્યું હતું કે ‘ઝપાઝપીમાં કૉન્ગ્રેસના ૩ કાર્યકરો, BJPના બે કાર્યકરો, બે પોલીસ-કર્મચારીઓ અને બે પત્રકારોને સામાન્ય ઈજાઓ થઈ હતી. આ સંદર્ભે બન્ને પક્ષો સામે કેસ નોંધવાની પ્રક્રિયા ચાલુ છે.’
ટીપુ સુલતાનની સરખામણી છત્રપતિ શિવાજી મહારાજ સાથે કરનારા કૉન્ગ્રેસના પ્રદેશપ્રમુખ હર્ષવર્ધન સપકાળની મુશ્કેલી વધવાની શક્યતા છે. એવું જોવા મળી રહ્યું છે કે મરાઠા ઠોક મોરચો હર્ષવર્ધન સપકાળ સામે આક્રમક બન્યો છે. એના દ્વારા હર્ષવર્ધન સપકાળના ચહેરા પર કાળી શ્યાહી લગાવનારને એક લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. મરાઠા ઠોક મોરચાના સોલાપુરના કન્વીનર મહેશ ડોંગરેએ આ જાહેરાત કરી છે. સોલાપુર મરાઠા ઠોક મોરચાએ હર્ષવર્ધન સપકાળની આકરી ટીકા કરી હતી. મહેશ ડોંગરેએ કહ્યું હતું કે હર્ષવર્ધન સપકાળને કારણે કૉન્ગ્રેસનો અંત આવ્યો છે. તેમણે જાહેરાત કરી હતી કે જેકોઈ તેમનું મોઢું કાળું કરશે તેને એક લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. તેમણે ચેતવણી પણ આપી હતી કે મરાઠા સમુદાય હર્ષવર્ધન સપકાળને રસ્તા પર ફરવા દેશે નહીં.