રાજ્યમાં હવે પૅકિંગ વગરનું છૂટક તેલ નહીં વેચી શકાય

21 August, 2026 08:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તુકારામ મુંઢેએ છૂટક તેલના નામે બિનઆરોગ્યપ્રદ તેલ વેચતા લોકો પર પસ્તાળ પાડી

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)ના કમિશનર તુકારામ મુંઢેએ ગુરુવારે ગ્રાહકોને છૂટું કે સીલ ન કરેલું ખાદ્ય તેલ ન ખરીદવાની વિનંતી કરી હતી. છૂટક વેચાતા તેલને અસુરક્ષિત ગણાવતાં તેમણે કહ્યું કે ભેળસેળ સહિત નિયમોનાં ઉલ્લંઘનો મળી આવ્યા બાદ છૂટું તેલ ન વેચવા તાત્કાલિક અસરથી આદેશ ઇશ્યુ કર્યો છે.

તુકારામ મુંઢેએ ત્યાર બાદ એ વિશે માહિતી આપતાં પત્રકારોને કહ્યું હતું કે ‘છૂટું કે સીલ ન કરેલું તેલ અસુરક્ષિત છે. એમાં બૅચ-નંબર કે એના સ્રોત વિશે માહિતી હોતી નથી, જેને કારણે એને શોધવામાં અને પગલાં લેવામાં મુશ્કેલી પડે છે. છૂટું ખાદ્ય તેલ ન ખરીદો. જો તમે પૅક્ડ તેલ ખરીદો છો તો લેબલ, ઉત્પાદન અને એક્સપાયરી-ડેટ તપાસો અને ખાતરી કરો કે પૅકેટ યોગ્ય રીતે સીલ થયેલું છે. જૂના અથવા ફરીથી ઉપયોગમાં લેવાતા પૅકેજિંગમાં પૅક કરેલું તેલ ન ખરીદો.’ 
તુકારામ મુંઢેએ જણાવ્યું હતું કે ‘આ આદેશ ખાદ્ય તેલ સાથે કામ કરતા તમામ ખાદ્ય વ્યવસાય સંચાલકોને આવરી લે છે. એમાં તેલ કાઢનારા, સૉલ્વન્ટ એક્સ્ટ્રેક્શન યુનિટ, બ્લેન્ડર્સ, પૅકેજિંગ યુનિટ, ઇમ્પોર્ટર્સ, સુપરમાર્કેટ, ઈ-કૉમર્સ પ્લૅટફૉર્મ અને છૂટક દુકાનોનો સમાવેશ થાય છે.’

તુકારામ મુંઢેએ નોંધ્યું હતું કે મગફળી, સરસવ, સૂર્યમુખી, રાઇસ બ્રૅન, પામ, નારિયેળ અને મકાઈ જેવા તેલને આવરી લેતો આ આદેશ એક જરૂરી પગલું હતો કારણ કે તેલનો વ્યાપકપણે ઉપયોગ થાય છે અને એ ખોરાકનો આવશ્યક ભાગ બને છે. 

કાર્યવાહી
FDAએ નાણાકીય વર્ષ ૨૦૨૫-’૨૬ દરમ્યાન ખાદ્ય તેલના ૧૨૪૭ નમૂના એકઠા કર્યા હતા, જેમાંથી ૧૧૪૨નું ઍનૅ​લિ​સિસ​ કરવામાં આવ્યું હતું. ઇન્સ્પેક્શનમાં ૭૭ હલકી ક્વૉલિટીનાં સૅમ્પલ્સના અને ૧૫ ખોટા બ્રૅન્ડિંગના કેસ મળી આવ્યા હતા. FDAએ વર્ષ દરમ્યાન ૫.૩૧ કરોડ રૂપિયાના મૂલ્યનો ૩.૨૦ લાખ કિલો સ્ટૉક જપ્ત કર્યો હતો.
કાર્યવાહી દરમ્યાન મળેલી ત્રુટિઓ ઇન્સ્પેક્શનમાં ખાદ્ય તેલઉદ્યોગમાં લગભગ ૧૨ પ્રકારનાં ઉલ્લંઘનો જોવા મળ્યાં છે. એમાં લાઇસન્સ વિનાની કામગીરી, ભેળસેળ, હાઈ-ઍસિડિક વૅલ્યુ અને હાઈ ટ્રાન્સ-ફૅટ સ્તરનો સમાવેશ થાય છે.

સ્વાસ્થ્ય માટે ગંભીર બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરાયું 

ગરમી, પ્રકાશ અને હવાના કારણે પણ તેલ ખરાબ થતું હોય છે. એથી લૂઝ તેલ ન વાપરવું. 
ખુલ્લા તેલમાં બીજું હલકી ગુણવત્તાવાળું તેલ મિક્સ કરાય છે જે સ્વાસ્થ્ય માટે જોખમી છે. એનાથી હૃદયરોગનો હુમલો પણ આવી શકે છે. 
તેલના ડબ્બા ફરી-ફરીને વપરાય તો અેમાં લાગેલા કાટને કારણે તેલ ખરાબ થઈ શકે છે જે જોખમી બની શકે.
વારંવાર એક જ તેલમાં તળવાથી અેમાં કેમિકલ રીઅૅક્શન થઈને સ્વાસ્થ્ય માટે હાનિકારક તત્ત્વો તૈયાર થાય છે જેને કારણે કૉલેસ્ટરોલ વધી શકે. ધમનીઓની ઇલૅસ્ટિસિટી ઓછી થાય, હાઈ બ્લડ પ્રેશર, કિડનીના રોગ અને કૅન્સર થવાની પણ શક્યતા છે. 
વપરાયેલું તેલ ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્‌સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ લૉન્ચ કરેલા રીપર્પઝ યુઝ્ડ કુકિંગ ઑઇલ (RUCO) દ્વારા કલેક્ટ કરાય છે અને અેનો ઉપયોગ બાયોડીઝલ અથવા સાબુ બનાવવામાં કરાય છે. 

જો નિયમોનો ભંગ કરતા પકડાયા તો કાયદામાં સજાની શું જોગવાઈ? 
અસુરક્ષિત અન્નના પ્રકરણમાં ૧૦ લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે.
સબસ્ટાન્ડર્ન્ડ તેલ માટે પાંચ લાખ અને ખોટી માહિતી આપવા બદલ ૩ લાખ રૂપિયા સુધીનો દંડ.
ભેળસેળયુક્ત તેલ મળી આવશે તો ૧૦ લાખ રૂપિયા સુધીનો દંડ.
વૅલિડ લાઇસન્સ વગર ધંધો કર્યો તો ૧૦ લાખ રૂપિયા સુધીનો દંડ.
જાહેરાતમાં દિશાભૂલ કરી તો ૧૦ લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે.

ગ્રાહકોએ તેલ ખરીદતી વખતે શું કાળજી રાખવી?
છૂટક તેલ ન ખરીદવું. પૅક્ડ તેલ ખરીદતી વખતે પણ લેબલ, બૅચ, એક્સપાયરી-ડેટ અથવા ‘બેસ્ટ બિફોર’ ચેક કરી લેવા. કન્ટેનર પૅકિંગ સીલ હોય એ ખાસ ચેક કરવું. 
જૂના, કાટ ખાધેલા ટિનના ડબ્બામાં તેલ લેવું નહીં અને પૅક્ડ તેલની ખરીદીનું બિલ ચોક્કસ લો. 
AGMARKનું સિમ્બૉલ ચેક કરી લેવું અને એમાં દર્શાવેલી તેલના ઘટકોની ટકાવારી તપાસવી. ‘સુપર રિફાઇન્ડ’  કે પછી ‘ડબલ-રિફાઇન્ડ’ જેવા દાવાઓ પર વિશ્વાસ કરવો નહીં. 
ઘરમાં પણ તેલ વાપરતી વખતે વારંવાર ઉકાળીને વાપરવાનું ટાળવું.

mumbai news mumbai tukaram mundhe maharashtra government maharashtra news maharashtra food and drink food and drug administration