અંધેરીના આગગ્રસ્ત બિલ્ડિંગમાં બે જાંબાઝોએ ૨૦૦+ લોકોના જીવ બચાવ્યા

26 December, 2025 07:28 AM IST  |  Mumbai | Shirish Vaktania

૩૮ ફાયર-એક્સ્ટિંગ્વિશરનો ઉપયોગ કર્યો અને ફાયર-બ્રિગેડ પહોંચે ત્યાં સુધી આગને કાબૂમાં રાખી

સૉરેન્ટો ટાવર, સિક્યૉરિટી ગાર્ડ મીઠુ ઝા (ડાબે) અને સિક્યૉરિટી સુપરવાઇઝર પરવેશ શેખ.

અંધેરીના એક હાઇરાઇઝ બિલ્ડિંગમાં આગની દુર્ઘટનામાં સિક્યૉરિટી ગાર્ડ અને સુપરવાઇઝરની સાવચેતીને લીધે ૨૦૦થી વધુ લોકોના જીવ બચી ગયા હતા. બિલ્ડિંગના રહેવાસીઓએ પણ તેમનો જીવ બચાવવા માટે સિક્યૉરિટી ગાર્ડ્‍સને બિરદાવ્યા હતા.

અંધેરી-વેસ્ટમાં આવેલા સૉરેન્ટો ટાવરમાં ગઈ કાલે વહેલી સવારે આ ઘટના બની હતી. બારમા માળે પૅસેજ-એરિયામાં રહેલા ઇલેક્ટ્રિકલ વાયરિંગમાં ધડાકા સાથે આગ લાગી હતી. એ પછી આગ ડક્ટ-એરિયામાંથી છેક સોળમા માળ સુધી ફેલાઈ હતી. સદ્ભાગ્યે બિલ્ડિંગની ફાયર અલાર્મ-સિસ્ટમ તરત ઍક્ટિવેટ થઈ ગઈ હતી. એને કારણે બિલ્ડિંગના બે સિક્યૉરિટી પર્સન તાત્કાલિક દોડીને બારમા માળે પહોંચ્યા હતા. સિક્યૉરિટી ગાર્ડ મીઠુ ઝા અને સિક્યૉરિટી સુપરવાઇઝર પરવેશ શેખે ફાયર-એક્સ્ટિંગ્વિશરનો ઉપયોગ કરીને આગને કાબૂમાં લેવાના પ્રયાસ શરૂ કરી દીધા હતા. ૩૮ ફાયર-એક્સ્ટિંગ્વિશરથી આગની સામે ઝઝૂમીને ફાયર-બ્રિગેડ પહોંચે ત્યાં સુધી તે બન્નેએ આગને કાબૂમાં રાખી હતી.

પરવેશ શેખે કહ્યું હતું કે ‘સવારે અમે અમારા રૂટીનમાં હતા ત્યારે અચાનક ફાયર-અલાર્મ વાગ્યું હતું. અમે તાત્કાલિક બિલ્ડિંગમાં ઉપરના માળે દોડીને તપાસ કરી તો બારમા માળે આગ લાગી હતી અને એ સોળમા માળ સુધી ફેલાઈ હતી. અમે તાત્કાલિક ફાયર-એક્સ્ટિંગ્વિશરનો ઉપયોગ શરૂ કર્યો. ફાયર-બ્રિગેડ આવી ત્યાં સુધી મોટા ભાગના રહેવાસીઓને સોળમા માળે રેફ્યુજ-એરિયામાં રાખવામાં આવ્યા હતા, જ્યાંથી પછી ફાયર-બ્રિગેડે તેમને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.’

નોંધનીય છે કે આ જ બિલ્ડિંગમાં ઍક્ટર પુષ્કર જોગ પણ રહે છે અને તેમણે પણ સિક્યૉરિટી ગાર્ડ્‍સની બહાદુરી અને મહેનતને બિરદાવી હતી.

mumbai news mumbai andheri mumbai fire brigade fire incident columnists