રાણીબાગમાં આ વર્ષે ૬ લાખ પર્યટકો ઘટ્યા

18 May, 2025 08:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાણીબાગની એન્ટ્રી-ફીમાં ૨૦૧૭માં વધારો કરવામાં આવ્યા પછી ઝૂની આવકમાં ધરખમ વધારો થયો હતો. એને લીધે રાણીબાગની વાર્ષિક આવક ૭ કરોડ રૂપિયા થઈ હતી.

પ્રતીકાત્મક તસવીર

ભાયખલામાં આવેલા રાણીબાગ તરીકે ઓળખાતા વીરમાતા જિજાબાઈ ભોસલે વનસ્પતિ અને પ્રાણીસંગ્રહાલયમાં વેકેશન ચાલી રહ્યું હોવા છતાં પર્યટકોની સંખ્યામાં ઘટાડો થયો હોવાનું જાણવા મળ્યું હતું. રાણીબાગના સંચાલકો દ્વારા ૩ વર્ષથી આ ઝૂમાં સિંહ અને ઝીબ્રા લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પણ એમાં સફળતા નથી મળી એટલે પર્યટકોને અહીં નવું કંઈ જોવા કે અનુભવવા નથી મળી રહ્યું એટલે તેમનો રસ ઓછો થયો હોવાનું જાણવા મળ્યું હતું.

રાણીબાગની એન્ટ્રી-ફીમાં ૨૦૧૭માં વધારો કરવામાં આવ્યા પછી ઝૂની આવકમાં ધરખમ વધારો થયો હતો. એને લીધે રાણીબાગની વાર્ષિક આવક ૭ કરોડ રૂપિયા થઈ હતી. જોકે કોરોના મહામારીના લૉકડાઉન બાદ ૨૦૨૨-’૨૩માં મોટી સંખ્યામાં પર્યટકો પહોંચતાં વાર્ષિક આવક ૧૧ કરોડ જેટલી થઈ ગઈ હતી. જોકે આ વર્ષે ગયા વર્ષની સરખામણીએ ૬ લાખ જેટલા ઓછા પર્યટકો રાણીબાગમાં પહોંચવાથી આવકમાં પણ ઘટાડો નોંધાયો છે.

વર્ષ ૨૦૨૨-’૨૩માં ૨૯,૫૬,૫૮૯ પર્યટકો રાણીબાગમાં પહોંચતાં ઝૂની આવક ૧૧,૫૯,૪૭,૦૦૦ રૂપિયા થઈ હતી. આની સામે ૨૦૨૪-’૨૫માં ૨૩,૫૭,૮૩૧ પર્યટકો રાણીબાગમાં ગયા હતા જેમાંથી ઝૂને ૯,૧૮,૭૫,૦૦૦ રૂપિયાની આવક થઈ હતી.

ભાયખલાના ઝૂમાં સિંહ અને ઝીબ્રા જેવાં નવાં પ્રાણીઓ ન આવતાં ઓછા લોકોએ મુલાકાત લીધી

byculla byculla zoo travel travel news mumbai travel brihanmumbai municipal corporation news mumbai mumbai news