15 October, 2026 07:11 AM IST | Mumbai | Varsha Chitaliya
બિલ્ડિંગની B વિંગમાં લાગેલી આગ.
નાલાસોપારાની હૃદયદ્રાવક ઘટના, વસઈ-નાલાસોપારા લિન્ક રોડ પર આવેલા ૧૪ માળના ઇમ્પીરિયલ હેરિટેજ બિલ્ડિંગની B વિંગમાં મંગળવારે મોડી રાત્રે લાગેલી ભીષણ આગમાં બે મહિલાનાં કરુણ મૃત્યુ થયાં ઃ ગરબા રમીને ઘરે પાછાં આવેલાં ફાલ્ગુની શાહે ધુમાડામાં ગૂંગળામણથી જીવ ગુમાવ્યો
૧૪મા માળે રહેતા હિતેશ મારુએ બયાન કરી આખી ઘટના ઃ આગ લાગી ત્યારે હિતેશભાઈ નીચે હતા અને તેમનું ફૅમિલી ઘરે હતું: ધુમાડામાં ગૂંગળાઈ રહેલાં મમ્મી, પત્ની અને ૪ વર્ષના દીકરાને ફાયરબ્રિગેડના જવાનો સાથે અણીના સમયે પહોંચીને ઉગારી લીધાં
નાલાસોપારા-વસઈ લિન્ક રોડ પર આવેલા ૧૪ માળના ઇમ્પીરિયલ હેરિટેજ બિલ્ડિંગની B વિંગમાં મંગળવારે મોડી રાતના ભયાનક આગ ફાટી નીકળતાં બે મહિલાનાં કરુણ મૃત્યુ થયાં હતાં અને બારથી વધુ લોકોને ઈજા થઈ છે. વસઈ-વિરાર સિટી મ્યુનિસિપલ કૉર્પોરેશનની ફાયર-ફાઇટિંગ અને ઇમર્જન્સી રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઉપલા માળે ફસાયેલા પચીસથી વધુ લોકોને સુરિક્ષત બહાર કાઢ્યા હતા. કલાકોની જહેમત પછી આગ કાબૂમાં આવી હતી. આ ઘટનામાં પચાસ વર્ષનાં ફાલ્ગુની શાહ અને બીજી મહિલા અશ્વિની પારકરનાં મૃત્યુ થયાં હતાં. ઘાયલોને ઘટનાસ્થળે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. આગ શૉર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું જાણવા મળ્યું છે.
બિલ્ડિંગની B વિંગમાં ૧૪૦૪ નંબરના ફ્લૅટમાં રહેતા હિતેશ મારુએ ‘મિડ-ડેને કહ્યું હતું કે ‘નવરાત્રિને કારણે આખી સોસાયટી નીચે જ હતી. ગરબા પૂરા થતાં મારી વાઇફ, મમ્મી અને ૪ વર્ષનો દીકરો ઘરે ગયાં અને હું નીચે વાતો કરતો ઊભો હતો. લગભગ ૧૧.૩૦ વાગ્યાની આસપાસ મીટરરૂમમાં શૉર્ટ સર્કિટ થયું અને જોતજોતાંમાં આગ નવમા માળથી લઈને છેક ચૌદમા માળ સુધી પ્રસરી ગઈ. ઉપર મારી ફૅમિલી ફસાયેલી હતી અને હું નીચે લાચાર થઈને અંદાજે બે કલાક ઊભો રહ્યો. આગ અને ધુમાડો એટલાં ભયાનક હતાં કે ઉપર જવાનો કોઈ રસ્તો જ નહોતો બચ્યો. ફાયર-સ્ટેશન નજીક જ છે એટલે એમની રેસ્ક્યુ ટીમ આવી ગઈ હતી. હું ગમે એમ કરીને ચૌદમા માળે પહોંચ્યો ત્યારે બારમા માળે રહેતાં ફાલ્ગુનીઆન્ટી (ફાલ્ગુની શાહ)નું શરીર અચેત અવસ્થામાં નીચે ઢળેલું પડ્યું હતું. તેમના શ્વાસ ચાલતા હતા કે નહીં એ સમજવાનો સમય નહોતો. ધુમાડો સતત વધી રહ્યો હોવાથી પહેલાં તેમને ટેરેસ પર પહોંચાડ્યાં. ત્યાર બાદ હિંમત ભેગી કરીને ફાયર-બ્રિગેડના જવાનો સાથે મારા ફ્લૅટ તરફ ધસ્યો. અમે જોર કરીને ઘરનો દરવાજો તોડી નાખ્યો અને ધુમાડામાં ગૂંગળાઈ રહેલી મારી ફૅમિલીને હેમખેમ બહાર કાઢી. જો થોડું પણ મોડું થયું હોત તો આજે મારો પરિવાર પણ કદાચ આ ઘટનાનો ભોગ બની ગયો હોત. ડરી ગયેલી ફૅમિલીને મુંબઈમાં રહેતા સગાને ત્યાં મોકલી દીધી છે.’
નજીકની સોસાયટી નેમિનાથનગરમાં રહેતા અને શાહ પરિવારના જૂના પાડોશી કલ્પેશ શેઠે આ ઘટના વિશે જણાવતાં કહ્યું હતું કે ‘અમે બધા સ્થાનકવાસી જૈન છીએ અને ઝાલાવાડ દર્શન બિલ્ડિંગમાં રહેતા હતા. બે વર્ષ પહેલાં બિલ્ડિંગ રીડેવલપમેન્ટ માટે જતાં અલગ-અલગ સોસાયટીમાં રેન્ટ પર રહેવા જવું પડ્યું. આ ઘટના સમયે હું અને મારી વાઇફ નાઇટ-શોમાં ફિલ્મ જોવા ગયાં હતાં. રાતના બે વાગ્યે ઇમ્પીરિયલ હેરિટેજ બિલ્ડિંગની બહાર પોલીસની વૅન જોઈ અને બૂમાબૂમ સંભળાઈ. નવરાત્રિનો માહોલ હોવાથી બોલાચાલી થઈ હશે એમ લાગ્યું, પરંતુ ઘરે પહોંચતાં જ દીકરાએ જણાવ્યું કે વિક્રમભાઈ (ફાલ્ગુનીબહેનના હસબન્ડ)ના બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી છે એટલે અમે ત્યાં દોડ્યા. તેમનો પરિવાર પહેલાં એ જ સોસાયટીમાં A વિંગમાં પાંચમા માળે રહેતો હતો અને થોડા સમય પહેલાં B વિંગમાં બારમા માળે રહેવા ગયો હતો. હું ત્યાં પહોંચ્યો ત્યારે સ્થિતિ બહુ ભયાનક હતી. ૫૦૦ જેટલા લોકો ભેગા થઈ ગયા હતા અને ભારે અફરાતફરી હતી. વિક્રમભાઈ તો તરત મળી ગયા, પરંતુ તેમનો દીકરો ચૈત્ય દેખાતો નહોતો. થોડી વારમાં ચૈત્ય મળી ગયો પણ ફાલ્ગુનીબહેન ક્યાંય દેખાતાં નહોતાં. વહેલી સવારે ફાયર-બ્રિગેડના જવાનો સ્ટ્રેચર પર બૉડી લઈને નીચે આવ્યા ત્યારે બધાનાં કાળજાં કંપી ગયાં. ધુમાડામાં ગૂંગળાઈને ફાલ્ગુનીબહેન મૃત્યુ પામ્યાં હતાં. તેમના હાથ-પગ દાઝી ગયા હતા. પોતાની નજર સામે પત્નીને ગુમાવી દેવાના આઘાતથી વિક્રમભાઈ હજી બોલવાની સ્થિતિમાં નથી. પોસ્ટમૉર્ટમ બાદ બપોરે ૩.૩૦ વાગ્યાની આસપાસ બૉડી આવ્યું. અચાનક બનેલી આ ઘટનાથી અમારો આખો સમાજ સ્તબ્ધ છે.’
પ્રાથમિક અહેવાલો મુજબ બિલ્ડિંગના ઇલેક્ટ્રિકલ ડક્ટ અથવા પૅનલમાં થયેલા શૉર્ટ સર્કિટને કારણે આગ ફાટી નીકળી હતી. વાયરિંગ ડક્ટ આખા બિલ્ડિંગમાં ઊભી લાઇનમાં હોવાથી આગની જ્વાળાઓ અને ઝેરી ધુમાડો જોતજોતામાં ચૌદમા માળ સુધી પહોંચી ગયાં હતાં. કમનસીબે બારમા માળનો રેફ્યુજ એરિયા (આપત્તિ સમયે આશરો લેવાની જગ્યા) પણ આગની લપેટમાં આવી જતાં ફાલ્ગુનીબહેન સહિત અન્ય રહેવાસીઓ ફસાઈ ગયાં હતાં. ડૉક્ટરોના જણાવ્યા મુજબ ફાલ્ગુનીબહેન દાઝી જવાથી નહીં પણ ફેફસાંમાં ધુમાડો ભરાઈ જતાં બેભાન થઈ ગયાં હતાં અને સારવાર મળે એ પહેલાં જ મૃત્યુ પામ્યાં. વસઈ-વિરારના મ્યુનિસિપલ કમિશનર પૃથ્વીરાજ બી.પી.એ આ ઘટનાને ગંભીરતાથી લઈને બિલ્ડિંગના ફાયર-ઑડિટનો અને સેફ્ટી સિસ્ટમની ફૉરેન્સિક તપાસનો આદેશ આપ્યો છે. જો બિલ્ડિંગની ફાયર-સિસ્ટમમાં ફૉલ્ટ જણાશે તો બિલ્ડર અને સોસાયટીના મૅનેજમેન્ટ સામે કડક કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.