બોગસ પોલીસ બનીને ગરીબ બાળકોના નામે ઘેર-ઘેર જઈને પૈસા પડાવતા બે જણ પકડાયા

20 October, 2025 09:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાંતાક્રુઝના ગુજરાતી સિનિયર સિટિઝને ગૂગલ પેથી ૨૦૦૦ રૂપિયા આપ્યા એને લીધે તરત ઝડપાઈ ગયા

આરોપીઓ દશરથ વ્યાસ, રાધેશ્યામ ચવાણ

સાંતાક્રુઝ-વેસ્ટના એસ. વી. રોડ પર કૅનેરા બૅન્ક નજીક આવેલા દિલખુશ બિલ્ડિંગમાં રહેતા ૬૭ વર્ષના આંનદ જોશીના ઘરે પોલીસના યુનિફૉર્મમાં આવીને મદદના નામે ૨૦૦૦ રૂપિયા પડાવી જનારા ૨૫ વર્ષના દશરથ વ્યાસ અને ૩૮ વર્ષના રાધેશ્યામ ચવાણની સાંતાક્રુઝ પોલીસે શુક્રવારે ધરપકડ કરી હતી. વિલે પાર્લે પોલીસ-સ્ટેશનના અધિકારી હોવાનો દાવો કરીને દિવાળી નિમિત્તે ગરીબ બાળકોને કપડાં અને ખાવાનું આપવાનું છે એમ કહીને બન્ને આરોપીઓ મદદના નામે બુધવારે બપોરે પૈસા લઈ ગયા હતા. જોકે પાછળથી બન્ને બોગસ પોલીસ હોવાની જાણ થતાં આ ઘટનાની પોલીસ-ફરિયાદ થઈ હતી. ત્યાર બાદ ગૂગલ પેથી સ્વીકારેલા પૈસાના આધારે પોલીસે ટેક્નિકલ ટીમની મદદથી આરોપીઓની ધરપકડ કરી હતી.

આનંદ જોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બુધવારે બપોરે ૩ વાગ્યાની આસપાસ બે લોકો પોલીસના યુનિફૉર્મમાં મારા ઘરે આવ્યા હતા. તેમણે પોતાની ઓળખ વિલે પાર્લે પોલીસ-સ્ટેશનના અધિકારી તરીકે આપીને દિવાળી નિમિત્તે ગરીબ બાળકો માટે કપડાં અને ખોરાકની વ્યવસ્થા કરવા અમે મદદ માગવા નીકળ્યા છીએ એમ જણાવીને કહ્યું હતું કે તમારી ઉપર રહેતી એક મહિલાએ પણ ૧૦,૦૦૦ રૂપિયાની મદદ લખાવી છે. પોલીસ આટલું સારું કામ કરતી હોવાથી ખુશી-ખુશી હું તેમને પૈસા આપવા તૈયાર થયો હતો. એ સમયે મારી પાસે રોકડા ન હોવાથી મેં ગૂગલ પેના માધ્યમથી પૈસા લેશો એવું પૂછતાં તેઓ ગૂગલ પેથી પૈસા લેવા તૈયાર થઈ ગયા હતા. એટલે તાત્કાલિક મેં ૨૦૦૦ રૂપિયા તેમને મોકલી આપ્યા હતા. ત્યાર બાદ બન્ને નીકળી ગયા હતા. થોડી વારમાં મારી સોસાયટીમાં રહેતા એક સભ્યે મને ફોન કરીને તે બન્ને બોગસ પોલીસ-અધિકારી હોવાની જાણ કરી હતી. એટલે હું અને સોસાયટીના બીજા લોકો તેમને શોધવા નીકળ્યા હતા. ત્યારે વૉચમૅને કહ્યું હતું કે તે બન્ને લોકો મોટરસાઇકલ પર નીકળી ગયા હતા. અંતે મેં આ ઘટનાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.’

સાંતાક્રુઝ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપીઓએ ગૂગલ પેથી પૈસા સ્વીકાર્યા હોવાથી તેમના સુધી પહોંચવું અમારા માટે બહુ મુશ્કેલ નહોતું. બન્નેની ધરપકડ કરીને વધુ તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓ સામે બીજાં પોલીસ-સ્ટેશનોમાં આવા કેસ છે કે શું એની તપાસ કરવામાં આવી રહી છે.’

mumbai news mumbai santacruz mumbai police maharashtra news maharashtra gujarati community news gujaratis of mumbai