05 November, 2026 08:38 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તુકારામ મુંઢે (ફાઇલ તસવીર)
મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એ લગ્ન સમારંભોમાં ભોજન વ્યવસ્થા અંગે એક નવો નિર્દેશ જાહેર કર્યો છે. જે વ્યક્તિઓ ઘરે અથવા અન્ય કોઈ સ્થળે લગ્ન-પ્રસંગનું આયોજન કરે છે અને કૅટરિંગની વ્યવસ્થા કરે છે, તેમણે હવે FDA ને જાણ કરવી પડશે. આમાં અપેક્ષિત મહેમાનોની સંખ્યા, પીરસવામાં આવનાર ખાદ્ય પદાર્થો અને કૅટરર્સ વિશેની વિગતો આપવાનો સમાવેશ થાય છે. લગ્ન પ્રસંગોમાં દૂષિત ખોરાકને કારણે થતા `ફૂડ પોઈઝનિંગ`ના બનાવોને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં તુકારામ મુંઢેની FDA કમિશનર તરીકે નિમણૂક થયા બાદ, વિભાગે ખાદ્ય પદાર્થો અને દવાઓની ગુણવત્તા સારી જ હોય તેની ચોકસાઈ રાખવા માટેના પ્રયાસો વધુ ઝડપી અને કડક બનાવ્યા છે. વિભાગ દવાઓના ગેરકાયદેસર વેચાણ અને ખાદ્ય ઉત્પાદનોની ગુણવત્તા પર સક્રિયપણે દેખરેખ રાખી રહ્યો છે. લગ્ન પ્રસંગોમાં કૅટરિંગ અંગેનો આ નવો આદેશ આ નિયમનકારી પગલાંનો જ એક ભાગ છે.
નવા નિયમો હેઠળ, લગ્ન સમારંભોમાં ભોજનની વ્યવસ્થા કરનારા આયોજકોએ FDA ને ચોક્કસ વિગતો આપવી જરૂરી છે. આમાં મહેમાનોની સંખ્યા, મૅનુ (પીરસવામાં આવનાર ખાદ્ય પદાર્થો) અને કૅટરર્સની સંપૂર્ણ વિગતોનો સમાવેશ થાય છે. આ પહેલનો ઉદ્દેશ્ય લગ્ન સમારંભોમાં ફૂડ પોઈઝનિંગના બનાવોને અટકાવવાનો છે.
ઑક્ટોબર ૨૦૨૬માં, FDA એ સમગ્ર રાજ્યમાં કુલ ૧,૯૮૬ નિરીક્ષણો કર્યા, જેના પરિણામે ૫૪૪ નિયમનકારી કાર્યવાહી કરવામાં આવી. દવા ઉત્પાદન એકમોમાં ૨૯૨ નિરીક્ષણો કરવામાં આવ્યા હતા. પરિણામે, ૧૭ ઉત્પાદન લાયસન્સ રદ કરવામાં આવ્યા અને ૫૫ લાયસન્સ સ્થગિત (સસ્પેન્ડ) કરવામાં આવ્યા. આ ઉપરાંત, રિટેલ અને હોલેસલ દવા વિક્રેતામાં ૧,૬૯૪ નિરીક્ષણો કરવામાં આવ્યા, જેના પરિણામે ૧૦૫ લાયસન્સ રદ થયા અને ૩૬૭ લાયસન્સ સ્થગિત કરવામાં આવ્યા. આ સિવાય, ૧૧ સર્ચ અને જપ્તી કામગીરી દરમિયાન આશરે રૂ. ૩૪.૫૧ લાખની કિંમતની ગેરકાયદેસર દવાઓ અને બ્યુટી પ્રોડક્ટ્સને જપ્ત કરવામાં આવ્યા હતા.
એપ્રિલ થી ઑક્ટોબર ૨૦૨૬ની વચ્ચે, FDA એ મહારાષ્ટ્રમાં FDAએ કુલ ૭,૯૫૦ નિરીક્ષણો કર્યા. આ સમયગાળા દરમિયાન, ૫૫૫ લાયસન્સ રદ કરવામાં આવ્યા અને ૨,૦૭૪ લાયસન્સ સ્થગિત કરવામાં આવ્યા. ઑક્ટોબર મહિનામાં કોંકણ વિભાગમાં સૌથી વધુ, એટલે કે ૫૫૬ નિરીક્ષણો (ઓબ્ઝર્વેશન્સ) નોંધાયા હતા. ત્યારબાદ પુણે અને મુંબઇનો નંબર આવે છે. એફડીએ (FDA) કમિશનર તુકારામ મુંઢેએ વિભાગના સૂત્ર `સુરક્ષિત ખોરાક, સુરક્ષિત દવાઓ, સુરક્ષિત મહારાષ્ટ્ર`નો પુનરોચ્ચાર કર્યો છે. વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા અને નવી પ્રણાલી, રાજ્યમાં ખાદ્ય સુરક્ષા અને દવાઓની ગુણવત્તા પર દેખરેખ વધારવાના પ્રયાસોને દર્શાવે છે.