15 September, 2025 07:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર : આશિષ રાજે
એશિયા કપમાં દુબઈમાં ગઈ કાલે રમાયેલી ભારત-પાકિસ્તાન વચ્ચેની મૅચના વિરોધમાં શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)ની મહિલા પાંખ દ્વારા આખા રાજ્યમાં ‘માઝં કુંકૂ, માઝા દેશ’ અભિયાન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં મહિલાઓએ આ અભિયાનમાં ભાગ લીધો હતો. નાશિકમાં આ આંદોલનમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના સહભાગી થઈ હતી. ટીવી ફોડીને તેમણે આંદોલનમાં ભાગ લીધો હતો. આ આંદોલન હેઠળ મહિલાઓએ કંકુની પડીકીઓ અને બંગડીઓ પ્રતીકરૂપે નરેન્દ્ર મોદીને મોકલી હતી. મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત પુણે, નાશિક, કોલ્હાપુર, છત્રપતિ સંભાજીનગરમાં આ અભિયાન મોટા પાયે યોજાયું હતું.
પહલગામ હુમલા બાદ પહેલી વાર ભારત-પાકિસ્તાન વચ્ચે રમાયેલી ક્રિકેટ મૅચનો વિરોધ કરતાં શિવસેના દ્વારા કહેવાયું હતું કે સરકાર દ્વારા કહેવાય છે કે ઑપરેશન સિંદૂર હજી પણ ચાલુ જ છે તો પછી પાકિસ્તાન સાથે મૅચ શા માટે? આમ કહીને આ મુદ્દે શિવસેનાએ આંદોલન કર્યું હતું.
શિવસેના દ્વારા આ આંદોલનની, અભિયાનની હાકલ કરવામાં આવી હોવાથી મોટા પ્રમાણમાં પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. દિલ્હીમાં પણ આંદોલન કરવાનો શિવસેનાનો મનસૂબો હતો, પણ દિલ્હી પોલીસે એ માટે તેમને પરવાનગી આપી નહોતી.
જય શાહનો ભારતીય ટીમ પર દબાવ : સંજય રાઉત
શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતે આરોપ કરતાં કહ્યું હતું કે આપણા કેટલાક ખેલાડીઓ આ મૅચ રમવા તૈયાર નહોતા, પણ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ જય શાહ દ્વારા આ મૅચ રમવા તેમના પર દબાણ કરવામાં આવ્યું હતું.
મુંબઈમાં આંદોલનમાં મહિલાઓએ મોદીને સિંદૂર મોકલ્યું
મુંબઈમાં દાદર ખાતે શિવસેનાની મહિલા પાંખ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. એમાં ક્રિકેટના સ્ટમ્પ્સ પર ચંપલ પહેરાવવામાં આવ્યાં હતાં અને ક્રિકેટના બૉલ પર પણ ‘માઝં કુંકૂ, માઝા દેશ’ લખવામાં આવ્યું હતું. મહિલાઓએ કંકુ (સિંદૂર)ની પડીકીઓ બૉક્સમાં નાખી હતી. જોકે આ આંદોલનમાં મહિલાઓએ જે નારાબાજી કરી હતી એ જોતાં આ પક્ષનો જ પ્રચાર હોવાનું જણાતું હતું. મૅચના વિરોધમાં કે પહલગામ અટૅકના સમર્થનના કોઈ જ નારા તેમની પાસે નહોતા. તેમણે શિવસેના ઝિંદાબાદ; ઝિંદાબાદ ઝિંદાબાદ, શિવસેના ઝિંદાબાદ; ઉદ્ધવ ઠાકરે આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈં; હમસે જો ટકરાએગા, મિટ્ટી મેં મિલ જાએગાના નારા લગાવ્યા હતા.
અમે મૅચ રમનારા ભારતીય ખેલાડીઓનાં મોં કાળાં કરીશું
આ આદોલનમાં ભાગ લેનારા અકોલાના ઉદ્ધવસેનાના નેતા નીતિન દેશમુખે સ્પષ્ટ ચીમકી આપતાં કહ્યું હતું કે ‘BJPનું હિન્દુત્વ હવે હિન્દુત્વ રહ્યું જ નથી. બાળાસાહેબ, ઉદ્ધવસાહેબનું અમારું જ હિન્દુત્વ ખરું છે. ભારતના કરોડો લોકો ક્રિકેટને પ્રેમ કરે છે, ક્રિકેટરોને પ્રેમ કરે છે. અમારું તે ખેલાડીઓને કહેવું છે કે તમે પણ જો પાકિસ્તાન સાથે મૅચ રમ્યા તો આ દેશની જનતા તમને છોડશે નહીં, તમારું મોં પણ કાળું કર્યા વગર રહેશે નહી. અમારી તેમને વિનંતી છે કે તમારી માતાઓનું કંકુ ભારતમાં આવીને આતંકવાદીઓએ ભૂસ્યું છે એટલે જો તમે પણ તેમની સાથે મૅચ રમશો તો આ દેશની જનતા તમને માફ નહીં કરે, આ દેશની જનતા તમારું મોં કાળું કર્યા વગર નહીં રહે.’
વાનખેડે સ્ટેડિયમ પર બંદોબસ્ત
મુંબઈમાં જો કોઈ ક્લબ કે રેસ્ટોરાંમાં મૅચનું લાઇવ ટેલિકાસ્ટ બતાવવામાં આવ્યું તો એની સામે પણ કાર્યવાહી થશે એવી ચીમકી ઉદ્વવસેનાએ આપી હતી. એ ચીમકી બાદ વાનખેડે સ્ટેડિયમ અને મરીન ડ્રાઇવ પર પણ પોલીસ-બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો હતો. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને એ માટે વાનખેડે સ્ટેડિયમના બધા જ ગેટ પર ભારે પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ખાસ કરીને પોલી ઉમરીગર ગેટ પર બૅરિકેડ્સ લગાડીને પોલીસે રસ્તો રોક્યો હતો.
પુણેમાં મોદી સરકાર હાય-હાયના નારા લાગ્યા
પુણેના શિવાજીનગરની ગોખલે સ્કૂલના મેદાનમાં આંદોલન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં આંદોલનમાં ભાગ લેનારી મહિલાઓએ મોદી સરકાર હાય-હાય, પાકિસ્તાન હાય-હાય, શિવસેના ઝિંદાબાદ અને જય ભવાની જય શિવાજીના નારા સાથે ક્રિકેટ રમીને આંદોલન કર્યું હતું. પહલગામમાં થયેલી આતંકી ઘટના હજી તાજી છે ત્યારે આટલો ક્રિકેટપ્રેમ દર્શાવનારી મોદી સરકાર દેશને પ્રગતિ નહીં પણ અધોગતિ તરફ લઈ જઈ રહી છે એવો આક્ષેપ પણ તેમણે કર્યો હતો.
કોલ્હાપુરમાં અંબાબાઈની આરતી
કોલ્હાપુરમાં ઉદ્ધવસેનાની મહિલા પાંખની આંદોલનકારી મહિલાઓએ અંબાબાઈ મંદિર પરિસારમાં માતાજીની આરતી ઉતારી હતી અને કેન્દ્ર સરકારને સદ્બુદ્ધિ આપવા વિનંતી કરી હતી.
ટીવી તોડનારા નેતાને પોલીસે નોટિસ ફટકારી
ભારત-પાકિસ્તાન મૅચ સંદર્ભે વિરોધ-પ્રદર્શન કરીને ટીવી-સેટ તોડી રહેલા ઉદ્ધવસેનાના પ્રવક્તા આનંદ દુબેનો વિડિયો વાઇરલ થયા બાદ સમતાનગર પોલીસે આ સંદર્ભે તેમની સામે લોકોની સામે જોખમ ઊભું કરવું અને શાંતિનો ભંગ કરીને કાયદાનું ઉલ્લંઘન કરવા હેઠળ ગુનો નોંધીને તેમને નોટિસ ફટકારી હતી. પોલીસ-તપાસમાં તેમને સહકાર આપવા જણાવાયું હતું અને જો એમ ન કર્યું તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે એમ જણાવાયું હતું.