29 November, 2026 11:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
નવી મુંબઈના સાયન-પનવેલ હાઇવે પર આવેલા તુર્ભે રેલવે ઓવરબ્રિજનો થાણેથી વાશી અને મુંબઈ તરફ જતો ભાગ રીકન્સ્ટ્રક્શન માટે પચીસ નવેમ્બરથી ૩૧ માર્ચ સુધી તમામ વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. એને કારણે તુર્ભે થઈને થાણેથી વાશી અને મુંબઈ તરફ દરરોજ મુસાફરી કરતા પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડશે. આ બ્રિજ અત્યંત જર્જરિત થઈ ગયો હોવાથી અને એનું રિપેરિંગ શક્ય ન હોવાથી એને જોખમી જાહેર કરીને તોડી પાડવાની અને નવો બાંધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પચીસ નવેમ્બરથી લાગુ કરાયેલા આ નિયંત્રણને પગલે મુસાફરોએ શિરવણે અને જુઈનગર થઈને વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવો પડશે. એને કારણે ખાસ કરીને પીક અવર્સ દરમ્યાન ટ્રાફિક જૅમ, મુસાફરીનો સમય વધવાની શક્યતા છે. સાયન-પનવેલ હાઇવે પરનો થાણેથી વાશી-મુંબઈ તરફનો આર્મ તોડીને નવો બનાવવામાં આવશે, શિરવણે અને જુઈનગર થઈને લાંબો ચકરાવો લેવો પડશે.